કિરણ કાપુરે.મેરાન્યૂઝ (ઇનસાઇડ આઉટસાઇડ): માણસની ગતિ કેવી થઈ છે તેનાં ઉદાહરણ અવારનવાર આપણી સામે આવે છે. આવાં જ ઉદાહરણ સાથે આપણને પાઠ શીખવે તેવીડોક્યુમેન્ટરી ફિલ્મ ‘મોતીબાગ’ થોડા સમય અગાઉ ઓસ્કાર માટે નોમિનેટથઈ છે. આ ફિલ્મમહદંશે ઉત્તરાખંડના પૌઢી ગઢવાલ ક્ષેત્રનાં એક નાનકડા સંગૂડા ગામમાં શૂટ થઈ છે. ફિલ્મનું કેન્દ્રીય પાત્ર છે આ ગામમાં વસતાં 83 વર્ષના ખેડૂત વિદ્યાદત્ત શર્મા. અહીંના પહાડી ક્ષેત્રમાં નિવાસ કરીને વિદ્યાદત્ત શર્મા કેવી રીતે પોતાનું જીવન ટકાવી રાખ્યું છે, તેની સુંદર રજૂઆતઆ ટૂંકી ફિલ્મમાં જોવા મળે છે. ‘મોતીબાગ’ ડોક્યુમેન્ટરીને ઓસ્કારમાં તો એન્ટ્રી મળી છે, પણ તે અગાઉ ઇન્ટરનેશનલ ડોક્યુમેન્ટરી એન્ડ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ કેરલ’ (આઈડીએસએફએફકે)માં પણ બેસ્ટ લોન્ગ ડોક્યુમેન્ટરી તરીકે એવોર્ડ મેળવી ચૂકી છે! ફિલ્મના ડિરેક્ટર દિલ્હી સ્થિત નિર્મલ ચંદર છે, જેઓ વિદ્યાદત્ત શર્મના ભત્રીજા છે!ફિલ્મનો વિષય છે ઉત્તરાખંડના પહાડી ગામોમાંથી થતું પલાયન અને તેના કારણે અહીંના ભૂતીયા બની ગયેલાં ગામો. નિસર્ગનો ખોડો ત્યજીને શહેરોમાં આવતાં ઉત્તરાખંડ ક્ષેત્રના લોકો શહેરોમાં લાંબી રઝળપાટ પછી કશુંક મેળવવાનો અહેસાસ કરી શકતાં હશે, પણ જે ગુમાવે છે તેનો ખ્યાલ ‘મોતી બાગ’ આપે છે. આ સિવાય પણ આ ફિલ્મ ઘણું બધું શીખવાડે-આપે છે. ફિલ્મનાં ટ્રેઇલરથી અને ફિલ્મ સંબંધિત આવેલાં અહેવાલોમાં તે વાત ઝિલાય છે. ...

આપણી આસપાસ જીવનશૈલીનું અસંતુલન જોવા માટે કોઈ વિશેષ દૃષ્ટિ કેળવવાની જરૂર નથી, જ્યાં જોવો ત્યાં તે આંખે ચડે એવું છે. મોટા શહેરોમાં તો ખાસ જ્યાં સુખસુવિધાના લ્હાયમાં બધું જ દાવ પર લગાવી દેવાનો ટ્રેન્ડ ચાલે છે. આ લ્હાયની મસમોટી અસર દેશના જ અંતરિયાળ ગામોમાં પડી છે અને તેનાં જ દાખલા બન્યા છે ઉત્તરાખંડના સાત હજાર જેટલાં ગામો! આ ગામો ભેંખાર ભાસી રહ્યાં છે. અહીંયાથી પલાયન થઈને ગયેલાં લોકો ફરી પાછા ક્યારેય આવતા નથી. અહીંયા તેમની પૂર્વજોની સ્મૃતિ હવે ધૂળમાં મળી ચૂકી છે. તેમનાં ઘરો જમીનદોસ્ત થઈ રહ્યાં છે. મહોલ્લા ખાલી ભાસી રહ્યાં છે. માત્ર ગણ્યાગાંઠ્યા લોકો આ ગામોમાં નજરે ચડે છે;  તેમાંના જ એક છે વિદ્યાદત્ત શર્મા. આયખાનાં આઠ દાયકા વટાવી ચૂકેલા વિદ્યાદત્તે ગામમાં જ રહીને સાબિત કરી આપ્યું છે કે નક્કર કાર્ય ગ્રામ્ય વિસ્તારમાં પણ થઈ શકે છે. તેઓ યુવાન હતા ત્યારે તેમણે ઉત્તર પ્રદેશમાં સરવે ઓફિસર તરીકે નોકરી મેળવી હતી. શહેરોમાં તેઓ આરામની જિંદગી જીવી શકે તેવા પૂરતાં અવસર તેમની પાસે હતા. ત્યારથી જ જે પલાયન શહેરો તરફ થવા માંડ્યું હતું તેમાં વિદ્યાદત્તે ગ્રામ્ય જીવન તરફ જવાનું સાહસ ખેડ્યું. આ સાહસનું પરિણામ જ છે કે આજે તેમનું શ્રમી જીવન ઓસ્કારના પડદે ચમકશે અને વિશ્વ સમક્ષ તેમની અદ્વિતિય કથાનું સ્ર્કિનીંગ થશે.

ગ્રામ્ય જીવન કુદરતના ખોળે જીવવાની સંસ્કૃતિ છે. ગ્રામ્યમાં અભાવ છે, સંઘર્ષ છે, પણ તેની સામે જે મળે છે તે શહેર આપી ક્યારેય આપી શકતું નથી. ગામડાંઓમાં કુદરત છે, સ્વસ્થ અને સંતુલિત જીવન છે. માન્યું કે દેશના દરેક ગામડાંની સ્થિતિ આવી નથી. વિવિધતાં ધરાવતા આપણા દેશમાં અનેક ગામોમાં સ્થિતિ અત્યંત કપરી છે અને ત્યાં સ્વાસ્થ-શિક્ષણ જેવી સગવડ આજે પણ પહોંચી નથી. પરંતુ વિદ્યાદત્તના જેવો શ્રમ જો ગ્રામ્ય ભૂમિ પર કરવામાં આવે તો તેની કાયાપલટ થઈ શકે છે. આ કાયાપલટ શહેરના જેવી તકલાદી નથી. તે ટકાઉ છે, જ્યાં કરેલો પરિશ્રમ ભવિષ્યની પેઢી નિશ્ચિંત કરે છે.

વિદ્યાદત્તે પોતાના સંગુડા ગામમાં ભવિષ્યની પેઢીને એક આખો વારસો આપી જશે. પરતું અફસોસની વાત એ છે કે આ ગામોમાં સ્થાનિક લોકો રહ્યાં નથી, જેઓની હાજરી હવે જોવા મળે છે તેઓ નેપાળથી આવેલાં મજદૂરો છે. ઉત્તરાખંડનો આ પ્રશ્ન ગંભીર બન્યો છે તેના વિશે આ ફિલ્મના ડિરેક્ટર નિર્મલ ચંદરે પૂરતું સંશોધન કર્યું છે. હવે તેઓ પૌઢી ક્ષેત્રને સારી પેઠે જાણી શક્યા છે. આ ક્ષેત્ર વિશે તેઓ કહે છે કે : “લોકો શહેરો તરફ ગયા બાદ પાછા આવતાં નથી. સરકાર દર્શાવે છે તે કરતાં થયેલું પલાયન વધુ છે. બીજું જેને વિકાસ એટલે કે માળખાકીય સુવિધા કહીએ છીએ તેની પહોંચ ઉત્તરાખંડના દેહરાદૂન, નૈનિતાલ, ઉધમસિંઘનગર સુધી જ છે, અને જ્યાં વિદ્યાદત્ત શર્માનું ગામ આવ્યું છે તે જિલ્લા પૌઢી અંગે જ વાત કરીએ તો આ વર્ષમાં અહીંયા 220 શાળાઓને બંધ કરવી પડી છે! આજે પણ કોઈ મેડિકલી ઇમર્જન્સી આવે છે ત્યારે ગામથી સિત્તેર કિલોમીટર સુધીનું અંતર કાપીને કોઈ નજીકના શહેર પહોંચવું પડે છે.

નિર્મલ ચંદર આ રીતે ફિલ્મ વિશે ઓછી અને ફિલ્મના વિષય સંબંધિત વધુ વાતો મીડિયામાં કરી છે, જે કારણે ઉત્તરાખંડના આંતરિયાળ ક્ષેત્રની સ્થિતિ લોકોના સામે આવી છે. નિર્મલે સરકારની ટીકા કરવામાં પણ શબ્દો ચોર્યા નથી. નિર્મલનું કહેવું છે કે સરકાર બધું જ કાગળો પર આયોજન કરે છે. રાજ્ય સરકારે પલાયન આયોગ અને પલાયનને અનુલક્ષીને કેટલીક યોજના પણ બનાવી છે, તેમ છતાં તેમાં કશું જ પ્રગતિ દેખાતી નથી. આ ફિલ્મથી ઉત્તરાખંડની સરકારે જવાબ આપવો પડે તેવી સ્થિતિ નિર્માણ કરી છે. અત્યાર સુધી સરકારે કોઈ જવાબ વાળ્યો નથી, પણ ફિલ્મ ઓસ્કારમાં જઈ રહી છે તેનું ગૌરવ જરૂર લીધું છે!

નિર્મલ ચંદરે આ અગાઉ ગાયિકા બેગમ અખ્તરના જીવન આધારીત ‘ઝિક્ર ઉસ પરવરિશ કા’ અને તાજ મહેલ જોવા ઇચ્છતા એક પાકિસ્તાની ડ્રાઈવર પર ડ્રિમીંગ તાજમહલ’ અને ‘ઓલ ધ વર્લ્ડ્સ અ સ્ટેજ જેવી હટકે ફિલ્મો નિર્માણ કરી છે. જોકે નિર્મલને ખ્યાતિ અપાવનારી ફિલ્મ ‘મોતી બાગ’ છે. આ ફિલ્મ સરસ રીતે નિર્માણ પામી છે અને તે માટે નિર્મલ સાહસ કરી શક્યા તેનું મુખ્ય કારણ કથાનાયક વિદ્યાદત્ત શર્મા છે. વિદ્યાદત્ત જે જીવન સ્વીકાર્યું તે પૂરી પ્રતિબદ્ધતાથી જીવ્યું. વિદ્યાદત્તજી માને છે કે “માનવીના જીવનનું શ્રમનું મહત્ત્વ અમૂલ્ય છે. નવી પેઢી શ્રમના મહીમાથી ભાગે છે અને માત્ર તેઓ બૌદ્ધિક મજૂર બનીને જીવન ગાળવા માંગે છે.આજે ખેડૂત ગ્રાહક બની ચૂક્યો છે અને તેનું પરિણામ આપણી આસપાસ છે...

ફિલ્મમાં પલાયનનો વિષય આ ક્ષેત્ર પૂરતો દર્શાવવામાં આવ્યો છે. જોકે આ સમસ્યા પૂરા દેશભરની છે. દેશભરમાંથી ગ્રામ્ય વિસ્તારમાંથી સ્થળાંતર કરીને લોકો રોજગારી, બહેતર જીવન માટે શહેરોમાં આવે છે. શહેરોમાં તકો છે, પણ તે તક ઊભી કરવા અને ઝડપવા માટે લાખો લોકોનું આયખું નીકળી જાય છે. જૂજ લોકો જ શહેરોમાં પોતાની આકાંક્ષા અનુસાર જીવન હાંસલ કરી શકે છે.સિત્તેર-એંસીના દાયકામાં પૌઢી ક્ષેત્રમાંથી હજારો યુવાનો સેનામાં જોડાયા અથવા તો શહેરોમાં કાર્ય કરવા ગયા. તે કાળે ઘરોમાં સ્ત્રીઓ અને બાળકો જ જોવા મળતાં. મહદંશે પુરુષો બહાર રહેતાં, પણ જ્યારે તેઓ ગામમાં પાછા ફરે ત્યારે તેમની આવકનું રોકાણ ગામોમાં થતું. હવે તેમ થતું નથી. આજે ગઢવાલી મહિલાઓ કોઈ પણ સ્થિતિમાં સ્થાનિક ખેડૂત યુવક સાથે પરણવાનું પસંદ કરતી નથી. તેઓ શહેરમાં દસ હજારમાં નોકરી કરનારને પસંદ કરે છે, ભલે પછી શહેરોમાં કોઈ પણ કાર્ય કરવું પડે. પણ ખેતમાં કામ કરવું તેમને સન્માન વિરુદ્ધ લાગે છે!

આ પ્રકારના વિચારને તોડનારાં વિદ્યાદત્ત જેવાં પણ છે. વિદ્યાદત્ત અને તેમની જેમ એક અરસાથી ગ્રામ્ય ક્ષેત્રમાં કાર્ય કરી રહેલાં તે સારી રીતે પામી ચૂક્યા છે. એટલે જ તેઓને અહીંયાથી સ્થળાંતર કરનારાઓને લઈને ચિંતા હોવા છતાં ફરિયાદ નથી. બસ, તેઓ તેમના ખેતીમાં અવનવું કરવા મથે છે, તેમાં જ પ્રયોગ કરે છે અને નિરાંતના સમયમાં પક્ષીઓ, વૃક્ષો અને જમીન સાથે પોતાનો નાતો બનાવી રાખે છે. પોતાનો નાતો અહીંની જમીન સાથે તેમણે એટલો ગાઢ કર્યો છે કે તેઓએ 23 કિલો વજન ધરાવતાં એક મૂળાની પ્રજાતિ ઉગાડી છે. દેશનો સૌથી વધુ વજન ધરાવનારા મૂળાની ખેતી કરવાનો રેકોર્ડ આજે વિદ્યાદત્તજીના નામે છે! તેઓ હવે જાપાનના 31 કિલોના મૂળાનો રેકોર્ડ તોડવા માગે છે અને તે માટે હજુ જીજાનથી પ્રયાસ કરી રહ્યાં છે. અહીંયા વિદ્યાદત્તની ખેડૂત તરીકેના જ જીવનની જ વાત કરી છે, તેમનું કર્મશીલપણું અને કવિ તરીકેની ઓળખ પ્રસ્થાપિત થઈ શકી નથી. તેમણે લખેલી એક કવિતા જે ‘મોતી બાગ’માં ફિલ્મમાં સમાવાઈ છે, જે પહાડી ક્ષેત્રનું યથાસ્થિતિ નિરૂપણ કરે છે. તેના શબ્દો આ પ્રમાણે છે : આ દર્પણ મેં દિખા દૂં, નંગી તસવીર પહાંડો કી.