કિરણ કાપુરે. મેરાન્યૂઝ (ઇનસાઇડ આઉટસાઇડ): સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રાજધાની દિલ્હી સહિત પૂરા દેશભરમાં તેની ઉજવણી થઈ રહી છે. એક દેશ તરીકે આપણે સ્વાતંત્ર્ય થયા અને આજે આઝાદ માહોલમાં ભારતીય નાગરીક તરીકે જીવી રહ્યાં છે. બે સદીની ગુલામી અને લાંબા પટ પર આઝાદીના સંઘર્ષ બાદ આપણે આ સ્થિતિએ પહોંચ્યા છે!નાગરીક તરીકે ભારતીય સંવિધાને આપણને ઘણાં બધા અધિકારો આપ્યા છે. આ પ્રસંગની ઉજવણી થાય, તેના માટે જલસા ગોઠવાય અને ગૌરવભેર રીતે તે ક્ષણને યાદ પણ કરવી જોઈએ. પરંતુ આઝાદીની આ ક્ષણ તત્કાલિન હિંદુસ્તાન માટે એક ભયાવહ ઘટનાઓનો દોર લઈને પણ આવી હતી, જેમાં લાખો લોકો ખુંવાર થયા, કરોડો ઘર બરબાદ થયા અને અનેક ભવિષ્યો પણ પૂર્ણવિરામ મૂકાઈ ગયું. અખંડ હિંદુસ્તાનનું સપનું સેવનારાં માટે આ કાળમીંઠ સપનું હતું, જેમાં બધું જ રોળાયું. માનવસમાજના ઇતિહાસમાં આવી ઘટના ભાગ્યે જ બની હશે, જ્યારે એક દેશના બે ટુકડા થયા હોય, અને તે બંને દેશોની વસતી અરસપરસના ક્ષેત્રમાં લાખોની સંખ્યામાં સ્થળાંતર કરે. જાણે પોતાનું અસ્તિત્વ જડમૂળમાંથી ઉખાડીને નવા જ માહોલ, પ્રદેશ અને દેશમાં જવાનું. ભાગલાનું આ સત્ય એટલું દર્દનાક હતું કે તેનો દસ્તાવેજી ભાગ આજે પણ આપણને લાગણીમાં વહાવીને લઈ જાય એવો છે. અને એટલે જ એ ગાળા વિશે થોકબંધ લખાયું છે, ડોક્યુમેન્ટરીઝ બની છે, અને તેના પર સંશોધનો પણ ખૂબ થયા છે. પરંતુ આજે અહીંયા આ ભાગલાની યાદોને સાચવતાં ‘પાર્ટીશન મ્યૂઝિઅમ’ની વાત કરવાનીછે. અમૃતસરમાં આવેલાં આ મ્યૂઝિઅમની મુલાકાત ગુજરાતના રહેવાસી તત્કાલ તો ન લઈ શકે, પરંતુ જ્યારે પણ અમૃતસર જવાનું થાય, ત્યારે ભાગલાની ખુંવારી અને તેની વચ્ચે દબાયેલી અનેક સ્ટોરીઝના અંશ તમને અહીં એક સાથે જોવા મળશે. લેટ્સ ઓવર ટુ ‘પાર્ટિશન મ્યૂઝિઅમ’....

ઇતિહાસમાંથી બોધપાઠ લેવાનું ત્યારે જ સ્વાભાવિક બને જ્યારે ઇતિહાસની ઘટનાઓને આપણી આસપાસ સુરક્ષિત રાખી શકીએ. ઇતિહાસ તેની એક-એક ઘટનામાંથી બોધ આપે છે, અને એટલે જ ઇતિહાસ બની ચૂકેલી ભાગલા જેવી ઘટનાઓનું દસ્તાવેજીકરણ થવું જોઈએ. અલગ અલગ રીતે તેને લોકો સામે મૂકવી જોઈએ, અને તે જ અમૃતસરના ‘પાર્ટીશન મ્યૂઝિઅમ’માં થયું છે. ભાગલાના વિતક વિશે એક સરેરાશ ભારતીય એવું જાણે છે કે તેમાં આટલાં લોકો મર્યાં અને લાખો લોકો પોતાનું વતન છોડીને અન્ય દેશમાં સ્થાયી થયા, પરંતુ આ ઉપરછલ્લી વિગતની નીચે અનેક સ્ટોરીઝ દબાઈ જાય છે. અને એટલે જ આ પ્રકારના મ્યૂઝિઅમ સાર્થક બને છે. આજે અમૃતસરનું આ મ્યૂઝિઅમ દુનિયાનું એક માત્ર એવું મ્યૂઝિઅમ છે, જે કોઈ દેશના ભાગલાની રજૂઆત કરતું હોય! 17,000 સ્કેઅર ફીટ જેટલાં મસમોટાં વિસ્તારમાં પ્રસરેલું આ મ્યૂઝિઅમ વિવિધ આર્ટ દ્વારા પાર્ટીશનની વાત કહે છે. ઉપરાંત વિડિયો, સાઉન્ડસ્કેપ, શરણાર્થી દ્વારા આપવામાં આવેલી કેટલીક ચીજો, તે વખતના ન્યૂઝપેપર્સ અને મેગેઝિન, માઈગ્રેશન અને શરણાર્થી કેમ્પના ફોટોગ્રાફ્સ, શરણાર્થી દ્વારા લખવામાં આવેલા પત્રોને પણ અહીં મૂકવામાં આવ્યાં છે. મ્યૂઝિઅમની પૂરી સામગ્રી તે વખતના સમયને જીવંત કરે છે.

‘મોર્ડન ઇન્ડિયન હિસ્ટરી’ કેટેગરીમાં આવતા આ મ્યૂઝિઅમ નોનપ્રોફીટ ટ્રસ્ટ તરીકે નોંધાયેલું છે અને તેમાં એડ ગુરુ સોહેલ શેઠે પૂરતી મદદ કરી છે. આ ઉપરાંત એરટેલ અને હિન્દુસ્તાન ટાઈમ્સે પણ તેમાં કોન્ટ્રુબ્યુશન આપ્યું છે. પંજાબ સરકારે જમીન આપી છે. આ રીતે વ્યક્તિગત મદદ, કંપનીઓની સખાવત અને સરકારની સહાયથી બનેલું આ મ્યૂઝિઅમ આજે એક જ વર્ષમાં દેશ-વિદેશીઓ માટે પ્રવાસનનું કેન્દ્ર બન્યું છે!જોકે આ મ્યૂઝિઅમ નિર્માણ કરવા પાછળ જેણે સૌથી વધુ એફર્ટ લગાવ્યા છે તેમનું નામ કિશ્વર દેસાઈ છે. કિશ્વર દેસાઈનું નામ લેખક અને કોલમિસ્ટ તરીકે જાણીતું છે. તેઓ ‘આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ’ સાઈટના ચેરપર્સન પણ છે. તેમણે જ આ મ્યૂઝિઅમને નિર્માણ કરવા માટે અથાગ પ્રયાસ કર્યા. આ મ્યૂઝિઅમ અમૃતસરમાં કેમ બન્યું છે તેનું એક કારણ એ છે કે બંને દેશોમાંથી જ્યારે ભાગલા વખતે સ્થળાંતર થતું હતું, ત્યારે અમૃતસરમાંથી જ મુખ્ય માર્ગ પસાર થતો હતો.

આ મ્યૂઝિઅમમાં કેટલું સૂક્ષ્મ રીતે કામ થયું છે, તેની ઝલક તેની તસવીર અને તેના મૂકાયેલાં સંદર્ભોથી જાણી શકાય. ભારત-પાકિસ્તાનની પૂરી તાસિર અને સામાજિક-રાજકીય જે અસર ભાગલા દ્વારા થઈ તેની તસવીરો વિશેષ વિગત સાથે મૂકવામાં આવી છે. ભાગલા બાદ બંને દેશો કેવી રીતે નિર્માણ પામ્યા, અને કેવી રીતે એક દેશ તરીકે ઓળખ બની, અને આ જ ઘટનાથી કેટલું અદભુત સાહિત્ય અને કળા નીકળી આવી, તેનું પણ દર્શન અહીં થાય છે. આ સિવાય કેટલીક વ્યક્તિગત ચીજો પણ અહીં પ્રદર્શિત થઈ છે, જેમ કે પાકિસ્તાનમાં એક ટોળાના હુમલામાં મૃત્યુ પામેલા કોઈ અજાણી વ્યક્તિની અહીં એન્ટિક પોકેટ વોચ મૂકવામાં આવી છે! કોઈ શરણાર્થી દ્વારા ગૂંથેલાં કાપડને પણ જગ્યા આપવામાં આવી છે! એક પરંપરાગત ઘરને પણ અહીં ડિસપ્લે કરવામાં આવ્યું છે, જે ભાગલામાં છિન્નભિન્ન થઈ ચૂક્યું હોય.

આ મ્યૂઝિઅમ નિર્માણ કરતી વખતે જે ધ્યાન રાખવા જેવી બાબત હતી, તે આ મ્યૂઝિઅમને હિન્દુ-મુસ્લિમનો રંગ ન અપાઈ જાય તે હતો. આ બંને દેશો માટે કરૂણ ઘટના હતી, તેને માત્ર ભારતના દૃષ્ટિકોણથી જ રજૂ કરવામાં આવે તો પણ મ્યૂઝિઅમનો હેતુ સાર્થક ન ઠરે. સમાજશાસ્ત્રી શિવ વિશ્વનાથ આ વિશે યોગ્ય જ કહ્યું છે કે, ભાગલા વખતે ભારત-પાકિસ્તાને પરસ્પર આચરેલી હિંસા હતી, તેમાં કોઈ એક સત્ય ન હતું, ન તો કોઈ એક જ દેશ વેઠનાર હતો. ખુંવારી બંને બાજુ થઈ હતી અને મ્યૂઝિઅમમાં બંને તરફનું ચિત્ર સરખી રીતે રજૂ થયું છે. આ ચિત્ર રજૂ કરવા માટે પુરતા પ્રમાણમાં તે વખતના લખાણોનો આધાર લેવામાં આવ્યો છે. જેમ કે આ મ્યૂઝિઅમમાં જે લખાણ મૂકવામાં આવ્યાં છે, તેમાં એક પુસ્તક 81 વર્ષના સોહિન્દરનાથ ચોપરાનું આત્મકથાનક પણ છે, જેઓ પાકિસ્તાનના ગુજરાનવાલામાં જન્મ્યા હતા, અને જ્યારે તોફાનો ફાટી નીકળ્યા ત્યારે તેમના પરિવારને ચેતવવા એક મૌલવી આવ્યા હતા. બાર વર્ષની ઉંમરે તેઓ ભારત આવ્યા, અને તેમણે પોતાના તે કાળના સંસ્મરણો લખ્યા છે. આવી અજાણી અનેક સ્ટોરીઝ અહીંયા જડી આવે છે.

આ ઉપરાંત અહીંયા જાણીતા પત્રકાર કુલદીપ નાયર દ્વારા ભારત-પાકિસ્તાન વચ્ચે લાઇનદોરી દોરનારાં રેડક્લિફનો લીધેલો ઇન્ટરવ્યૂ પણ સાંભળવા મળે છે. તત્કાલિન નેશનલ ઇન્ડિયન કોંગ્રેસે પંજાબ બાઉન્ડ્રી કમિશનને જે કોપી આપી હતી, તે પણ અહીંયા જોવા મળે છે. ટ્રેન, બોટ્સ, કાર અને પગે ચાલીને અરસપરસ સરહદ કાપતાં અનેક તસવીરોને પણ અહીં મૂકવામાં આવી છે. આ સિવાય પણ અનેક એવી કહાનીઓ જેમાં ભૂખ્યા-તરસ્યા સરહદ ક્રોસ કરીન આવનારાં શરણાર્થી, પોતાનું બાળક ખોનાર માતા, ટ્રેનમાં હૂમલાનો ભોગ બનનારાની વિતક અહીં રેકોર્ડેડ છે. અનેક સરકારી સંસ્થાઓનું વિભાજન કેવી રીતે થયું તેનો પણ ફર્સ્ટ હેન્ડ રિપોર્ટ-ફોટોગ્રાફ્સ અહીં સંગ્રહીત કરવામાં આવ્યાં છે.

મ્યૂઝિઅમમાં મૂકાયેલાં આર્ટવર્ક માટે પણ ભાગલાના અનુસંધાને જ આર્ટીસ્ટને પસંદ કરવામાં આવ્યાં છે. આમાં સૌથી પ્રથમ નામ સતીશ ગુજરાલનું આવે છે. સતીશ ગુજરાત આપણાં ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દરકુમાર ગુજરાલના નાનાભાઈ છે, અને તેઓ જાણીતા સ્કલ્પચર, પેઇન્ટર અને મ્યુરાલિસ્ટ છે. સતીશ ગુજરાલનો જન્મ પાકિસ્તાનમાં ઝેલમમાં થયો હતો અને તેમણે શિક્ષણ પણ લાહોરની ‘માયો સ્કૂલ ઓફ આર્ટ્સ’માં લીધું હતું. ભાગલાને લગતું તેમના અનેક કાર્યો જાણીતાં થયા છે. એસ.એલ. પારાશરનું પણ કામ અહીં જોવા મળે. એસ. એલ. પારાશર સતીશ ગુજરાલે જ્યાં આર્ટ્સ વિષયમાં નિષ્ણાત થયા હતો એ ‘માયો સ્કૂલ ઓફ આર્ટ્સ’માં વાઇસ પ્રેસિડન્ટ રહી ચૂક્યા છે. પારાશર પરિવારે પણ ભાગલાની એ ભયાનકતા જોઈ છે, અને તેમની કળામાં તે સમયની ઘટનાઓ ઉતરી આવી છે. મ્યૂઝિઅમમાં જે ત્રીજા આર્ટીસ્ટની કેટલીક કૃતિઓ મૂકાઈ છે, તેમાંના એક છે ક્રિષ્નન ખન્ના. તેઓ પણ ફૈઝલાબાદમાં જન્મ્યા હતા. આમ, બધી જ રીતે પરિપૂર્ણ કરવા માટે આ મ્યૂઝિઅમમાં સારો એવો પ્રયાસ થયો છે.

પાર્ટીશન મ્યૂઝિઅમ અને તેના જેવી જે ભાગલા વખતે સંકળાયેલી સ્મૃતિઓને યાદ કરીએ તો ખ્યાલ આવે કે આઝાદી કેવાં સંજોગો મળી છે અને આ જ રીતે ઇતિહાસને લોકો સમક્ષ મૂકીને વર્તમાનમાંથી આપણે કંઈ દિશામાં જવું જોઈએ તેનો પથ આપણે ખોળવો જોઈએ. અને છેલ્લે સ્વતંત્ર્યતા દિનની વાચકોને અઢળક શુભચ્છાઓ...