કિરણ કાપુરે.મેરાન્યૂઝ (ઇનસાઇડ આઉટસાઇડ): સ્ટેચ્યૂ ઑફ યુનિટિએ લોકોમાં ખાસ્સું આકર્ષણ જમાવ્યું છે. નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે સાધુ બેટ પર ઉભી કરવામાં આવેલી સરદાર પટેલની 182 મીટરની આ પ્રતિમા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે. 2010માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યૂ ઑફ યુનિટિના નિર્માણની જાહેરાત કરી અને ઑક્ટોબર 2013માં લાર્સન એન્ડ ટુબ્રોને પ્રતિમાના નિર્માણ અને સ્થળના બાંધકામનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. પૂરા 2,989 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સ્ટેચ્યૂ ઑફ યુનિટિ તેના નિર્માણના જાહેરાતકાળથી જ સતત વિવાદ અને ચર્ચાનું કેન્દ્ર બનતી રહી છે. નર્મદા નદીના અપ્રતિમ સૌંદર્યનો ભોગ લેવાથી માંડીને આદિવાસીઓના વિસ્થાપન, અધધ બજેટ જેવા અનેક મુદ્દાઓને લઈને સરદાર પટેલની આ પ્રતિમા સામે સવાલ ઉઠ્યા છે. ખેર, ઉંચી પ્રતિમાઓને જોરે પોતાના શાસનની સમર્થતા, શક્તિ અને ભવ્યતા બતાવવાના મોદી સરકારના આ પ્રયાસ અત્યારે તો દેશ-વિદેશના પ્રવાસીઓને ખૂબ આકર્ષી રહ્યો છે અને દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઑફ યુનિટિ જોવા ઉમટે છે.

આવા જ આકર્ષણથી વશ થઈને મધ્યપ્રદેશમાં વસતાં અમારાં સંબંધી બળેવ-રક્ષા બંધનની રજાઓમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટિ જોવા અમદાવાદ પધાર્યા હતાં. તહેવાર અને વરસાદનો માહોલ હોવાથી અગાઉ જઈ આવેલાં પ્રવાસીઓ પાસેથી હવામાન અને પ્રવાસીઓનો ધસારો જેવી વિગત મેળવી પ્રવાસનું આયોજન કર્યું. મોટાભાગનાએ માહિતી આપી હતી કે પ્રવાસીઓ સારી સંખ્યામાં આવે છે, પણ વાંધો નહીં આવે. કલાકેક જેવું કતારમાં ઉભુ રહેવું પડશે! આમ, જેટલું થઈ શકે તેટલું આયોજન કરી અમે ત્રણ દંપતી અને ત્રણેયના અઢી, ચાર અને આઠ વર્ષના સંતાનો સાથે સ્ટેચ્યૂ ઑફ યુનિટિ તરફ એક ખાનગી ગાડીમાં ઉપડ્યા.

પ્રથમ સ્ટોપ બરોડા આવ્યું ત્યાર બાદ બીજુ સ્ટોપ એટલે પોઇચા ખાતેનું સ્વામિનારાયણ મંદીર. આ મંદીર નર્મદા કિનારે નિર્માણ કરવામાં આવ્યું છે. મસમોટા કેમ્પસમાં આહાર સહિતની બધી જ વ્યવસ્થા છે, જ્યાંનો લાભ લઈને અમે સાડા બાર વાગે ત્યાંથી ઉપડી ફાઇનલી અમારા મુખ્ય પ્રવાસસ્થળ સ્ટેચ્યૂ ઑફ યુનિટિ અમારી ગાડી હંકારી. દોઢ વાગ્યાના આસપાસ અમારી ખાનગી ગાડી એક પ્રવેશદ્વારમાં પ્રવેશી, જ્યાં એક ભારત શ્રેષ્ઠ ભારતનું સૂત્ર મસમોટા અક્ષરે લખ્યું હતું. અહીંયા પહોંચતા સુધીમાં બધાનો જુસ્સો બરકરાર હતો. જ્યાં અમારી ખાનગી ગાડીએ ઉતાર્યાં ત્યાંથી વાદળછાયા માહોલમાં દૂર એક મોટી પ્રતિમાનો આકાર દેખાઈ રહ્યો હતો. આ આકારના અંતરથી પ્રતિમા કેટલી દૂર છે તેનો ખ્યાલ આવી શકતો હતો.

અહીં બધા જ પ્રવાસીઓને પોતાનું ખાનગી વાહન છોડી દેવાનું હતું, અને ત્યાંથી સ્ટેચ્યૂ ઑફ યુનિટિની બસ ઉપડે તેમાં જ પ્રવાસ કરીને સ્ટેચ્યૂ સુધી પહોંચવાનું હતું. સ્ટેચ્યૂ ઑફ યુનિટિની છ પુખ્ત સહિત બે બાળકોની ટિકિટ આગલા દિવસે જ બુક કરાવી દીધી હતી. આ ટિકિટની કિંમત 380 હતી, જેમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટિ, નર્મદા ડેમ અને ફ્લાવર ઑફ વેલીની ટિકિટ સામેલ છે. ટિકિટ કઢાવવાની લાઈનમાં ઉભુ રહેવાનું નહોતું એટલો હાશકારો ત્યાં ટિકિટવાંચ્છુકની ભીડ જોઈને થયો. જોકે આ હાશકારો થોડે આગળ જતાં જ ઓગળી ગયો, કારણ કે અમે ટિકિટની લાઈનથી બચી ગયા હતા, પણ બસની લાઈનથી બચવું નામુનકીન હતું. અહીંયા જ એક બસ સ્ટેન્ડ બનાવ્યું છે જ્યાંથી સ્ટેચ્યૂ ઑફ યુનિટિની વિશેષ બસો પ્રવાસીઓને લઈ જાય અને પ્રવાસ પૂરો થતાં મૂકી જાય. અહીંયા બે બસની લાઈન સમાંતર થતી, તેમાંથી અમે એકમાં ઉભા રહ્યાં. બસ એક પછી એક આવતી હતી એટલે અમને એવું કે અહીંયા અમારો નંબર આવે એટલે શાંતિ. અડધા એક કલાકમાં બસમાં અમારો નંબર આવ્યો. બસ નવી હતી, વ્યવસ્થા સારી લાગતી હતી. પણ અહીંયા બસમાંથી એક રાડ સંભળાઈ, જે ડ્રાઈવરને સંબોધીને હતી : “એય, એસી ચાલુ કર.” બહાર વરસાદથી ભીંજાયેલું વાતાવરણ હતું અને માંડ પંદર મિનિટનો રસ્તો કાપવાનો હતો. આ રાડમાં વધુ નાણાં ચૂકવ્યાનો રોફ દેખાતો હતો. ડ્રાઇવરના કાને અવાજ પડતા જ તેણે એસીની ચાંપ દાબી.

માર્ગ સરસ બનાવ્યો હતો અને અમે બેઠા હતા. તે સ્ટેચ્યૂ ઑફ યુનિટિ સુધી લઈ જતી બસ તેના પર સડસડાટ દોડી રહી હતી. બાળકો પણ મોજમાં હતા, કારણ કે કુદરતી સૌદર્ય છલકાવતું આસપાસનું વાતાવરણ ખૂબ આકર્ષક લાગી રહ્યું હતું. માર્ગમાં એક બાજુથી નર્મદાના દર્શન થતાં હતા તો તેની પેલે પાર ઉંચા પહાડો દેખાઈ રહ્યા હતા. વરસાદના કારણે પહાડો લીલાછમ્મ હતા. વરસાદ ઝરમર વરસી રહ્યો હતો. બસ જેમ જેમ સ્ટેચ્યૂની નજીક પહોંચતી ગઈ તેમ સ્ટેચ્યૂનું કદ વધતું ગયું, અને છેવટે ઉતરવાનો પોઇન્ટ આવ્યો ત્યારે સ્ટેચ્યૂની વાસ્તવિક ઉંચાઈ આંખમાં સમાઈ. ક્યાંક વાંચ્યુ કે જોયું હતું કે 61 માળની બહુમંજીલી ઇમારત જેટલી તેની ઉંચાઈ છે!

સ્ટેચ્યૂના મુખ્ય પ્રવેશ દ્વારે બસ અમને ઉતાર્યા ત્યારે સ્ટેચ્યૂથી થયેલું નર્મદા નદીને થયેલું કાયમી નુકસાન આંખે ખૂંચતું હતું. ઉપરાંત જે સરદાર પટેલના નામે ત્રણ હાજર કરોડના ખર્ચે પ્રતિમા નિર્માણ કરવામાં આવી છે, તેમના વિશે વાંચીને જેટલો પરિચય કેળવાયો છે તે મુજબ તો તેઓ આને માત્ર ને માત્ર લોકોના નાણાંનો વેડફાટ કહીને તુરંત તોડી પાડવાનો હૂકમ જ છોડે, તેવીય કલ્પના થતી! જોકે સમયાંતરે દરેક મહાનુભાવોના વિચારોના શિર્ષાસન શાસકો કરતા રહ્યા છે, અને તેના મોડલ હવે ઠેરઠેર ખડા છે; તેમાંના એક તરફ હવે આગળ વધીએ.

સ્ટેચ્યૂના પ્રવેશદ્વાર પર સામાન્ય રીતે જાણીતાં ટુરિસ્ટ સ્પોટ પર જોવા મળે તેમ સિક્યુરીટી ગાર્ડ ઉભા હતા અને તે દરેક પ્રવાસીઓને ચેક કરી રહ્યા હતા. અહીંયા ખૂબ સમય ન ગયો, તેમ છતાં બાળકો સાથે વીસ-પચ્ચીસ મિનિટ કતારમાં ઉભા રહેવાનું થયું. ફાઇનલી સ્ટેચ્યૂનું પરિસર કહેવાય તેમાં એન્ટ્રી મારી અને સીધા જ સામે બાજુએ જ્યાં નર્મદા વહે છે તે બાજુએ ગયા. આ નજારો ભયાવહ હતો, કારણ કે ત્યાંથી રીતસર એવું લાગે કે સ્ટેચ્યૂની ખૂબ મોટી જગ્યા નર્મદા નદીની જગ્યામાંથી ફળવાઈ છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા નિર્માણ કરવાની લ્હાયમાં આપણી સૌથી મોટી નદીની કેવી બદહાલી કરી છે તે માટે પણ આ જગ્યા રૂબરૂ જોવી રહી. આ બધું જોયા પછી પણ બાળકો સાથે આનંદ તો માણવાનો જ હતો, તેથી આ માનવસર્જિત ક્રૂરતા જોઈને હસતું મોઢું રાખીને સ્ટેચ્યૂ તરફ આગળ વધ્યા.

બીજા સ્ટેજ પર આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે રજાનો દિવસ ન હોવા છતાં લોકો સારી સંખ્યામાં આવ્યા છે. અહીંયાથી સ્ટેચ્યૂના ગોલાર્ધમાં આવેલાં કેમ્પેસમાં પ્રવેશવાનું હતું. આ કતાર લાંબી હતી, પણ ટિકિટ કઢાવી હતી એટલે સ્ટેચ્યૂ જોયે જ છૂટકો તેવું અમે માની રહ્યા હતા. અહીંયા પહોંચ્યા ત્યાં સુધીમાં અઢી વાગી ચૂક્યા હતા. બીજા સ્ટેજની લાઈનમાં અમારી ખરી પરીક્ષા થઈ. એકની જગ્યાએ બે લાઈન થઈ. મૂળ જે લાઈન હતી, તે લોકોએ બૂમો પાડી અને બીજી લાઈનવાળાઓને પાછળ ધકેલ્યા. બૂમાબૂમ થઈ, પોલીસ આવી. મુખ્ય અધિકારી આવ્યા અને તેમણે બે કોન્સ્ટેબલને મૂક્યા અને હવે બીજી લાઈન ન બને તેની તકેદારી લેવા જણાવ્યું. અહીંયા લાઈનમાં ઉભા રહેવાં પૂરતો રાષ્ટ્રપ્રેમ કોઈને જાગતો નહોતો. આટલે સુધી આવ્યાં ત્યાં તો અમારા પર થાક સવાર થવા લાગ્યો હતો અને બાળકોનું વર્તન અમને પરેશાન કરી મૂકે તેવું થવા માંડ્યું હતું.

જોકે, અમે ધૈર્ય જાળવ્યું અને લાઈનમાં આગળ વધતા રહ્યા. જાતનું ચેકિંગ થયું, સામાન ચેક કરાવ્યો અને ગમે તેમ કરીને પૂરા પોણા કલાકે અમે આ બીજો કોઠો પણ પાર પાડી સ્ટેચ્યૂ ઑફ યુનિટિના મસમોટા કેમ્પસમાં પ્રવેશ્યા. આ કેમ્પસમાં પ્રવેશતાં જ થોડો હાશકારો થયો અને વચ્ચે મસમોટી જગ્યામાંથી ચાલીને સ્ટેચ્યૂના નીચેના ભાગમાં પહોંચવાનું હતું. આ અંતર ખાસ્સું છે. આ મસમોટી જગ્યાની બાજુમાં બંને બાજુ જવા-આવવાની એસ્કેલેટર મૂકવામાં આવી હતી, જેથી જેમનાથી ન ચાલી શકાય તેઓ આની મદદથી માત્ર ઉભા રહીને સ્ટેચ્યૂ સુધી પહોંચી શકે. આ બધી જ વ્યવસ્થા એટલી ઉંચી કક્ષાની હતી કે તેમાં ઘણી વખત નજર મારીએ તો આપણો અદનો પ્રવાસી એસ્કેલેટરમાં ગોથાં ખાતો નજરે ચડે.

અમે સ્ટેચ્યૂની નીચે આવી ગયા ત્યાં બાજુમાંથી એક એસ્કેલેટર સીધી પહેલા માળેથી બીજા માળે અને પછી ત્રીજા-ચોથા માળે લઈ જાય છે, જે સરદાર પટેલના પગના નીચેનો ભાગ છે. યોગાનુયોગ અમે જ્યારે છેક નીચે ઉભા હતા ત્યારે જ અચાનક વરસાદ વરસ્યો. એટલે પરિસરમાં ઉભેલા લોકો દોડીને એસ્કેલેટરથી પહેલા માળે ચઢવા માંડ્યા, તેની પાછળ અમારો પૂરો સંઘ પણ ચઢ્યો. બાળકોને વરસાદથી બચાવવા હતા એટલે કશું વિચાર્યા વિના અમે પણ ચઢી ગયા. આમ પણ પૂછપરછ કરી શકાય કે માર્ગદર્શન આપી શકે તેવી કોઈ વ્યક્તિ ત્યાં હાજર નહોતી. અમે એક પછી બીજો-ત્રીજો અને ચોથો માળ ઉપર આવી ગયા. આ જગ્યા ખૂબ મોટી છે, જ્યાં પણ બહુ લાંબી કતારમાં લોકો ઉભા હતા. તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે અહીંયાથી લિફ્ટમાં ઉપર વ્યૂઇંગ ગેલેરી સુધી પહોંચાય છે. અમે પણ લાઈનમાં ગોઠવાઈ ગયા. આ બધું કરતા સુધીમાં તો ચાર વાગી ચૂક્યાં હતા. કતાર આગળ વધી રહી હતી અમે મંઝીલ નજીક હોવાનો અહેસાસ પણ અમને થઈ રહ્યો હતો. ત્યાં જ અચાનક સ્ટાફ-સિક્યુરિટીના માણસો આવ્યા કહે કે અહીંથી એન્ટ્રી ચાર વાગ્યા સુધી જ છે. ચારથી છ વાગ્યા સુધીના સ્લોટની ટિકિટ હોય એ પ્રવાસીઓએ નીચે ગ્રાઉન્ડ ફ્લોરથી એન્ટ્રી લેવાની રહે છે! આવું સાંભળતા જ અમને તો ફાળ પડી. માંડ માંડ બાળકો સાથે પલળતાં ઉપર આવ્યા અને હવે પાછા છેક નીચે જવાનું. અમે રજૂઆત કરી બાળકો છે,

અહીંયાથી જ જવાતું હોય તો વ્યવસ્થા કરી આપો. તેઓએ કહ્યું કે ચાર વાગ્યાના સ્લોટની ટિકિટ અહીંયા સ્કેન જ નહીં થાય, અમે કશું ન કરી શકીએ. મશીની વ્યવસ્થાનું આ વરવું ઉદાહરણ છે! જ્યાં-ત્યાં બધું ઓટોમોટિક ગોઠવી દેવાથી લોકોના શા વેલ થાય છે તેનો ભોગ આ વખતે અમે બન્યા. અમે દલીલ પણ કરી કે છેક ચાર માળ સુધી આવ્યા, ત્યારે જ વચ્ચે કેમ અટકાવવામાં ન આવ્યા કે ચાર વાગ્યા પછીથી ઉપરની એન્ટ્રી બંધ છે. છેવટે જીભાજોડી છોડી બાળકો સાથે નીચે મ્યુઝિયમમાં પહોંચ્યા! અહીં વૈશ્વિક સ્તરની ભાસે તેવી જગ્યા બનાવવામાં આવી છે. આ જગ્યા ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી છે. જ્યાં સરદારની જીવની છે. નર્મદાની જીવસૃષ્ટિની તસવીરો છે અને સરદારની ડોક્યુમેન્ટરી દર્શાવે તેવું એક નાનકડું થિયેટર પણ છે. આ ઉપરાંત પણ ઘણું છે પણ બધા પર સ્વાભાવિક છે કે નજર ન ગઈ. સૌથી આશ્ચર્યકિત કરનારી વ્યવસ્થા ટોઇલેટની હતી, જે અત્યાધુનિક છે. આ પ્રકારના ટોઇલેટ પૂરા ગુજરાતભરમાં સંભવત્ ફાઇવસ્ટાર હોટલમાં જોવા મળતા હશે. અહીંયા ખાલી એ નોંધવું રહ્યું કે આ બધા જ નાણાં પ્રજાના છે અને તે ઉપરાંત પણ સરકાર આવનારાં પ્રવાસીઓ પાસેથી ટિકિટના નામે સારાં એવાં પૈસા ઉઘરાવે છે. અહીં લગાવવામાં આવેલી તસવીરોમાં આ ક્ષેત્રના આદિવાસીઓની તસવીરો ખૂબ મોટી કરીને લગાવવામાં આવેલી છે. અલગ-અલગ આદિવાસી સમાજના લોકોનો તેમાં પરિચય કરાવવામાં આવ્યો છે. આ બધા જ એવાં છે, જેમનાં બંધુઓને આ જ સ્ટેચ્યૂ ઑફ યુનિટિ અને નર્મદા ડેમની ઉંચાઈ વધારવા ખૂબ મોટી સંખ્યામાં વિસ્થાપિત કરવામાં આવ્યા હતા. પહેલાં વિસ્થાપન અને પછી સંસ્કૃતિની ઝલકના નામે મ્યુઝિયમમાં સ્થાન!

નીચે મ્યુઝિયમમાં આવ્યા ત્યાં સુધી તો સ્ટેચ્યૂ ઑફ યુનિટિ જોવાનો અમારા બધાનો રસ ઓસરી ચૂક્યો હતો. અહીં આવ્યા બાદનો અમારો મહદંશે બધો જ સમય લાઈનમાં અથવા તો ચાલવામાં પસાર થયો. બાળકો તો એવાં કંટાળી ચૂક્યા હતા કે હવે તેઓ ભાતભાતની જીદે ચડવા લાગ્યા અને જીદ પૂરી કરાવવા અથવા કંટાળો દર્શવવા તેમણે રૂદન નામના અમોઘ શસ્ત્રો અમારી સામે છોડ્યા. વચ્ચે વચ્ચે વરસાદ પણ આકસ્મિક જ વરસીને અડધો એક કલાકે અમારી ખબર લઈ રહ્યો હતો.

આ બધા વચ્ચે વહેતી નર્મદા અને નર્મદાની એક કોરે લાઇનબદ્ધ ખડા પર્વતો અમને હૈયાધારણા આપી રહ્યાં હતા. અમૃતલાલ વેગડે નર્મદાની પરિકમ્મા કરતી વેળા કેવો લુફ્ત ઉઠાવ્યો હશે એની વાતો પણ વચ્ચે-વચ્ચે કરી લીધી. નીચે મ્યૂઝિયમમાંથી ઉપર વ્યૂઇંગ ગેલેરી સુધી જવા માટે લિફ્ટની વ્યવસ્થા છે. લિફ્ટ સુધી પહોંચવા અમે રીતસરના દોડ્યા. પણ અહીં પહોંચતા જ ચક્કર આવી ગયા. અહીંયા સ્થિતિ ચોથે માળ કરતાં વધુ ગંભીર હતી. લાઈનમાં અંદાજે પાંચસો-સાતસો લોકો હતા. વ્યવસ્થા સંભળાતા ભાઈએ તરત જ પરખાવી દીધુ : દોઢ કલાક તો થશે જ. છેવટે સ્ટેચ્યૂમાં ઉપર સુધી નહીં જવાનો સામૂહિક નિર્ણય લેવાયો.

અહીં મ્યૂઝિમની જગ્યામાં બાળકોને રમવાની મજા પડી અને આસપાસ મોટેરાંઓ સેલ્ફી-ફોટાની તક ઝડપી. સાડાત્રણસો ચૂકવીને અમે માત્ર જે મજા દોઢસો રૂપિયમાં મજા લઈ શકાય તે મજા લઈ રહ્યા હતા. આનંદ એ વાતનો હતો કે સૌ સાથે હતા અને બાળકો ફરી મૂડમાં આવવા માંડ્યા હતા. પણ અડધો કલાક વિત્યો હશે ત્યાં થયું કે અહીંયા વધુ રોકાઈશું તો ડેમ અને ફ્લાવર ઓફ વેલી જોવાનું રહી જશે, એટલે માંડ બાળકો રમતમાં ગૂંથાયા હતા ત્યાં તો તેમના રંગમાં ભંગ પાડવાનું કામ અમે કર્યું અને ફરી પાછા ડેમ અને ફ્લાવર ઓફ વેલી જોવાની કસરત આરંભી. બાળકોને ઉચક્યા-ચલાવ્યા-ઘસડ્યા અને ડેમ-ફ્લાવર ઓફ વેલી જોવા માટે જ્યાંથી બસ પકડવાની હોય ત્યાં પહોંચ્યા.           

સ્ટેચ્યૂ ઑફ યુનિટિના પરિસરના ગેટ ઉપરથી જ પ્રવાસીઓને ફ્લાવર ઑફ વેલી અને ડેમ સુધી લઈ જતી બસો ભરાય છે. આ બસો પણ ટિકિટના પેકેજનો ભાગ છે. પણ અહીંયાય છસ્સો-સાતસો લોકો પગ જમાવીને ઉભા હતા. સાંજનો સમય નજીક હતો ત્યારે તો આ લાઈન વધુ ભયાનક લાગી રહી હતી. અહીંયા પણ પૂછપરછ કરી તો ખ્યાલ આવ્યો કે લાઈનને ભેદતા એકાદ કલાક લાગશે. સાડા પાંચ થઈ ચૂક્યા હતા. છ – સાડા છ સુધીમાં તો ડેમ પણ બંધ થાય તેવું સાંભળ્યું અને ફ્લાવર ઑફ વેલીમાં બાળકોને પણ મજા ન આવે. ફાઈનલી અહીંયા પણ ડેમ કે ફ્લાવર ઑફ વેલી ન જોવાનો નિર્ણય લીધો. અમને છતે ટિકિટે કશું જ જોયા વિના પરત ફર્યા. અલબત્ત, અમારી આ ટિકીટના પૈસા પડી ગયા એનું એક કારણે એ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ત્યાં હાજરી પણ હતી. જાણવા મળ્યું હતું કે ઉપરવાસમાં થઈ રહેલાં સતત વરસાદને પગલે ડેમના ગેટ ખોલવા પડે તેમ હતા. આ પ્રસંગે તેઓએ પણ અહીંની મૂલાકાત લીધી હતી. તેમની મુલાકાત લેતા જે અવ્યવસ્થા સર્જાઈ તેમાં અમારા જેવા હજારો પ્રવાસીઓ પણ પીસાયા.

પરત લઈ જતી બસોની જગ્યાએ અમે ઝૂકાવ્યું. સવારે સ્ટેચ્યૂ ઑફ યુનિટિ સુધી લઈ જતી બસો માટેની લાઈનમાં જે વ્યવસ્થા હતી, તે અત્યારે અદૃશ્ય હતી. લોકો જેમ કોઈ નિયત બસ સ્ટેન્ડ પર ઉભા હોય અને બસ આવે ત્યારે જે ધક્કામૂક્કી થાય તેવી જ ધક્કામૂક્કી અહીં હતી. સ્ટેચ્યૂ ઑફ યુનિટિથી પાછા પાર્કિંગ તરફ જવા માટે પણ અમારે રીતસર જાણે પરીક્ષા આપવાની હોય તેમ લાગ્યું. બસ માટે ઉભા ન રહેવું પડ્યું, પણ બસ આવી ત્યારે ધક્કામુક્કી થઈ અને બસમાં ગોઠવાયા. અમે ક્ષણમાં જ કશું જ ન જોયાનો અફસોસ ભૂલી ચૂક્યા હતા અને બસમાં બેઠક મેળવી તેનો આનંદ માણ્યો. જતી વખતે બસમાં જેટલી બેઠક હોય તેટલાને જ બેસાડવામાં આવ્યા હતા, પણ આવતી વખતે ચિત્ર તદ્દન અલગ હતું, અનેક લોકો ગીચોગીચ ઉભા હતા. અંધારુ ઘેરાઈ રહ્યું હતું અને વરસાદ પણ ગોરંભાયો હતો. બસમાં સૌ એકી સૂરે અહીંની અવ્યવસ્થા સામે બળાપો કાઢી રહ્યાં હતા. કેટલાંક પ્રવાસીઓ તો બીજા રાજ્યમાંથી આવ્યા હતા, ચાર સભ્યોનો એક પરિવાર તો અમેરિકાથી આવ્યા હતા. તેઓ સવારના દસ વાગ્યાથી પરિસરમાં આવ્યા હોવા છતાં જ્યાં-ત્યાં લાઈનોના કારણે અનેક લોકોએ ભારતની ગૌરવ સમી કહેવાતી સરદારની પ્રતિમાના સંપૂર્ણ દર્શન કરવામાંથી વંચિત રહ્યા હતા.

આમ લાઈન, અવ્યવસ્થા અને વરસાદે અમારો પ્રવાસ આનંદદાયી ન રહે તે માટે પૂરતો ભાગ ભજવ્યો, તેમ છતાં અમે રાજપીપળા-નર્મદાનો નજારો જોયો તે ભૂલાય એમ નથી. ખાસ કરીને તો નર્મદા નદી પરનો ગોરો પૂલ પાર કર્યો તેનો અનુભવ. આ પુલ પરથી થોડા દિવસ અગાઉ નર્મદાનું પાણી પસાર થયું હતું અને આખો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તેના નિશાનરૂપે પૂલની અનેક પાળીઓ તૂટેલી દેખાતી હતી અને જે પાળીઓ હતી ત્યાં ભરાયેલો કચરો નજરે ચઢતો હતો. આ પુલ પર અમે જ્યારે પસાર થયા ત્યારે પણ નર્મદાના નીર પુલને લગોલગ નીચેથી વહી રહ્યા હતા. આ દૃશ્ય ખૂબસુરત હતું, પણ તે ભયંકર ભાસતું હતું. જ્યારે આ વિસ્તાર છોડ્યો ત્યારે અમને ખબર મળ્યા કે ડેમમાંથી પાણી છોડતાં આ પુલ ફરી પાણીમાં સમાઈ ગયો છે.

આ ઉપરાંત પણ આસપાસ વરસાદમાં પર્વતો પર પ્રસરેલું ગ્રીન કવર, પાણીમાં ગરકાવ થયેલાં ખેતરો, વહી રહેલાં ઝરણાં અને અતિમનોરમ્ય નર્મદાએ પ્રવાસને સાર્થક બનાવ્યો. સ્ટેચ્યૂ ઑફ યુનિટિના નામે કુદરતનું થયેલું અતિક્રમણ અને હવે અદના પ્રવાસીઓનું થઈ રહેલાં શોષણને બને એટલાં પ્લેટફોર્મ પર રજૂ કરવા જોઈએ. જો તેમ નહીં થાય તો આ પણ એક મોડલ બની જશે અને તે મોડલના આધારે અતિશોયક્તિ કરીને બોલાંતા શબ્દો દૃઢતા, વિશ્વાસ, એકતા, અવિસ્મરણીય....બોલાતાં રહેશે.