કિરણ કાપુરે.મેરાન્યૂઝ (ઇનસાઇડ આઉટસાઇડ): નાગરિકતા કાયદાને લઈને પ્રદર્શન થઈ રહ્યાં છે, ક્યાંક પ્રદર્શન ઉગ્ર પણ થયા છે. પ્રદર્શનકારીઓએ જ્યાં પણ હિંસાનો આશરો લીધો છે, ત્યાં તેમણે શાસકોને જ પોતાના વિરુદ્ધ કાર્યવાહી કરવાનોપરવાનો આપી દીધો છે. નાગરિકતા કાયદાનો મુદ્દો ગંભીર અને સંવેદનશીલ છે, છતાં તેનો વિરોધ અહિંસક રીતે થઈ શકે. અહિંસક વિરોધ કરીને પણ લોકોનું ધ્યાન તે મુદ્દા તરફ ખેંચી શકાય અને સંદેશ પહોંચાડી શકાય. બેંગ્લોરના બાદલ નાન્જુદાસ્વામી વર્ષોથી પોતાના હટકે વિચાર અને કળાના માધ્યમથી આ રીતે પ્રદર્શન કરે છે. નાગરિકતા કાયદાને લઈને તેમનો વિરોધ ક્યાંય દેખાતો નથી,પણ અગાઉ જે રીતે પોતાનો વિરોધ અભિવ્યક્ત કર્યો હતો, ત્યારે દેશભરમાં તેમનું નામ ગાજ્યું હતું. આ વર્ષે જ તેમણે એસ્ટ્રોનેટના વેશમાં બેંગ્લોરના બિસ્માર થઈ ગયેલા માર્ગ પર 'મૂનવોક'કર્યું હતું.  બાદલ નાન્જુદાસ્વામીએ જ્યાં 'મૂનવોક'કર્યું હતું, તે જાણે ચંદ્ર પરની ધરી હોય તેમ લાગતું હતું. આ 'મૂનવોક'નો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો. બાદલના વિડિયોનું કેપ્શન માત્ર એટલું જ હતું : “હેલ્લો બીબીએમપી કમિશનર. બીબીએમપી એટલે ધ બૃહત્ બેંગલુરુ મહાનગર પાલિકા.આ વિડિયો મોટી સંખ્યામાં લાઇક-શેર થયો. એ રીતે પૂરા દેશનું ધ્યાન બેંગ્લોરની ખસ્તા હાલ માર્ગો પર ગયું. સ્વાભાવિક છે કે આ વિડિયોના અસરરૂપે બેંગ્લોરની મહાનગરપાલિકાએ પ્રજાને સંતોષ થાય તેવાં પગલાં લેવાની હૈયાધારણા આપવી પડી.

વિરોધ કરવો હોય ત્યારે કયો મુદ્દો, કેટલાં લોકોને અસર કરે છે, તે મુદ્દાને ગંભીરતાથી કેટલાં લોકો લે છે. ઉપરાંત, પણ અનેક પાસાં વિરોધ પ્રદર્શન કરવા પૂર્વે તપાસી લેવા પડે. જો આ અભ્યાસ ન થાય તો કોઈ પણ પ્રદર્શન સફળ થઈ શકતું નથી. નાગરિકતા કાયદાને લઈને મહંદશે બેનર્સ દર્શાવવા, પદયાત્રા કરવી કે પછી સૂત્રોચ્ચાર કરવાની રીત પ્રદર્શનકારીઓ અપનાવી છે. કેટલીક કોલેજોમાં ગીતો દ્વારા વિરોધ થયો છે. આ બધા વચ્ચે જ્યારે કોઈ હટકે પ્રદર્શન થાય તો તેનો સંદેશ દૂરસુદૂર લોકો સુધી પહોંચી શકે છે. બાદલનું 'મૂનવોક'નોઆઇડિયા બેંગ્લોરમાં ચાલ્યો તેનું મુખ્ય કારણ બેંગ્લોરમાં ઠેરઠેર પડેલાં ભૂઆ હતા અને તે વખતે અનેક લોકો ગંભીર રીતે ઇજા પામ્યા. આ જ સમય દરમિયાન 'ચંદ્રાયાન-2'ની વાત ચાલી રહી હતી. આ બંનેને જોડીને બાદલે પોતાનું આર્ટિસ્ટ ભેજું લગાડ્યું અને 'મૂનવોક'થી સૌનું ધ્યાન ખેંચ્યું.

વિરોધ કેવી રીતે થઈ શકે તે માટે બાદલનું આર્ટ સૌથી મજાનું ફોર્મેટ છે. તેઓ મૂળે બેંગ્લોરના છે અને 'ચમરાજેન્દ્ર એકેડમી ઓફ વિઝ્યુઅલ આર્ટ્સ'ના વિદ્યાર્થી છે. આમ તો તેઓની ઓળખ પેઇન્ટિંગથી બની છે, પરંતુ તેઓની કળા શબ્દોથી પણ ઉતરે છે. કન્નડ ભાષામાં તેઓની ટૂંકી વાર્તા સ્થાનિક અખબારોમાં પ્રકાશિત થતી રહે છે. તેઓની આર્ટિસ્ટ તરીકેની તમામ ઓળખ આપવાની થાય ત્યારે તેમાં થ્રીડી પેઇન્ટિંગ, મ્યુરલ્સ અને સ્કલ્પચરના ક્રિએશનનો પણ સમાવેશ થાય છે. જુદા જુદા આર્ટ ફોર્મમાં અને સાહિત્યમાં કામ કર્યું હોવાથી તેમની એક વિશેષ સમજ કેળવાઈ છે, જેને તેઓ જાહેર મુદ્દામાં મત આપવા અર્થે પ્રદર્શિત કરે છે.

દેશના આવા જ એક ચર્ચિત ઘટના પર બાદલે બેંગ્લોરના માર્ગ પર 'રડતાં મોર'નું પેઇન્ટિંગ બનાવ્યું હતું. આ પૂરી ઘટના રાજસ્થાન હાઇકોર્ટના ન્યાયાધીશ મહેશચંદ્ર શર્માના નિવેદન દ્વારા પ્રકાશમાં આવી હતી.  આ ન્યાયાધીશે એવું નિવેદન આપ્યું હતું કે, “આપણે મોરને રાષ્ટ્રિય પક્ષી જાહેર કર્યું છે તેનું કારણ છે કે તે આજીવન બ્રહ્મચારી રહે છે. મોર રડે છે ત્યારે તેના આંસુ ઢેલ  પીવે છે અને પછી તે ગર્ભવતી બને છે. મોર અને ઢેલ ક્યારેય જાતિય સંબંધ બાંધતા નથી!”  આવું તો ઘણું જ્ઞાન ન્યાયાધીશ મહેશચંદ્રએ મીડિયાને આપ્યું હતું. હવે દેશમાં જ્યારે હાઇકોર્ટના ન્યાયાધીશ આ પ્રકારે વાત કરતા હોય ત્યારે તેમની પાસેથી ન્યાયની શી અપેક્ષા રાખવી. આ કિસ્સામાં પણ બાદલ નાન્જુદાસ્વામીએ 'રડતો મોર'બેંગ્લોરના રોડ પર આવેલાં ખાબોચિયા પાસે બનાવ્યો. ચાળીસ વર્ષના બાદલનો આ ક્ષેત્રનો અનુભવ ખૂબ છે અને તેઓ જગવિખ્યાત એડવર્ટાઇઝિંગ કંપની 'ઓગ્લિવ એન્ડ માથેર'ના સાથે પણ કામ કરી ચૂક્યા છે. કન્નડ ફિલ્મ 'યૂ-ટર્ન'ના તેઓ આર્ટ ડિરેક્ટર રહ્યા છે.  જોકે વ્યવસાયી કામો કરતાં તેઓને વધુ સંતોષ આપનારું કાર્ય માર્ગ પર લોકોને સંદેશો પહોંચાડવાની પેઇન્ટિંગથી થાય છે.

બેંગ્લોરવાસી આ મામલે નસીબવંતા રહ્યા છે કે નાગરિકોને લગતાં મુદ્દાઓને બાદલે સરસ રીતે ધ્યાન ખેંચી આપ્યું છે. માર્ગો પર પડેલાં ખાડાઓને લઈને તેમણે જે એક પ્રયોગ કર્યો હતો તેની પણ ચર્ચા ખૂબ થઈ હતી. આ પ્રયોગમાં તેમણે મસમોટા નકલી મગરને મૂક્યો હતો. રસ્તા વચ્ચે જ લોકોને પાણીના ખાબોચિયામાં દેખાતાં મગરના કારણે લોકોનું ધ્યાન ખાડાઓ તરફ ગયું અને બેંગ્લોરના કોર્પોરેશન પર ફિટકાર વરસાવી. એક જ શહેરમાં અલગ-અલગ રીતે કેટલું કામ થઈ શકે તેનું પણ ઉદાહરણ બાદલ બની શકે છે. તેમણે બેંગ્લોરમાં જ્યારે પણ તક મળી જ્યારે તે અંગે કામ કર્યું છે. તેમણે એક ખુલ્લી ગટર પર જે કરોડિયાનું જાળું બનાવ્યું હતું, તે તેમની આર્ટનો ઉત્તમ નમૂનો હતો. આ આર્ટથી લોકોનું ધ્યાન તે તરફ ગયું અને મીડિયાએ તેને સારું એવું કવરેજ આપ્યું. આવા તો બાદલના અનેક પ્રયોગો છે, જેનાથી તેમણે બેંગ્લોરમાં જબરજસ્ત જાગ્રતતા લાવવાનું કાર્ય કર્યું છે.

જે-તે પક્ષ કોર્પોરેશન, જિલ્લા, રાજ્ય કે દેશમાં શાસન કરતો હોય તો તેઓ પોતાનો પ્રચાર પ્રસાર કરવાના જ. ગુજરાતમાં આપણને ઠેરઠેર એવાં પોસ્ટર્સ દેખાય છે, જેમાં સરકાર પોતાના ગુણગાન ગાતી હોય છે. જે કાર્યો બાકી રહ્યા છે, તે અંગે શાસકો તો  ક્યારેય કશું કહેવાના નથી. કામ ન થયા હોય તે વિશે લોકો જાણે પણ છે, અને બોલે પણ છે. પરંતુ કોઈ મુદ્દો ટોક ઓફ ટાઉન બને ત્યારે જ તેના પર એક્શન લેવાય છે. બાદલ નાન્જુદાસ્વામીની કળા બસ એ જ કામ કરે છે.  બેંગ્લોરમાં સરકારના પ્રચાર-પ્રસાર સામે બાદલનું એક પેઇન્ટિગ કે સ્કલ્પચર જ કાફી છે, જે પૂરા તંત્રને સતત જાગતું રાખે છે. બાદલના કિસ્સામાં એક બાબત ખૂબ સારી રહી કે તેમણે બેંગ્લોરના માર્ગોને પોતાના વિરોધ પૂરતો સિમિત રાખ્યો. તેઓને કળા આવડે છે એટલે તેઓ જો બધા મુદ્દા પર કામ કરવા લાગ્યા હોત, જે સામાન્ય રીતે થાય છે તો તેનું પરિણામ આવત નહીં.

બેંગ્લોર શહેરનો સવાલ અગત્યનો છે અને અહીંયા ખાડાઓના કારણે લોકોની જાન ગઈ છે. પરંતુ તેમ છતાં જીવનમરણનો જ્યારે સવાલ આવે ત્યારે તે અગેનું પ્રદર્શન કેવું હોય તે અંગેની વાત પણ થવી જોઈએ. 2017ના વર્ષમાં તમિલનાડુના ખેડૂતોએ જે પ્રદર્શન દિલ્હીમાં કર્યું હતું તેમાં અસ્તિત્વનો સવાલ હતો. આ ખેડૂતોને લોન માફ કરાવવાની હતી અને સાથે રાજ્યના પાણીના પ્રશ્નનો પણ ઉકેલ લાવવો હતો. આ માંગણી સાથે તેઓ દિલ્હી આવ્યા અને એક મહિના સુધી રોજરોજ અલગ રીતે પ્રદર્શન કર્યું.  આ મુદ્દાએ પૂરા દેશનું ધ્યાન ખેંચ્યું હતું. તેઓએ એક દિવસ સમૂહમાં માથાના વાળ મૂંડાવ્યા, જીવતાં ઉંદર મોંમા રાખ્યા, નગ્ન થઈને દોડ્યા અને સાડી પહેરી આમ અનેક વિચિત્ર કહેવાય તેવાં આઇડિયા અમલમાં લાવીને પ્રદર્શન કર્યું હતું.

આ ખેડૂતો પોતાની સ્થિતિથી ત્રસ્ત હતા અને પોતાનો સંદેશ દિલ્હીના તખ્ત સુધી પહોંચાડવો હોય તો તેઓને આમ કરવું જરૂરી લાગ્યું. છેવટે તેઓની માંગણી વડા પ્રધાન સુધી પહોંચી. બાકી રોજેરોજ દિલ્હીમાં હજારો લોકો વિરોધ પ્રદર્શન કરવા આવે છે, પણ તેઓને નિરાશ થઈને પાછા ફરવું પડે છે.  આવો જ કિસ્સો 'ચિપકો આંદોલન'નો છે, જેમાં બહેનો વૃક્ષોને વળગી રહીને પર્યાવરણ અને પોતાનું ક્ષેત્ર સુરક્ષિત રાખ્યું. 'નર્મદા બચાવ આંદોલન'માં પણ પીડિતોએ દિવસો સુધી નર્મદા નદીમાં રહીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

વિરોધ પ્રદર્શનમાં મૂળે વાત પોતાનો સંદેશો શાસકો સુધી પહોંચાડવાનો અને લોકોની લાગણી જાગ્રત કરવાનો છે, પણ જૂજ પ્રદર્શનોમાં તેવું શક્ય બને છે.