કિરણ કાપુરે.મેરાન્યૂઝ (ઇનસાઇડ આઉટસાઇડ): શક્યતાની નાની અમથી બારી ઉઘડે તો તેમાંથી એમેઝોન જેવી મસમોટી કંપની પસાર થઈને જમાવડો કરી શકે છે. એમેઝોન એવી જ રણનીતિ સાથે ભારતમાં આગળ વધી રહ્યું છે. હાલમાં એમેઝોનના સીઈઓ જેફ બેઝોસ ભારતની મુલાકાતે આવીને ગયા. જેફ બેઝોસનો ભારતમાં સ્થાનિક વેપારી લોબીએ ખૂબ વિરોધ કર્યો. એમેઝોન આવશે તો એકહથ્થુ શાસન આવશે તેવી નાના વેપારીઓને ભીતિ છે. જેફને વેપારીઓએ ઇકોનોમિક ટેરરિસમનો મુખિયો પણ કહ્યો. જેફને વેપારીઓ સામે ઝિંક ઝીલવી પડી તેમ કેન્દ્ર સરકારેપણ તેમની ઝાટકણી કાઢી છે.વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે તો ત્યાં સુધી કહ્યું કે, જેફ 7,100 કરોડ રોકાણ કરવાની જાહેરાત કરીને ભારત પર કોઈ અહેસાન કર્યું નથી! જેફ અહીંયા આવ્યા તો જાણે એમેઝોન પર પસ્તાળ પડી હોય તેમ તેના પર સવાલો ઉઠ્યા.

જેફ બેઝોસને બધી બાજુથી જાકારો મળ્યો, પણ વિશ્વભરમાં પોતાનું વર્ચસ્વ ઊભી કરનારી એમેઝોન પોતાના લાંબાગાળાના રોકાણ અને ધીરજ માટે જાણીતી છે. આ અંગેના નિયમો ખુદ જેફે બનાવ્યા છે. જેફ બિઝનેસના અચ્છા ખેલાડી છે અને અનુભવે બનાવેલાં નિયમોને વળગી રહે છે. તેઓ માને છે કે, “પોતાના ગ્રાહકોને ક્યારેય ન ભૂલો. સાથે જ ક્યારે પણ ભૂલ કરતાં ગભરાવવું નહીં. પાસાં અવળા પડે ત્યારે પણ સહજ રહો.સફળતાના આવા મંત્ર જેફ બેઝોસે અને એમેઝોને ગાંઠે બાંધેલા છે જેના જ પરિણામે એમેઝોન કંપની આજે અહીં ઉભી છે. જેફનું માનવું છે કે, બિઝનેસ કરતી વેળાએ જાણી લેવું જોઈએ કે તે પ્રયોગ માત્ર છે, તેમાં નિષ્ફળતા મળી શકે છે.

જેફ અને એમેઝોનના ઉચ્ચ અધિકારીઓએ બિઝનેસમાં અવારનવાર મળતી નિષ્ફળતાને પચાવી છે. તેમ છતાં તેઓ આગળ વધવામાં માને છે. આ કારણે એમેઝોને ભારત જેવાં મસમોટા માર્કેટમાં પ્રવેશ કર્યો ત્યારે પડકારોને ઝીલવા તેમ ઠરાવ્યું હતું. ભારતનું માર્કેટ કોઈ એક નીતિના આધારે સર થઈ શકે એમ નથી. અહીંયા ભૌગોલિક સ્થિતિ વિષમ છે, અલગ-અલગ સંસ્કૃતિ છે, ભાષા છે. આ ઉપરાંત, રહેવા-આહારની ભિન્ન શૈલી છે. આ કિસ્સામાં એમેઝોન જેવું મોડલ ક્યાં સુધી સફળ થઈ શકે છે?એમેઝોને તેનો તોડ શોધી કાઢ્યો છે. ભારતની સ્થિતિ મુજબ એમેઝોને તે મુજબની રણનીતિ ગોઠવી રહી છે, તેના એક દાખલાથી તેનો અંદાજો મળી શકે. જેમ કે, એમેઝોને નાના નગરો અને ગામડાંઓમાં ઓર્ડર ડિલિવર કરવા માટે સ્થાનિક દુકાનદારો સાથે ટાઇ-અપ કરવા માંડ્યું છે. સ્થાનિક સ્તરે બધા સાથે ટાઇ-અપ કરીને એમેઝોન દેશના ગર્ભમાં પેસવા માગે છે, જેથી પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે.

સ્થાનિક સ્તરે બિઝનેસ ચાલે તે માટે જેમ ટાઇ-અપ કર્યું તેમ પોતાની રોકાણક્ષમતા અને રણનીતિના આધારે જાયન્ટ કેમ્પસ પણ એમેઝોન ભારતમાં બનાવી ચૂક્યું છે. આશ્ચર્ય થાય પણ એમેઝોને અમેરિકા બહાર સૌથી મોટું કેમ્પસ હૈદરાબાદમાં બનાવ્યું છે! અહીંયા એક સાથે 15,000 કર્મચારીઓ રહી શકે છે. એમેઝોનના આ કેમ્પસમાં કર્મચારીઓ તમામ સગવડ ઊભી કરવામાં આવી છે. કંપનીના આ એક માત્ર નિર્ણયથી કલ્પી શકાય કે તેનો પડાવ લાંબાગાળાનો છે. એમેઝોન બિઝનેસ વિસ્તારવાના નકશામાં ભારતને સેન્ટર પોઇન્ટ ગણે છે. આનું સરળ કારણ એટલું કે ભારતમાં ખરીદશક્તિ ધરાવનારો વર્ગ દિનપ્રતિદિન વધી રહ્યો છે. સ્માર્ટ ફોન અને સાથે સસ્તા ઇન્ટરનેટની ક્રાંતિ ભારતમાં થઈ ચૂકી છે, જેથી મસમોટો વર્ગના હાથમાં ઓનલાઈન ખરીદી કરવાની વ્યવસ્થા છે. આ કિસ્સામાં એમેઝોન જેવું ઇ-કોમર્સ પ્લેટફોર્મ તેનો ભરપૂર લાભ ઉઠાવવાથી કેવી રીતે વંચિત રહે.

એમેઝોન જાયન્ટ કંપની છે. કંપની રોકાણ કરવા સક્ષમ છે. લાંબા ગાળાનું આયોજન સુદ્ધા છે અને અખૂટ ધીરજ રાખવાની તૈયારી છે. આ બધુ વિચારીને એમેઝોન આવ્યું હોવા છતાં ઓનલાઈન માર્કેટમાં વિદેશી કંપની વોલમાર્ટ અને સ્થાનિક રિલાયન્સ રિટેઇલ સામે પ્રતિસ્પર્ધા પણ કરવાની છે. નેક્સ્ટ સ્ટેજમાં આ વોર બરાબરની જામવાની છે અને તેનો લાભ ગ્રાહકોને પણ મળશે. પરંતુ તેનાથી પરંપરાગત વેપારની જે વ્યવસ્થા ગોઠવાઈ છે તે વેરવિખેર થઈ જાય તેવી પૂરી શક્યતા છે. આજે આપણે કોઈ પણ વસ્તુ ખરીદવા માટે સોસાયટી-ગલીના નાકે આવેલી દુકાનોમાં જઈએ છીએ. એમેઝોન અને અન્ય મસમોટી ઇ-કોમર્સ બિઝનેસ કરવા ઇચ્છતી કંપની આ પૂરી વ્યવસ્થાને બદલીને તેમાં એન્ટ્રી કરવા માગે છે. આ માટે એમેઝોન તો તૈયારી આરંભી દીધી છે, જે માટે દેશમાં પચાસથી વધુ કેન્દ્રો નિર્માણ કરી રહ્યું છે. ઉપરાંત હજારોની સંખ્યામાં ડિલિવરી સ્ટેશન અને સોર્ટ સેન્ટર પણ ઊભા કરવામાં આવી રહ્યા છે.

આ યુગમાં જ્યારે ગ્રાહક જાગ્રત છે. સરકાર સાવધ છે અને વેપારીઓમાં આવનારા જોખમ સામે સંગઠીત થઈ શકવાની શક્તિ છે, ત્યારે એમેઝોન જેવી કંપની અહીંયાથી બધુ ઉલેચીને નફો કરે તે શક્ય ન બને. આ માટે સ્થાનિક હિત સાચવવા અને લોકોને આશા જન્મે તેવું આખું ચિત્ર ઉભું કરવું પડે. એમેઝોન તે અર્થે પણ  તૈયાર છે. જેમ કે ભારતના નિકાસને વધારવા માટે એમેઝોને રોડમેપ બનાવ્યો છે અને અહીંયાની ચીજવસ્તુઓને વેચવા અર્થે વિશ્વનું માર્કેટ ખૂલશે તેવી પણ હૈયાધારણા આપી છે. એ સિવાય રોજગારી, જંગી રોકાણ અને માળખાગત સુવિધા નિર્માણ કરીને અર્થતંત્રમાં ગતિ લાવવાના લાભ પણ કંપની ગણાવે છે. જોકે, આ લાભ સામે થનારા નુકસાનનો જરાસરખો પણ અંદાજો હજુ કાઢવામાં આવ્યો નથી.

એમેઝોન ભારતમાં શું કરી રહી છે અને તેનું આયોજન શું છે તે વિશે આ વાત થઈ, પણ જ્યાં તે મજબૂત પ્લેયર છે, તેનો એકાધિકાર ચાલે છે, ત્યાં એમેઝોન કેવી રીતે બિઝનેસ કરી રહ્યું છે તે પણ જોવું રહ્યું. સામાન્ય રીતે કોઈ ગ્રાહક કંપનીની નૈતિકતા તપાસતું નથી. ગ્રાહક અલ્ટિમેટલી તેનો લાભ જોવે છે. એમેઝોન ભારતમાં બધે જ પ્રવેશશે ત્યારે ગ્રાહક સાથે તેનો સંબંધ ખરીદ-વેચાણનો રહેશે, અને એમેઝોનનો બિઝનેસ ઓનલાઇનનો છે એટલે તેમાં તો ગ્રાહક સાથેની એક દૂરી રહેવાની છે. પણ એમેઝોન એક કંપની તરીકે કેવી છે તે જાણવું રહ્યું. વિદેશમાં તેના નામે નોંધાયેલા વિવાદને તપાસવા જોઈએ. એમેઝોન જેમ વિશ્વફલક પર બિઝનેસ કરી રહ્યું છે, તેમ વિવાદો એમેઝોનના ખાતે ખૂબ જમા થયા છે.

ભારત સાથે જોડાયેલો એમેઝોનનો એક વિવાદ તો જાણીતો છે, જેમાં એમેઝોનની કેનેડા વેબસાઇટ પર પગલૂછણીયા સાથે ભારતના રાષ્ટ્ર ધ્વજને વેચાણમાં મૂકવામાં આવ્યો હતો. કેનેડામાં વસતા ભારતીયોએ તેનો વિરોધ કર્યો અને તત્કાલિન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પાસે જ્યારે આ મુદ્દો આવ્યો ત્યારે તેમણે પણ સખ્તી દર્શાવીને એમેઝોનને માફી માગવા જણાવ્યું અને કહ્યું કે જો તેમ નહીં થાય તો એમેઝોનને અધિકારીઓના ભારતના વિસાને અટકાવી દેવામાં આવશે. એમેઝોને કિંમત, સીધુ વેચાણ, પ્રતિસ્પર્ધી કંપનીઓનું વેચાણ અટકાવવું એવાં તો અનેક કિસ્સામાં પોતાની મનમાની કરી છે, અને કેટલાંક કિસ્સામાં ગુનો કબૂલીને વળતર પણ ચૂકવ્યું છે. આ યાદી ખૂબ લાંબી થાય એમ છે.

એમેઝોનના નામે ગ્રાહકોને કે સહકંપનીઓને છેતરવાના તો ગુના દાખલ થયા જ છે, તે સાથે પોતાના કર્મચારીઓને અમાનવીય રીતે વર્તાવ રાખવાના કિસ્સા પણ બન્યા છે. કર્મચારીઓને સુવિધા આપવાના જ્યાં કાયદા મજબૂત હોવા છતાં એમેઝોને કર્મચારીઓનું થાય એટલું શોષણ કરી લીધું છે. એમેઝોનની કથા આમ તો લંબાવી શકાય એટલી છે; પણ આ પાયાની માહિતી એ ઉદ્દેશ્યથી આપી છે કે એમેઝોન તમારી સોસાયટી, ગલી નાકા પર બિઝનેક કરવા આવી રહી છે, જે વિશે સૌએ જાણકારી રાખ્યા વિના છૂટકો નથી.