કિરણ કાપુરે.મેરાન્યૂઝ (ઇનસાઇડ આઉટસાઇડ): વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે હોય કે સામે તેઓ એટલું તો કબૂલ કરશે કે વડા પ્રધાનને  આકર્ષણ જમાવવાની કળા સારી રીતે હસ્તગત કરી છે. દરેક ઘટના, ઇવેન્ટ અને પ્રસંગને તેઓ પોતાના તરફેણમાં કરી જાણે છે. એક દુન્યવી રાજનેતાને આ સારી રીતે આવડવું જોઈએ અને તે નરેન્દ્ર મોદી બખૂબી શીખ્યા છે. આ બાબતે તેઓ જરાસરખી પણ ચૂક કરતા નથી. ચંદ્રયાન-2 વખતે પણ જ્યારે તેઓ 'ઇસરો'ના મુખ્યાલય પર ગયા હતા અને અંતિમ ક્ષણોમાં ચંદ્રાયાન-2 લેન્ડ ન થઈ શક્યું ત્યારે સ્વાભાવિક ક્રમમાં પૂરી ઘટના વિખેરાઈ જવાની હતી. મુખ્ય મિશન જ્યારે અટકી પડ્યું, પછી વડા પ્રધાનને ત્યાં રોકાવાનું કોઈ ઠોસ કારણ નહોતું. પણ સૌ દેશવાસીઓએ જોયું કે ત્યાર બાદ વડા પ્રધાને 'ઇસરો'ના કર્મચારીઓને પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું અને 'ઇસરો' ચીફ કૈલાસાવાદીવુ સીવાનને તો બાથમાં ભીડીને સાંત્વના આપી. આ રીતે વડા પ્રધાન કોઈ સંસ્થાના પ્રમુખને સાંત્વના આપે, તેવું સંભવત્ ભારતમાં પ્રથમવાર બન્યું હશે! આ વિડિયો ખૂબ વાઇરલ થયો અને વડા પ્રધાન આવાં હોવા જોઈએ તેવો ગૌરવ પણ લેવાયો.

કેન્દ્રબિંદુ બની રહેવાની અને પોતાના પ્રત્યે આકર્ષણ જમાવી રાખવાનો એક અન્ય કાર્યક્રમ 14 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં 'નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ ગેલેરી'માં આરંભાયો છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ ઉમદા છે. અને ઉપર કહ્યું તેમ વડા પ્રધાન મોદીજીએ તેને એક અલગ 'ટચ' આપ્યો છે. આ કાર્યક્રમ છે અત્યાર સુધી વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને મળેલી ભેટનાં પ્રદર્શન અને નીલામીનો! પંદર દિવસ સુધી આ એક્ઝિબિશન અહીં ચાલવાનું છે અને મુલાકાત લેનાર આ ભેટોને કિંમત આપીને ખરીદી પણ શકશે. આમાંથી જે પણ રાશિ એકઠી થશે તેનું અનુદાન 'નમામિ ગંગે' પ્રકલ્પમાં આપવામાં આવશે. વિન વિન સિચ્યુએશન ધરાવતો આ કાર્યક્રમને જો યોગ્ય પ્રતિસાદ મળ્યો તો તેની તારીખ વધારવામાં આવશે. આશ્ચર્યની વાત એ છે કે વડા પ્રધાનને છેલ્લા છ મહિનામાં 2,772 ભેંટો મળી છે, જેમાંથી કેટલીક જ અહીં મૂકવામાં આવી છે.

અહીંયા જે કલેક્શન પ્રદર્શિત કરવામાં આવ્યું છે તેમાં બસ્સોથી લઈને અઢી લાખ સુધીની ભેટો છે અને તેમાં મોદીના વિવિધ કારીગરી કરેલાં પોઇટ્રેટ પણ છે, શાલ છે, પાઘડી છે અને જેકેટ્સ છે. અત્યારે તો જગ્યાની અનુકૂળતા જોઈને અહીંયા પાંચસો જ ભેટો પ્રદર્શનમાં મૂકાઈ છે.  ખુદ વડા પ્રધાને આ પ્રદર્શન જોવાની અને તે ભેટ ખરીદીને રાષ્ટ્રને રાશિ અર્પણ કરવાની પહેલ કરી છે. કેન્દ્રિય સાંસ્કૃતિક વિભાગના અંતર્ગત આ ભેંટોનો હવાલો આવે છે અને તેને અનુલક્ષીને આ પ્રદર્શન ખુલ્લું મૂકનાર હાલના સાંસ્કૃતિક મંત્રી પ્રહ્લાદ પટેલ છે. અહીંયા આ તમામ ભેટોની એક બેઝ પ્રાઇઝ નક્કી કરવામાં આવી છે, જેની કિંમત જે-તે ભેટની નીચે ડિસ્પ્લે કરવામાં આવી છે. આ કિંમત કંઈ એમ જ નક્કી ન થઈ શકે તે માટે પૂરતી કાળજી લેવાઈ છે અને 'નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ ગેલેરી'ના ડિરેક્ટર જનરલ અદ્વૈત ગડનાયકે આ આર્ટવર્કનું મૂલ્યાંકન કરીને તેની કિંમત નક્કી કરી છે. કેટલીક એવી ચીજવસ્તુઓ ભેટસ્વરૂપે આવી છે જેની કિંમત કસ્ટમ વિભાગ દ્વારા નિશ્ચિત કરવામાં આવી છે. અત્યારે જે ભેટો અહીંયા પ્રદર્શિત કરવામાં આવી છે તે મહદંશે ભારતમાં અલગ-અલગ સ્થાનેથી મળેલી છે. વિદેશમાંથી વડા પ્રધાનને ભેટ મળી છે તે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સને સોંપી દેવામાં આવે છે. તેનું પણ આ જ રીતે પ્રદર્શન-નીલામી થવાની છે. હવેથી સાંસ્કૃતિક મંત્રાલય દર છ મહિને આ પ્રકારનું પ્રદર્શન આયોજન કરવાનું ઠરાવ્યું છે, જેનો વડા પ્રધાને હોંશેહોંશે ટેકો આપ્યો છે.

જોકે અહીંયા આ રીતે નીલામી મૂકાય ત્યારે આપણે નાગરીક તરીકે કોની કેટલી કિંમત આંકીએ છીએ તેનો પણ એક ઓવરવ્યૂ મળે છે. એવું બને કે આ નીલામી પૂરેપૂરી તટસ્થ રીતે ન થતી હોય, પણ જ્યારે અહીંયા ગાંધીજીનું પ્લાસ્ટર ઓફ પેરીસનું એક સ્ટેચ્યૂ મૂકવામાં આવ્યું હતું, અને તેની બેઝ પ્રાઇઝ પાંચસો ઠરાવવામાં આવી હતી. પણ તેની બોલી લાગી અને તે વેચાયું 1800 રૂપિયામાં, તેની કિંમત આનાથી વધુ ન અંકાઈ! જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આટલી જ બેઝ પ્રાઇઝ ધરાવતું એક પોઇટ્રેટ ગાંધીજીના સ્ટેચ્યૂથી અનેકગણા કિંમતે વેચાયું! ધ ટેલિગ્રાફ અખબારના સ્મિતા ત્રિપાઠીએ આ નીલામીનો આંખો દેખ્યો હાલ લખ્યો છે, જેમાં તેમણે લખ્યું છે કે અહીંયા પૂર્વ વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની તસવીર છેક સુધી વેચાણ ન થઈ શકી. છેલ્લી મિનિટે કોઈ એક વ્યક્તિએ 2,200 રૂપિયા આપીને તે ખરીદી! અહીં કોણ વેચાય છે કે નથી વેચાતું અથવા તો કોઈ તેની છબિ કરતાં વધુ મહામૂલ્યે વેચાય છે તેનાથી જે-તે વ્યક્તિના છબિમાં કોઈ ફરક પડવાનો નથી. પ્રામાણિકપણે ઇતિહાસને જાણીએ-સમજીએ તો દરેક જાણીતાં વ્યક્તિનું ધોરણસરનું કદ-માપ કોઈ પણ કાઢી શકે. પરંતુ અહીંયા જાહેરમાં દૃશ્યમાન થતી આપણા માનસની વાત છલકે છે, તેનું આ એક નાનકડું ઉદાહરણ છે.

વડા પ્રધાન અને મંત્રીઓને અથવા તો અન્ય કોઈ પણ સરકારી હોદ્દા પર અનેકવાર કોઈને કોઈ ચીજવસ્તુ તેઓને ભેટ સ્વરૂપે મળે છે. આ ભેટ આપવાનો રિવાજ પૂરા વિશ્વમાં પ્રચલિત છે. આતંરરાષ્ટ્રિય કક્ષાએ પ્રાણી સહિત જાતભાતની ભેટ આપવાનો શિરસ્તો છે. ભારતમાં આ ભેટને લઈને કાયદો પણ છે, જે મુજબ વિદેશમાંથી આવનારી તમામ ભેટ જે વડા પ્રધાન સહિત અન્ય મંત્રીઓને મળે છે તેઓ 'તોશખાના' નામના વિભાગમાં જમા કરાવે છે. આ 'તોશખાના'ની વેબસાઈટ પર 2013થી લઈને ગત્ મહિના સુધીની યાદી આપવામાં આવી છે, જેમાં દરેક ભેટની કિંમત સહિતની બધી જ વિગત આપવામાં આવી છે. જેમ કે 31-07-2019ના દિવસે ઇસ્ટ ઇન્ડિયા ડિવિઝનના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ અમિત તેલંગને જે ભેટ મળી છે તેની વિગત નોંધવામાં આવી છે. આ નોંધમાં તેમને મળેલી ભેટ 'અ બોટલ ઓફ લિક્વર’ છે, જેની કિંમત 7,000 દર્શાવવામાં આવી છે!  'તોશખાના'માં મહદંશે ભેટ લેનારા વ્યક્તિની યાદીમાં નરેન્દ્ર મોદી અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ દેખા દે છે. આ ભેટ અંગેનો "અસેપ્ટનેન્સ ઓર રિટેન્શન ઓફ ગિફ્ટ ઓર પ્રેસેન્ટેશન-રેગ્યુલેશન, 1978” એવો કાયદો છે. આ જ અંગે 2012માં પણ અન્ય જોગવાઈ કરીને કાયદો ઘડવામાં આવ્યો છે. જોકે હજુ પણ દેશના વડાને કે કોઈ અન્ય પદાધિકારીઓને દેશમાં મળતી ભેટ વિશેનો કાયદો શું છે તેનો કોઈ નિશ્ચિત જવાબ નથી.

વિદેશમાંથી જે વડા કે મંત્રીને ભેટ મળે છે તેની જાણ તેણે ત્રીસ દિવસમાં તેમના વિભાગને અથવા તો મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ એફેર્સને કરવાની હોય છે. અને તેમાં ભેટ મેળવનારા માત્ર પાંચ હજારથી ઓછી કિંમતની જ ભેંટને પોતાની સાથે લઈ જઈ શકે છે, બાકી તમામ ભેટ તેણે સરકારી તિજોરી યાને કે 'તોશખાના'માં જમા કરાવવાની હોય છે. સરકારનું કોઈ પણ પદ કેટલી બધી જવાબદારી તમારી સાથે લઈને આવે છે તે વિશે આ પૂરા 'ભેટ પ્રકરણ'થી સમજી શકાય. જેમ કે, તેઓ કોઈ પણ ભેટ તેમના સગાસંબંધી સિવાય અન્ય વ્યક્તિ પાસેથી ન મેળવી શકે. જેઓની સાથે તેમનું કોઈ જ વ્યવહાર નથી તેમની પાસેથી તો નહીં જ. આ પદાધિકારીઓ ભેટ લઈ શકે તે માટે પણ ચોક્કસ કારણ હોવું જોઈએ, જેમ કે લગ્ન. આ ઉપરાંત, તે ભેટની કિંમત મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. એ વર્ગના અધિકારીઓ 7,000થી વધુની ભેટ લઈ નથી શકતા.

મોદીના સૂટ અંગે થયેલો વિવાદથી સૌકોઈ વાકેફ છે, જેમાં તેઓને મહામૂલો સૂટ આપવામાં આવ્યો હતો અને તે વડા પ્રધાને ધારણ પણ કરી લીધો હતો! સ્થાનિક ભેટ લેવાય-ન લેવાય અને તેનું શું થવું જોઈએ તેનો કોઈ વિશેષ કાયદો નથી, પરંતુ આ પૂરી વાત આપણે ત્યાં કોઈ ખાસ ચર્ચાતી નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ રીતે ભેટમાં મળેલી ચીજવસ્તુઓને નિકાલ કરવાનો અને તેમાંથી આવતા નાણાંને જાહેર જનતાના અર્થે ખર્ચવાની સારી કામગીરી હાથ ધરી છે. જેનાથી એક બાજુ આ ભેટ સાચવવી મટશે અને તેનાથી આવતી રકમ યોગ્ય જગ્યાએ ઉપયોગ થશે. હિસ્સારના 'આરટીઆઈ' એક્ટિવીસ્ટ દ્વારા વર્ષ 2010માં આ પ્રકારની ભેટ મગાવવામાં આવી હતી. અને સરકાર દ્વારા તે પ્રકાશિત પણ કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદી આ બાબતે તો તેમના પૂર્વેના કરતાં એક કદમ આગળ છે અને તેમણે આ અંગે pmmementos.gov.in નામની વેબ શરૂ કરી છે. જ્યાં તમે આ ભેટ જોઈ શકો છો, ખરીદી શકો છો. આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફૂલ માર્ક્સ મળે છે, જેઓએ મળેલી ભેટને એક ઉમદા કાર્ય સાથે જોડી દીધી છે.