કિરણ કાપુરે.મેરાન્યૂઝ (ઇનસાઇડ આઉટસાઇડ): ટ્રાન્સપોર્ટેશન અને ટેક્નોલોજીથી ટુરીઝમની કાયાપલટ થઈ ચૂકી છે; અને નવા નવા સ્થળોને એક્સપ્લોર કરવા ટુરીસ્ટનો વર્ગ પણ વધ્યો છે. એક સમય હતો જ્યારે આંતરિયાળ અને દૂરસુદૂર જગ્યાએ પહોંચવા માટે પ્રવાસીઓની ધીરજ ખૂટી જતી હતી, પણ હવે ટ્રાન્સપોર્ટેશન, ટેક્નોલોજી અને સુધરી રહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી તેમાં થોડી રાહત મળી છે. સમય અને આર્થિક ક્ષમતા હોય તો અચ્છા પ્રવાસીઓ આજે એક અલગ જ દુનિયાનો નજારો જોઈ શકે છે અને તે પણ અગાઉ કરતાં ઓછા જોખમે! આનાથી બેશક અલગારી રખડપટ્ટી કરવાનો આનંદ પર કાપ મૂકાયો છે, પણ તેના અવેજમાં બિલકુલ નવી જગ્યા જોવા-માણવાની મઝામાં ઉમેરો થયો છે. આજકાલના ટુરિસ્ટ માત્ર નવી જગ્યા જોવાના અર્થે જ પ્રવાસ નથી કરતો, બલ્કે તે કશું નવું જાણ્યાનો-માણ્યાનો પણ આનંદ લે છે. નવી સંસ્કૃતિ, જીવનશૈલી અને આહારનો પ્રત્યક્ષ અનુભવ કરવા માંગે છે. ટુરિઝમમાં આવેલા ધરખમ ફેરફારનું કારણ સ્વાભાવિક છે કે જાણીતા પ્રવાસીય સ્થળો પર થતી અસાધારણ ભીડ છે અને સાથે સાથે જે જગ્યા વિશે કશું જ જાણતાં ન હોય તેવી જગ્યાએ ફરવા-રહેવાનો મોહ પણ છે.

ટુરીસ્ટ તરીકે એક્સ્પ્લોરેશન વ્યાપ બેતહાશા વધ્યો છે, તેનું એક કારણ અવનવી પ્રવાસની ચેનલ્સ પણ છે, જે ઘણી અદભુત કાર્યક્રમો પીરસીને તમને નવું જાણવાની જિજ્ઞાસા વધારે છે અને નવી જગ્યાઓ શોધવા માટે તમને તત્પર બનાવે છે. આના ભાગરૂપે જ ભારતમાં અનેક સ્થળો એવા વિકસી રહ્યાં છે, જ્યાં અગાઉ કોઈ પહોંચી શકતું નહોતું. જંગલ, પહાડીઓ, દરિયો અને રણના દૂરસુદૂર વિસ્તારમાં હવે ટુરિસ્ટ જઈને કશું નવું જોયાનો સંતોષ માને છે. પણ આ સિવાય ટ્રેડિશનલ ટુરિસ્ટ સ્પોટથી હટકે કહી શકાય તેવું ‘રૂરલ ટુરિઝમ’ પણ ઊભરી રહ્યું છે. 

પ્રવાસમાં જેમ એક તબકો નવું એક્સ્પ્લોરેશન માટે નવા સ્થળે જવાનું પસંદ કરે છે, તેમ એક એવો પણ વર્ગ છે જે પ્રવાસ નિરાંત માટે કરે છે, તેને બસ જે – તે જગ્યાએ જઈને નિરાંત રહેવું હોય છે. આસપાસ કોઈ જ કોલાહોલ જોઈતો નથી. બસ તે પોતાની જાત સાથે વાત કરી શકે તે અર્થે તે પ્રવાસ ખેડીને એવી જગ્યાએ પહોંચે છે, જ્યાં તે શહેરની પોતાની જીવનશૈલીને ભૂલીને બે-ચાર દિવસ આરામ કરીને અલગ જીવનનો લહાવો માણી શકે. આ માટે જ ‘રૂરલ ટુરિઝમ’નો કન્સેપ્ટ વિકસી રહ્યો છે. ભારતમાં આ કન્સેપ્ટ હજુ બાલ્યઅવસ્થામાં છે, કારણ બે દાયકા અગાઉ જ ભારતની મસમોટી વસતી ગામડાંઓમાં વસતી હતી, અથવા તો શહેરમાં આવીને પણ ગ્રામ્ય આધારીત જીવન જીવતી હતી. પરંતુ હવે શહેરી જીવનનું પૂર્ણપણે પશ્ચિમીકરણ થઈ ચૂક્યું છે અને આપણાં જીવનનો એક એક ક્ષણ બહુધા પશ્ચિમી રહેણીકરણીથી મેળ ખાઈ રહ્યો છે. મતલબ કે હવે એવી એક પેઢીનો ઉછેર શહેરમાં થઈ રહ્યો છે, જે ગ્રામ્ય જીવનથી અપરિચિત હોય, અજાણ હોય! 

‘રૂરલ ટુરિઝમ’નો સીધોસાધો અર્થ તો એટલો જ કે કોઈ એક ગામડામાં જઈને વસવું અને તેની આસપાસની કુદરતી સ્થળોની મોજ માણવી. ગ્રામ્યજીવનની વિશેષતા ખુલ્લામાં ખાટલામાં સૂવું, ચૂલા પરનો આહાર, આસપાસની જગ્યામાં ચાલતા વિહરવા સુધી જ સીમિત હોવા છતાં, તેમાં મળતો નિરાંતનો આનંદ સવિશેષ છે. શહેરના ઝડપી જીવનના મુકાબલે અહીંયા તમે વિતી રહેલાં સમયને અનુભવી શકો છો, ભોજનમાં એક-એક કોડિયાના સ્વાદને માણી શકો છો અને પોતાના પરિવાર સાથે પ્રદૂષણરહીત વાતાવરણમાં નિરાંતની પળો માણી શકો છો. રૂરલ ટુરિઝમ આવનારાં સમયમાં ઓર વધશે તે નિશ્ચિત છે અને તેને જ અનુસરીને કેન્દ્ર સરકારે પણ ‘રૂરલ ટુરિઝમ’ને પ્રોત્સાહન મળે તેવી યોજના અમલમાં મૂકી હતી. 2009ના વર્ષમાં તો ભારત સરકારે પંદર જેટલી રૂરલ સાઈટ્સ પણ નક્કી કરી હતી, જેને વિશ્વભરમાં પ્રોજેક્ટ કરવામાં આવી હતી. ગ્રામ્ય પ્રવાસના યોજના અંતર્ગત સરકાર દ્વારા ‘એક્સ્પ્લોર રૂરલ ઇન્ડિયા’ના નામે એક વેબસાઈટ પણ શરૂ કરી હતી. જોકે આજે ગ્રામ્ય પ્રવાસની આ તમામ વાતો અધ્ધરતાલ થઈ ચૂકી છે અને સરકારની વેબસાઈટ ઠપ્પ થઈ ચૂકી છે અને ગ્રામ્ય પ્રવાસનો વિચાર પણ સરકારની સાઈટ પર મરતો દેખાઈ રહ્યો છે. 

જોકે સરકારના પ્રયાસોથી આ પૂરો વિચાર એમ જ ખતમ થઈ જાય તેવું નથી. ઘણાં કિસ્સામાં અનેક વિચારોને બજાર જીવંત રાખે છે. ‘રૂરલ ટુરિઝમ’ના બાબતે પણ એવું જ છે. સરકારના વિશેષ પ્રયાસ ન હોવા છતાં આજે પ્રવાસીઓ મોટા પ્રમાણમાં ગ્રામ્ય જીવનના પરિચય અર્થે ગામડાંમાં જાય છે અને દિવસો વિતાવે છે. અને માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં પણ આ ટુરિઝમ વિકસી રહ્યું છે, તેની સાબિતી એ રીતે પણ આપી શકાય કે થોડા વખત અગાઉ જ ચીનમાં ત્રીજી ઇન્ટરનેશનલ રૂરલ ટુરિઝમ યોજાઈ ગઈ. આ કોન્ફરન્સ ભારતની ભાગીદારી જોવા મળી નહોતી, પણ વિશ્વ સ્તરે આ કન્સેપ્ટ જોરો પર છે. આપણાં દેશમાં છૂટીછવાઈ રીતે ‘રૂરલ ટુરિઝમ’નો કન્સેપ્ટ કેવી રીતે વિકસી રહ્યો છે. ગત્ વર્ષે જ આંધ્ર પ્રદેશ સરકારે પોતાના રાજ્યમાં ગ્રામ્ય પ્રવાસને મહત્ત્વ આપવા અર્થે ‘સંસ્કૃતિ’ નામનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. આ અંતર્ગત આંધ્રના 13 જિલ્લામાંથી 37 ગામોને પસંદ કરવામાં આવ્યાં છે, જ્યાં પ્રવાસીઓ આવીને આંધ્રની જીવનશૈલી અને તેની સંસ્કૃતિને માણી-જાણી શકે. ભારત સરકારે પણ 2011માં દેશના 29 રાજ્યોના 172 ગામોને પસંદ કરીને તેની એક યાદી બનાવી હતી. આ તમામ ગામોની શું-શું વિશેષતા છે તે પણ આ યાદીમાં દર્શાવવામાં આવ્યું હતું. 

સરકારની નબળા પ્રયાસ છતાંય ‘રૂરલ ટુરિઝમ’નો કન્સેપ્ટ કેવી રીતે આગળ વધી રહ્યો છે, તેના સંદર્ભે દેશના ચુંનિંદા એવા દસ ગામડાંઓ મળે છે, જે માત્ર દેશમાં જ નહીં, વિશ્વસ્તરે વિશેષ છે. ‘ઇન્ડિયન હોલીડે’ સાઈટે પૂરી પાડેલી આ વિગતમાં સૌથી પ્રથમ ગામ મેઘાલયનું મોવલીનોન્ગ છે. આ ગામ એશિયાનું સૌથી સ્વચ્છ ગામ હોવાનું દાવો કરે છે અને પર્વતીય વિસ્તારમાં આવેલું આ ગામ તેના કુદરતી સૌંદર્ય અને સ્વચ્છતાના કારણે ખ્યાતનામ બન્યું છે. આ ગામ સાથે તમે મેઘાલયમાં આવેલાં ચેરાપુંજી વિસ્તારની પણ મઝા માણી શકો છો. ઉપરાંત, અહીંના હિલી વિસ્તારમાં પેનારોમિક વ્યૂહ પણ નિહાળી શકો છો. ખાસી જાતિના લોકો આ ગામમાં વસે છે અને પાંચસોની વસતીનું આ ગામ નેવું ટકા સાક્ષરતા દર ધરાવે છે. ટ્રાવેલ મેગેઝિન ‘ડિસ્કવરી ઇન્ડિયા’ દ્વારા 2003માં આ ગામને એશિયાના સૌથી સ્વચ્છ ગામ તરીકે બિરદાવવામાં આવ્યું હતું! અને અભ્યાસ દ્વારા એ પણ સાબિત થયું છે કે પ્રવાસીય સ્થળમાં આ ગામ આવવાથી અહીંના લોકોનું જીવનધોરણ સુધર્યું છે. આ યાદીમાં બીજું ગામ ઓરિસ્સાનું પીપીલી આવે છે. 

આમ તો હવે પીપીલી ગામ નથી રહ્યું બલ્કે એક નગર તરીકે વિકસી રહ્યું છે, પણ આ વિસ્તાર તેના આર્ટ-ક્રાફ્ટ માટે વિશ્વભરમાં જાણીતું બન્યું છે. દસમી સદીથી આ ગામ આર્ટ-ક્રાફ્ટનું ઘર રહ્યું છે. આ આર્ટ સિવાય અહીંયા અન્ય આકર્ષણો ઓછા છે, જેથી આર્ટ-ક્રાફ્ટ વિશે અનહદ આકર્ષણ હોય તેઓના માટે જ આ નગર પ્રવાસીય સ્થળ બની શકે. ત્રીજુ નામ આ યાદીમાં કચ્છના હોડકા ગામનું આવે છે. ભુજથી 65 કિલોમીટરના અંતરે આવેલું હોડકા ગામ પ્રવાસી સ્થળ તરીકે એક પરફેક્ટ ડેસ્ટિનેશન છે, જ્યાં તમે પરંપરાગત કચ્છી નિવાસ ભુંગામાં પણ રહીં શકો છો અને સાથે સાથે ફેમિલિ કોટેજ અને ઇકોફ્રેન્ડલી ટેન્ટની પણ અહીં વ્યવસ્થા છે. આ જ રીતે સિક્કિમનું લાચુંગ અને લાચેન ગામ પણ આ યાદીમાં સમાવિષ્ટ થાય છે. નદીના ખળખળ વહેતા પાણી, વોટરફોલ્સ અને ભારતના ફોટોજેનિક ગામોમાં આ સૌથી ઉપર આવી શકે તેવા ગામો છે. ઉપરાંત આ ગામો સાથે સિક્કિમના અન્ય પેકેજ પણ તમને મળી શકે. જેમ ભીમનાળા વોટરફોલ, અર્થ એટ ઝીરો પોઈન્ટ, બૌદ્ધ સ્થાનકો અને નાટ્યોઉત્સવ પણ. 

આ રીતે દેશના બેસ્ટ જોવાલાયક ગામોની યાદીમાં રાજસ્થાનનું બિશ્નોઈ, જમ્મુ કાશ્મીરનું ધા અને હનુ, ઉત્તરાખંડનું મુન્સીયારી, પંજાબનું કિલા રાઈપુર, આસામનું મજુલી, તમિલનાડુનું કરાઈકુડી પણ આવે છે. જોકે આ યાદી એક પ્રવાસની એક વેબસાઈટ દ્વારા બનાવવામાં આવી છે. જો આપણે આપણી જાતે જ આપણને ગમતું ગામ જોવા માંગીએ તો અલગારી રખડપટ્ટી કરીને શોધવું રહ્યું. નિઃશંકપણે તે પડકારભર્યું છે, પણ દેશના ગ્રામ્ય નકશા પર આપણને ગમતાં એવાં એક નહીં અનેક ગામડાંઓ મળી આવે એવી શક્યતા છે. આખરે ખરું ભારત તો ગામડાંમાં જ વસે છે ને, તેનો કોણ ઇન્કાર કરી શકે?