કિરણ કાપુરે. મેરાન્યૂઝ (ઇનસાઇડ આઉટસાઇડ): 'યુનાઇટેડ નેશન્સ' દ્વારા સમયાંતરે જે સરસ સંશોધિત અહેવાલ આવે છે, તેમાં હાલમાં આવેલો અહેવાલ મહિલાઓની પ્રગતિની નોંધ કરતો છે. આ અહેવાલનું નામ છે : 'પ્રોગ્રેસ ઓફ ધ વર્લ્ડ્સ વુમન 2019-2020.’ આ જ અહેવાલમાં સમય સાથે આવેલાં સામાજિક પરિવર્તનમાં વિશ્વમાં પરિવારો કેવી રીતે બદલાયાં છે, તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લા બે દાયકાનો આપણાં દેશનો જ ઓવરવ્યૂ જોઈએ તો ખ્યાલ આવે કે આપણી આસપાસ સંબંધોમાં અને પરિવારના પરંપરાગત માળખામાં કેટલું બધું પરિવર્તન આવ્યું છે. 'યુનાઇટેડ નેશન્સ' સામાજિક પાસાંઓને લઈને સૂક્ષ્મ અભ્યાસ-સંશોધન કરતું રહે છે. એ રીતે આપણાં સમાજનો અરિસો બતાવનારો આ અભ્યાસ છે, જેમાં સૌથી આશ્ચર્ય સર્જાય એવું સંશોધન એ છે કે ભારતમાં 4.5% ઘર પરિવારમાં સિંગલ મધર્સ જ જવાબદારી નિભાવે છે! 4.5% આંકડો આમ નાનો લાગે પણ જ્યારે તેને આપણા દેશની વસ્તીના અનુપાતમાં જોઈએ તો અંદાજે તે આંકડો એક કરોડ ત્રીસ લાખ ઘરોનો થાય છે. આ તમામ ઘરમાં મોભી તરીકે મહિલા છે. ભારતમાં સિંગલ મધર્સ કન્સેપ્ટ નવો છે અને હજુ પણ લોકો સમાજમાં રૂઠી પ્રમાણે જીવવા ટેવાયેલાં છે ત્યાં આટલો મોટો સિંગલ મધર્સનો આંકડો આવ્યો છે. આમ થવાનો કારણો શું છે તેને જરા તપાસી જોઈએ. …

સિંગલ મધર્સ એટલે કે બાળકને જ્યારે માતા જ પોષતી હોય તે સ્થિતિમાં મહિલાને ક્યારે આવવાનું બને છે? મહદંશે આ સ્થિતિમાં પતિના મૃત્યુ, સ્થળાંતર,છૂટાછેડા, સ્વતંત્રતાની ઝંખના અથવા તો પુનઃલગ્ન ન કરી શકવાની પરિસ્થિતિ જ્યારે ઉદભવે છે ત્યારે મહિલાને એકાંકી જીવન વિતાવવું પડે છે અને બાળક હોય તો તેની જવાબદારી લેવાની થાય છે. બાળકની સુરક્ષા માતા જ કરે તેવો ટ્રેન્ડ દુનિયાભરમાં જોવા મળે છે. પુરુષોને જ્યારે પત્નીથી અલગ થવાનું થાય તો તેની પાસે મહદંશે વિકલ્પ હોય છે; અને તેઓ બીજી વાર પરણીને પોતાનું નવું ઘર વસાવે છે.

સિંગલ મધર્સની જ્યારે વાત આવે છે ત્યારે 'યુનાઇટેડ નેશન્સ'ના અહેવાલ મુજબ આ પ્રકારનો ટ્રેન્ડ જે સૌથી વધુ જ્યાં જોવા મળે છે તે લેટિન અમેરિકા અને કેરિબિયન દેશો છે. અને ત્યાં આ ટ્રેન્ડ સતત વધી પણ રહ્યો છે. ત્યાર બાદ સબ-સહારિયન આફ્રિકા પ્રદેશમાં પણ નવ ટકા સુધી સિંગલ મધર્સ જોવા મળે છે. અહીંયાનું મુખ્ય કારણ પુરુષ મજૂરી અર્થે ગ્રામ્ય વિસ્તારમાંથી સ્થળાંતર કરીને બહાર જાય છે, તે છે. આ કિસ્સામાં બાળકોની બધી જ જવાબદારી મહિલાઓ પર આવી પડે છે. વિશ્વના તમામ ખંડોમાં સિંગલ મધર્સનો અનુપાત વધ્યો છે અને તેમાં સ્વાભાવિક છે કે વિકસિત દેશોનો ગ્રાફ ઉપર જ રહ્યો હોય! માત્ર વિકાસશીલ અને બહુધા એશિયન દેશોમાં સિંગલ મધર્સ તરીકે રહેવું મહિલા પસંદ કરતી નથી, અને એટલે જ અહીંયાનો સિંગલ મધર્સનો દર 4.5 ટકા છે.

સિંગલ મધર્સ તરીકે ભારતમાં રહેવું કપરું છે અને તે આપણી આસપાસ જોઈને જાતતપાસ કરી શકીએ. પતિના મૃત્યુ જેવું કારણ જ્યારે સામે હોય ત્યારે માતા તરીકે બાળકને સાચવવાની જવાબદારી સમાજમાં સ્વીકાર્ય છે. પણ જ્યારે અન્ય કોઈ પણ કારણ હોય ત્યારે સિંગલ મધર્સ તરીકે જીવવું આજે પણ દુષ્કર સાબિત થાય એમ છે. સિંગલ મધર્સ તરીકે સામાજિક પડકારો તો ઝિલવાના જ હોય છે, પણ સૌથી મુશ્કેલ આર્થિક રીતે ટકી રહેવાનું બને છે. મોટા ભાગની સિંગલ મધર્સ આ પ્રશ્નને લઈને જ ઝઝૂમે છે. અને એટલે જ જ્યારે સિંગલ મધર્સના ગરીબીનો દર જોઈએ તો તે સરેરાશ ગરીબી કરતાં વધુ છે. આ માટે સિંગલ મધર્સ પોતાના ઘરપરિવારની જવાબદારી પોતાના પિયરીના સંબંધીઓ સાથે નિભાવે છે. આ કિસ્સામાં સિંગલ મધર્સ હોય તેમની માતા અને તેમનાં ભાઈ-બહેનો સૌથી વધુ તેમનાં મદદે આવે છે.

સિંગલ મધર્સના જેમ સામાજિક-આર્થિક પડકાર છે, તેમ સૌથી વધુ મુશ્કેલી થાય છે તે બાળકોના ઉછેરની છે. બાળઉછેર અને સિંગલ મધર્સના અન્ય પ્રશ્નો વિશે 'ધ બેટર ઇન્ડિયા' વેબપોર્ટલ પર વિસ્તૃત અહેવાલ તૈયાર કર્યો છે. આ અહેવાલમાં જે સિંગલ મધર્સે બાળકોને ઉછેર્યા હોય તેમનાં અનુભવોને ટાંકવામાં આવ્યાં છે. ગુરુગ્રામમાં રહેતી અનુપ્રિયા કપૂરે પતિ વિદેશમાં જ રહેતાં હોવાથી છૂટાછેડા લેવાનું ઠરાવ્યું અને અગિયાર વર્ષના દિકરાને પોતાની સાથે જ રાખવાનું નક્કી કર્યુ. અનુપ્રિયા ગુરુગ્રામ જેવાં શહેરી વિસ્તારમાં રહે છે, એન્ટરપ્રિન્યોર છે અને સમાજમાં સારી શાખ પણ ઊભી કરી છે. તેમ છતાં જ્યારે સિંગલ મધર્સની વાત આવે છે ત્યારે આજે પણ તેનાં પર સવાલ ખડાં કરવાનું લોકો ચૂકતા નથી! આ સ્થિતિમાં હોવા છતાં અનુપ્રિયા ખુશ છે પણ તેની આસપાસના લોકો તેનાં આ ખુશીને ગુનો ગણે છે, તેવું અનુપ્રિયાનું માનવું છે. રાશિ શેઠ પણ આવું જ નામ છે, પણ અનુપ્રિયા કરતાં તેમનો અનુભવ વેગળો છે અને તેઓ લગ્ન સંબંધમાંથી ખસી જવાને તેમના જીવનનો શ્રેષ્ઠ નિર્ણય ગણાવે છે. તેમની દિકરી છ વર્ષની હતી ત્યારે જ તેમણે આ નિર્ણય લીધો હતો, પરંતુ તેઓને તેનો કોઈ અફસોસ નથી બલકે તેમને દિકરી તરફથી પણ કોઈ પ્રશ્ન થતો નથી. તેમના મતે જો આ નિર્ણય લઈને તમે જો બધું પારદર્શી રાખો અને ખુલ્લા મનથી વાત કરો તો બાળક બધું જ સમજે છે. આવા બીજા પણ દાખલા 'ધ બેટર ઇન્ડિયા'ના અહેવાલમાં છે, પણ આ તો સમાજનો એ વર્ગ છે આર્થિક રીતે પહોંચેલો છે અને પરંપરામાંથી થોડો બહાર પણ આવ્યો છે.

આ કિસ્સામાં કેટલીક વખત કેટલાંક એવા પ્રશ્નો પણ હોય છે જેનો ઉકેલ વ્યક્તિગત રીતે જ જોવાનો-લાવવાનો હોય છે. નાગપુરમાં હાલમાં જ મધર્સનો આવો જ કિસ્સો સારી પેઠે મીડિયામાં કવર થયો. સિંગલ મધરનો આ કેસ છેક નાગપુર બેંચના હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. આ સિંગલ મધર આદિવાસી સમાજમાંથી આવતાં હતાં, અને તેમને વીસ વર્ષની એક દિકરી હતી. હવે જ્યારે આ દિકરીને ઉચ્ચ શિક્ષણમાં જવાનું થયું તો તેને આદિવાસી તરીકે જે ફીમાં માફી મળવી જોઈએ તે ન મળી, કારણ કે તેનાં પિતા આદિવાસી નહોતા. આ કેસમાં ખાસ્સી દલીલ થઈ, જેમાં સૌથી અગત્યની વાત કોર્ટે નોંધી એ હતી કે આ મહિલા દિકરીના જન્મના બાદ એક વર્ષમાં જ પતિથી અલગ થઈને તેનાં માતા-પિતા સાથે રહેવાં લાગી હતી. તેની દિકરી આદિવાસી સમાજમાં જ ઉછરી અને તે જ સંસ્કૃતિની રીતભાતથી પરિચય કેળવ્યો. હવે તેના પિતા આદિવાસી ન હોય અને તે કારણે તેને ફીમાં માફી ન મળે તે કેમ ચાલે? આ કિસ્સામાં નાગપુર હાઈકોર્ટે માનવતાભર્યો ચૂકાદો આપ્યો દિકરીએ માતાના સમાજના આધારે ફીમાં રાહત મેળવી.

ભારતમાં તો સમાજ હજુ પણ પુરુષપ્રધાન છે અને એ જ રીતે મહિલા સાથે વર્તન થાય છે. આ રૂઠી શહેરોના શિક્ષત વર્ગમાં હવે ભાંગતી નજરે ચડે છે, પણ તેનું પ્રમાણ હજુય જૂજ છે. આ સ્થિતિ દેશેદેશે અને વિવિધ ક્ષેત્ર-સંસ્કૃતિમાં અલગ રીતે જોવાય છે. જેમ કે લેટિન અમેરિકાના દેશોમાં સિંગલ મધર્સ તરીકે રહેવું તો કોઈ મોટો પડકાર નથી, કારણ કે અહીંયા તે સમાજમાં સ્વીકાર્ય બની ચૂક્યું છે. સિંગલ મધર્સના અહીંયા ગ્રૂપ પણ છે અને તેઓ એકબીજાના અનુભવ નિયમિત રીતે શેર કરે છે, જ્યારે ભારતમાં આ દિવસો આવે તે દૂરની વાત લાગે છે. ચીનમાં આ મુદ્દાને જોઈએ તો ત્યાં સિંગલ મધર્સની સ્થિતિ ગંભીર છે. ચીનમાં કૌટુંબિક આયોજન નીતિ મુજબ આ સિંગલ મધર્સ થવું તો ગેરકાયદેસર છે. અને જે કોઈ મહિલા આ રીતે સિંગલ મધર્સ બને છે, તે પોતાની ઓળખ એ રીતે નથી આપતી.શક્ય બને તો લગ્ન કરીને તે પોતાની સિંગલ મધર્સ તરીકેની ઓળખ મિટાવીને ફરી સમાજમાં ભળે છે. જોકે ભારતમાં દૂરની વાત લાગતી હોવા છતાં નાના પાયે શહેરોમાં પરિવર્તન આવી રહ્યું છે અને તેનું માપ સિંગલ વુમનની વધતી સંખ્યા પરથી કાઢી શકાય. 2011માં થયેલી વસતી ગણતરી મુજબ લગ્ન ન કરનારી મહિલાઓની સંખ્યા સતત વધી રહી છે. આ ટ્રેન્ડ આગળ જતાં સિંગલ મધર્સ તરફ જવાનો છે.

[‘રવિવારીયપૂર્તિ, “ગુજરાતમિત્ર”, 28 જુલાઈ 2019માં પ્રકાશિત]