કિરણ કાપુરે.મેરાન્યૂઝ (ઇનસાઇડ આઉટસાઇડ): આ વર્ષે નોબલ શાંતિ પુરસ્કાર આફ્રિકાના ઇથોપિયા દેશના વડા પ્રધાન અબિય અહમદને પ્રાપ્ત થયું છે. જ્યાં સુધી નોબલ શાંતિ સન્માનિત અબિય અહમદનું નામ જાહેર નહોતું થયું ત્યાં સુધી તેઓની ઓળખ આફ્રિકા ખંડ પૂરતી હતી, પણ આજે વિશ્વભરમાં તેમનું નામ જાણીતું બન્યું છે. છેલ્લા દોઢ વર્ષના વડા પ્રધાન કાર્યકાળમાં અબિય અહમદે જે કર્યું છે; તે થતા પૂર્વે અશક્ય ભાસતું હતું. આ અશક્યને તેમણે શક્ય કરી બતાવ્યું. જે ક્ષેત્રમાં છેલ્લા બે દાયકાથી લોકો એકબીજાથી દુશ્મન બનીને લોહીતરસ્યા હતા; ત્યાં અબિય અહમદ શાંતિના મસીહા બન્યા છે. આજે ઇથોપિયામાં શાંતિનો માહોલ સ્થાયી બની રહ્યો છે અને લાખો લોકો વર્ષોથી યુદ્ધગ્રસ્ત વાતાવરણમાં પીડાઈ રહ્યા હતા, તેમને જાણે જીવન બક્ષ્યું છે. ...

વિશ્વમાં સત્તા પર આવ્યા બાદ રાજકીય આગેવાનો કેવી ભાષા બોલે છે, તેના ઉદાહરણ દેશેદેશે મળે છે. સત્તા પર ટકી રહેવા માટે યુદ્ધની સ્થિતિ નિર્માણ કરવી, યુદ્ધમાં સામેલ થવું અને યુદ્ધ કરવા સુધીની મૂર્ખામી સત્તાધીશો કરતા આવ્યા છે. આવું જ્યારે થાય છે ત્યારે મરો થાય છે જે-તે દેશના નાગરીકોનો. પણ યુદ્ધની રાજરમત આમ જ ચાલતી આવી છે અને આજેય ડોનાલ્ડ ટ્રમ્પ, બ્લાદિમીર પુતિન, શી જિનપિંગ કે આપણા આગેવાનોના નિવેદનો સાંભળશો તો તેમાં હિંસક શબ્દપ્રયોગ સરળતાથી ખોળી શકાશે. જોકે, અબિય અહમદે તેમ ન કર્યું. તેઓએ દાયકાઓથી પોતાની પ્રજા જેમાં પીસાઈ રહી હતી, તેનો ઉકેલ લાવવા મથ્યા. અંતે તેમણે પાડોશી દેશ ઇરિટ્રીન સાથેની બે દાયકાના યુદ્ધનો અંત આણ્યો!

અબિય અહમદની ઇથોપિયામાં શું ભૂમિકા રહી છે તે માટે આ ક્ષેત્રનો થોડો ખ્યાલ જરૂરી છે. ઇથોપિયા આફ્રિકા ખંડનો ઉત્તરપૂર્વીય દેશ છે. આ દેશની વસતી દસ કરોડની આસપાસ છે. આફ્રિકા ખંડનો સૌથી વધુ વસ્તી ધરાવતો બીજા ક્રમનો આ દેશ છે. તેની વિશેષતા એ છે કે તે લેન્ડલોક્ડ કન્ટ્રી છે, મતલબ કે તેને ચારેય તરફ અન્ય દેશોની જમીની સરહદ આવેલી છે. ભારતની જેમ જ ભૌગોલિક વિવિધતા ઇથોપિયા ધરાવે છે. અહીં ફળદ્રુપ જમીન, મસમોટી નદીઓ અને જંગલો છે પણ સાથે વિશ્વનું સૌથી ગરમ સ્થળ પણ અહીંયા જ છે. ઇથોપિયાના લાંબોલચક ઇતિહાસ છે, પણ અબિય અહમદના યોગદાન માટે તે ઇતિહાસમાં પ્રવેશવું જરૂરી નથી. બસ, છેલ્લા પાંચ દાયકા જ તે માટે જોવા રહ્યા. ઇથોપિયા પડતીનો કાળ શરૂ થયો મેન્ગિસ્તુ હેઇલ મરીઅમ નામના સરમુખત્યારના શાસન દરમિયાન. 1975થી મેન્ગિસ્તુ હેઇલ મરીઅમ ઇથોપિયાને ધીરે-ધીરે દોજખ તરફ લઈ ગયો અને નેવુંનો દાયકો આવ્યો ત્યાં સુધી ઇથોપિયા બધી જ રીતે ખુંવાર થઈ ચૂક્યું હતું. 2006માં મેન્ગિસ્તુ પર વીસ લાખ ઇથોપિયનોની જાન લેવાના ગુનો સાબિત થયો છે, અને તેને ફાંસીની સજા પણ થઈ ચૂકી છે. જોકે હાલ તે ઝિમ્બામ્બ્વેમાં વસે છે.  

ખુંવાર થયેલા ઇથોપિયામાં ‘90નો દાયકો આવતાં નવું બંધારણ રચાયું અને બીજા બે વડા પ્રધાન અનુક્રમે મેલેસ ઝેનાવી અને હેલેમરિઅમ ડેસાલેગ્ન આવ્યા. જેઓના કાર્યકાળમાં પાડોશી દેશ ઇરિટ્રેઅ સાથે સરહદ વિવાદ થયો અને ફરી એ જ હિંસાનો સિલસિલો શરૂ થયો. આ દરમિયાન ઇથોપિયામાં સરમુખત્યારશાહીની વિદાય થઈ ચૂકી હતી, પણ દેશમાં સ્થિરતા આવી નહોતી. 2018માં ઇથોપિયામાં રાષ્ટ્રિય સ્તર પર અબિય અહમદનું નામ ચમક્યું. જે દેશ સાથે વર્ષોથી ઇથોપિયા દુશ્મનાવટ કાઢી રહ્યું હતું, તે જ દેશનો પ્રવાસ ખેડીને અબિય અહમદે બધાને ચોંકાવી દીધા. અબિયે સત્તા પર આવતાં જ જેટલાં પણ રાજકીય કેદીઓ હતા, તેઓને મુક્ત કર્યા! આ ઉપરાંત અર્થશાસ્ત્રને મજબૂત બનાવવા જરૂરી પગલાં લીધા. અબિય વડા પ્રધાન પદે આવ્યા ત્યારે તેમની ઉંમર માત્ર 42 વર્ષની હતી. જોકે, તેઓના નિર્ણયો સૌને ચોંકાવી રહ્યા હતા અને સાથે સાથે તેઓએ લોકોમાં એ વિશ્વાસ ઉભો થવા માંડ્યો કે દેશને યોગ્ય નેતૃત્વ મળ્યું છે. અબિયે અગાઉની સરકારે પ્રતિબંધિત કરેલી વેબસાઈટ પરથી પ્રતિબંધ હટાવી લીધો. સરકારના દરેક ખાતામાં જડમૂળથી ભ્રષ્ટાચાર ડામવા માટે હજારો લોકોને રાજીનામું અપાવ્યું. ‘ડેમોક્રેટીક ઇન્ડેક્ષ’માં ઇથોપિયા સો ક્રમ પછી આવતું રહ્યું છે. અબિય અહમદના આવવાથી ઇથોપિયાનો ‘ડેમોક્રેટીક ઇન્ડેક્ષ’માં ક્રમ સુધરી રહ્યો છે!

આ તો થઈ ઇથોપિયાની પૃષ્ઠભૂમિ અને તેમાં અબિય અહમદની ભૂમિકાની વિશે. વ્યક્તિગત જીવનમાં પણ અબિય અહમદ કોણ છે તે જાણવું રસપ્રદ છે. જેમ કે અબિય મુસ્લિમ પિતા અને ખ્રિસ્તી ધર્મી માતાના તેરમા સંતાન છે. તેમના બાળપણનું નામ ‘અબિયોત’ હતું, જેનો અંગ્રેજીમાં અર્થ ‘ક્રાંતિ’ એમ થાય છે. યુવાને વયે અબિય ઇથોપિયાની ‘નેશનલ ડિફેન્સ ફોર્સ’માં જોડાયા. અહીંયા જોડાયા છતાં તેઓનું શિક્ષણ ચાલુ રહ્યું. સૌપ્રથમ તેમણે કમ્પ્યુટર એન્જિનિયરીંગમાં બેચલર ડિગ્રી મેળવી. ત્યાર બાદ ટ્રાન્સફોર્મેશનલ લીડરશીપમાં માસ્ટર્સ ઓફ આર્ટ્સ થયા. ઇથોપિયાની જ અશલેન્ડ યુનિવર્સિટીમાંથી તેઓએ એમ.બી.એ. કર્યું અને અંતે ઇથોપિયાનાં સંધર્ષના ઉકેલ સંદર્ભે તેમણે પીએચ.ડીનો અભ્યાસ કર્યો.

અબિય અહમદને આજના આફ્રિકાના નેલ્સન મંડેલા તરીકે ઓળખાય છે. અબિય શાંતિના માર્ગ સુધી પહોંચ્યા તેમાં તેઓના ઉચ્ચ શિક્ષણનો તો હિસ્સો રહ્યો જ છે, પણ સાથે સાથે તેઓને યુવાનીકાળનો અનુભવ પણ કામે લાગ્યો છે. યુવાનીમાં અબિય સરમુખત્યાર મેન્ગિસ્તુ હેઇલ મરિઅમના સત્તા સામે સશસ્ત્ર લડતમાં જોડાયા હતા. મેન્ગિસ્તુનું શાસનનો અંત આવતાં અબિય સેનામાં જોડાયા અને પછી તેઓ સેનામાં ઇન્ટેલિજન્સ અને કોમ્યુનિકેશન્સના કામમાં ગુંથાયા. આ દરમિયાન જ્યારે રવાન્ડાનો જનસંહાર થયો, ત્યાર બાદ અબિયને યુનાઇટેડ નેશન્સ પીસ કિપીંગ ફોર્સમાં કામ કરવાની તક મળી. 1998થી 2000 દરમિયાન તેઓ ઇથોપિયાના પરંપરાગત દુશ્મન ઇરિટ્રેઅની સેના ક્યાં તૈનાત કરવામાં આવી છે, તેની માહિતી એકઠી કરનારાં ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા હતા.

આમ સેના અને ‘યુ.એન.’માં જુદા જુદા સ્થાને ફરજ બજાવનારાં અબિયને એક સમયે પોતાના જ શહેર બેશાશામાં મૂકવામાં આવ્યા, જ્યાં મુસ્લિમ-ખ્રિસ્તીનો સંઘર્ષ ચાલી રહ્યો હતો. અહીંયા અબિયે સિફ્તપૂર્વક કામ લીધું અને ક્ષેત્રમાં શાંતિ સ્થાપી! સેનામાં તેઓ લેફ્ટનન્ટ કર્નલના પદ સુધી પહોંચ્યા; પણ છેવટે 2010માં રાજકીય કારકિર્દી આગળ ધપાવવા કાયમ માટે સેનાનું પદ છોડ્યું. પછી રાજકીય સફરમાં ખૂબ ઝડપથી અબિયનું નામ રાષ્ટ્રિય સ્તરે આવ્યું અને 42 વર્ષની ઉંમરે તો તેઓ વડા પ્રધાન બન્યા. અબિય આ ઉંમરે જે હાંસલ કર્યું છે તે અકલ્પનીય છે.

અબિયને પદ પર આવ્યા બાદ જેટલાં ઝડપથી નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે, તેને લઈને કેટલાંક પ્રશ્નો પણ ઉઠ્યા છે. આ પ્રશ્નોના જવાબ નોર્વેની નોબલ સમિતિએ એમ કહીને વાળ્યો છે કે, : પાડોશી દેશ ઇરિટ્રેઅના સંઘર્ષમાં નિર્ણાયક પહેલ ઉઠાવવા બદલ તેમને સન્માનવામાં આવ્યા છે. અબિય અહમદની સિદ્ધી આ તો છે જ, પણ આ અગાઉ જે સરકાર સત્તા પર હતી તે 'ઇથોપિયન પીપલ્સ રિવોલ્યુશેન ડેમોક્રેટીક ફ્રન્ટ'ની હતી. જેની પકડ ઇથોપિયા પર જબરજસ્ત હતી. આ પક્ષના સભ્યોની સંખ્યા સિત્તેર લાખ સુધીની હતી. અર્થતંત્ર અને દેશના મહદંશે તંત્ર પર આ પક્ષનો જ કબજો હતો. તેઓ દેશના તમામ બેઠકો પર વિજય થવા સક્ષમ હતા, 2015ના ચૂંટણીમાં તેમ થયું પણ. આ પક્ષની સરકાર આવી ત્યારે નાગરીક સમાજ અને સ્વતંત્ર મીડિયા પર જાણે પ્રતિબંધ લાગી ગયો. આ પક્ષ ઇથોપિયા પર એકહથ્થુ શાસન ચલાવી રહ્યો હતો, ત્યારે રાષ્ટ્રિય ફલક પર અબિય અહમદની એન્ટ્રી થઈ. તેમણે સત્તા મેળવી અને આજે તેઓ કોઈ અસુરક્ષિતતાના ભાવ વિના શાંતિ સ્થાપવાનું કામ કરી રહ્યાં છે.

આપણા દેશના એક ન્યૂઝ પોર્ટલ 'ધ પ્રિન્ટ'માં તો અબિય અહમદ અને નરેન્દ્ર મોદીની સાથે ચર્ચા કરતો એક આર્ટિકલ પણ હાલમાં જ પ્રકાશિત થઈ ચૂક્યો છે. તેનું મથાળું છે : “ઇફ નરેન્દ્ર મોદી વોન્ટ્સ નોબલ પીસ પ્રાઇઝ, હી કેન લર્ન લોટ ફ્રોમ અબિય અહમદ” આ લેખની ચર્ચા અહીંયા નથી કરવી. પણ એટલું નિશ્ચિત છે કે લોકોનું સ્થાયી હિત ન વિચારનારા આગેવાનોનું નામ લોકો પણ એટલાં જ જલદી ભૂલી જાય છે. અબિય અહમદનું નામ ઇથોપિયાનો ઇતિહાસ હંમેશ માટે યાદ રાખશે. બાકી તો ચર્ચા ઊભી કરી સત્તા ટકાવી રાખવામાં કોઈ નવીનતા નથી, ન તો લોકોનું તેમાં કોઈ હિત છે.