કિરણ કાપુરે.મેરાન્યૂઝ (ઇનસાઇડ આઉટસાઇડ): જે દવાને આપણે બીમારીનો ઇલાજ સમજતાં હોઈએ અને તે જ દવા જ્યારે શરીરમાં ઝેર પ્રસરાવાનું કામ કરતી હોય તો? ભારતમાં આ પ્રકારનું નેટવર્ક મોટા પ્રમાણમાં પ્રસર્યું છે. આ અંગે હાલમાં જ એક દાખલો સામે આવ્યો છે જેમાં રેનીટીડીન (ઝેન્ટેક) સંબંધિત દવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ દવા એસિડિટીની તકલીફ ધરાવનારાં માટે વેચાણમાં હતી, જેને હાલમાં અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા પ્રતિબંધિત કરવામાં આવી છે. ડો. રેડ્ડી સહિત અનેક કંપનીઓ દ્વારા હવે આ દવા વેચવાનું બંધ કરવામાં આવ્યું છે અને તેઓ પોતાની આ પ્રોડક્ટમાં ખરેખર ક્યાં પ્રશ્ન ઉદભવ્યો છે, તે તપાસી રહ્યાં છે. મતલબ કે એક અરસા સુધી બજારમાં દવા વેચાઈ અને હવે તેનું પરિક્ષણ થશે! આપણે ત્યાં સ્વાસ્થનો પ્રશ્ન એટલો ચર્ચાતો નથી; વિશેષ કરીને દવાના બાબતે એટલે જ કોઈ કંપની બજારમાં દવા મૂકે છે ત્યારે તેના જમા-ઉધાર પાસાં જોવાતાં નથી. હવે જ્યારે અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દવાથી કેન્સર થવા સુધીની સંભાવના દર્શાવી છે; ત્યારે તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

અમેરિકાએ પ્રતિબંધ લાધ્યો એટલે અમેરિકાનું ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દૂધે ધોયેલું છે અને ભારતમાં બિલકુલ બધું બેપરવાહ ચાલે છે તેવું નથી. આ માટે આ પૂરી ઇન્ડસ્ટ્રીઝ જે રીતે કાર્યરત છે તેનું આકલન કરવું પડે. દવા યાને ડ્રગ્સની વાત આવે ત્યારે તેના થતાં વેપારને ધ્યાનમાં લેવો પડે. આ વેપારની ઓફિશિયલ ફિગર અબજોમાં છે તેમ નોન-ઓફિશિયલી થતો બિઝનેસ પણ અબજોનો છે. આ પૂરી ઇન્ડસ્ટ્રીઝમાં કોણ, કઈ રીતે પોતાની પ્રોડક્ટ બજારમાં મૂકે છે તેનાં નિશ્ચિત માપદંડ હોવા છતાં તેમાં અવારનવાર રેનીટીડીન જેવાં કિસ્સા બહાર આવે છે. અને તેમાં માર્યો જાયે છે એન્ડ યુઝર્સ! જે ખરેખર તો પોતાની બીમારીના ઇલાજ અર્થે દવા ખરીદે છે, પણ તે વધુ ખાડામાં ઉતરે છે. અમેરિકામાં દવાના મોનિટરિંગ માટે જેમ 'યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન’ છે તેવી જ રીતે ભારતમાં 'સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન’(સીડીએસસીઓ) કામ કરે છે. આ ડિપાર્ટમેન્ટ 'મિનિસ્ટ્રિ ઓફ હેલ્થ એન્ડ ફેમિલિ વેલ્ફેર' અંતર્ગત આવે છે. ‘સીડીએસસીઓ’નું પૂરું માળખું જોઈએ-ચકાસીએ તો એવું લાગે કે ભારત સરકાર દ્વારા તેની સારી વ્યવસ્થા થઈ છે, જેમ કે તેનું મુખ્યાલય દિલ્હીમાં હોવા છતાં, છ ઝોનલ ઓફિસ છે. આ ઉપરાંત તેર જેટલી પોર્ટ ઓફિસ પણ તેને ફાળવવામાં આવી છે. સાત જેટલી લેબોરેટરીઝ પણ ‘સીડીએસસીઓ’ના અંતર્ગત આવે છે.

અમેરિકામાંથી આ દવાનું રેડ સિગ્નલ મળ્યું છે એટલે હવે યુરોપ અને કેનેડામાં પણ તુરંત આ રેનીટીડીન સંબંધિત તમામ દવાઓને માર્કેટમાંથી પાછા ખેંચી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, જે દર્દીઓને નુકસાન થઈ ચૂક્યું છે તેઓની રજૂઆત ક્યાં થશે તેનો કોઈ ઉલ્લેખ નથી. રેનીટીડીન દવાનું ખૂબ મોટી માત્રામાં વેચાણ થાય છે. તેની શોધ 1976માં થઈ હતી અને 1981માં તેનાં પરિક્ષણો પૂર્ણ થયા અને દવાસ્વરૂપે અલગ-અલગ કંપનીઓએ તેને બજારમાં મૂકી. આ દવાને ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન’ દ્વારા પણ 'જરૂરી દવા' (એસેન્શિઅલ ડ્રગ્સ)માં સ્થાન આપ્યું છે! સ્વાસ્થ્યના બંધારણ અર્થે આ દવાને સૌથી ઉપયોગી માનવામાં આવી છે. 2016માં અમેરિકામાં સૌથી ટોપ 50 પ્રિસ્ક્રાઈબ દવામાં રેનીટીડીનનો સમાવેશ થાય છે! હવે જ્યારે કોઈ પણ આ પ્રકારની ડ્રગ્સને બજારમાં મૂકવામાં આવે ત્યારે તેના માત્ર લાભ જોવામાં આવતા નથી, તેની મર્યાદા શું છે અને તેનાથી શરીરને શું નુકસાન થાય છે તેનું પણ એક આકલન થાય છે. આ પ્રક્રિયા સતત થતી રહે છે. એ રીતે જોઈએ તો આ દવાની પણ આડઅસરની વિગતો લાંબીલચક છે. પણ એક હદ સુધી અમુક ડોઝમાં દવા લેવાથી કોઈ મોટી આડઅસર થતી નથી, તેમ આ દવા છેલ્લા ચાર દાયકાથી લેવાતી રહી, છેક હવે તેની કેન્સર જેવી વિપરિત અસર જોવા મળી!!

આ રીતે દરેક દવાઓનું મૂલ્યાંકન તેના આરંભના સ્ટેજમાં અને સમયાંતરે થતું રહે છે. ગત્ વર્ષે જુલાઈમાં વલ્સાર્ટન નામની દવાને આ જ રીતે વિદાય મળી હતી. સામાન્ય રીતે બ્લડ પ્રેશર અને હૃદયની બીમારીમાં ઉપયોગમાં લેવાતી વલ્સાર્ટનને ‘યુરોપિયન મેડિસિન્સ એજન્સી’એ પાછી ખેંચી લેવા અંગે હૂકમ કર્યો હતો. આ દવા પણ અમેરિકામાં ખૂબ વેચાણમાં રહેતી દવાઓમાંની એક છે. રોઇટર સમાચાર સંસ્થાએ આ દવા અંગે તૈયાર કરાયેલા અહેવાલ મુજબ અંદાજે પચાસ કંપનીઓએ વલ્સાર્ટનની દવાઓ પાછી લીધી હતી અને તેમ થવા પાછળનું મુખ્ય કારણ 2012માં તેની મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયા બદલવાની હતી, જેને યુરોપિયન મેડિસિન્સ એજન્સી અને અમેરિકામાં મંજૂરી મળી હતી. પરંતુ 2018માં જ્યારે તેની તપાસ થઈ ત્યારે આ દવાની પ્રક્રિયામાં ઘાલમેલ કરવાનું કાર્ય ચીન અને ભારતની કેટલીક દવા કંપનીઓએ કર્યું હતું, જે કારણે આ દવાને અમેરિકા અને યુરોપમાં અટકાવી દેવામાં આવી.

સ્વાસ્થ્ય મામલે લોલમલોલ ચાલે છે તે કંઈ આશ્ચર્યની વાત નથી. સર્જરી ખોટી રીતે થાય, દવા ભળતી-સળતી અપાય, જેની જરૂર નથી તેવી દવા અપાય… મેડિકલ ક્ષેત્રમાં આવાં ગણ્યા ગણાય નહીં એટલા બનાવ રોજબરોજના ન્યૂઝમાં આપણે વાંચીએ છીએ. પણ જ્યારે આવું કંઈ બને અને લોકોની જાન જોખમમાં મૂકાયાના દાખલા હોય, તેમ છતાં એક્શન લેવાની વાત આવે ત્યારેય કશું થતું નથી. સ્વાસ્થ્ય ક્ષેત્રમાં દાખલાઓની ખોટ નથી.

ભારતમાં જનરિક દવાઓના વેચાણને પ્રોત્સાહન સરકારે ખૂબ આપ્યું, પણ આને લઈને રેનેબેક્સી ફાર્મા કંપનીના પૂર્વ કર્મચારી દિનેશ ઠાકુરનાં નિવેદનો ધ્યાનમાં લેવા જેવા છે. દિનેશ ઠાકુરે મેડિકલ અને ફાર્મા જગતમાં થતી અનેક ગેરકાયદેસર પ્રેક્ટિસને લોકો સમક્ષ લાવી. તેઓને આ ક્ષેત્રના વ્હિસલ બ્લોઅર તરીકે પણ ઓળખાય છે. દિનેશ ઠાકુર રેનબેક્સી કંપનીના પ્રોજેક્ટ અને ઇન્ફોર્મેશન મેનેજમેન્ટના ડિરેક્ટર હતા. તેમના કાર્યકાળ દરમિયાન ભારતના બે પ્લાન્ટમાં રેનબેક્સી દ્વારા કેટલીક દવાઓ બનાવવામાં ઘાલમેલ કરવામાં આવી. આ વાત દિનેશ ઠાકુરના ધ્યાનમાં આવી અને તેમણે આ વાત 'યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન’ના સામે લઈ આવ્યા, તે પણ પુરાવા સાથે. આ કિસ્સામાં કંપની ફસાઈ અને કંપનીને પાંચસો મિલિયન ડોલરની ચૂકવણી કરવી પડી. આ રકમનો એક હિસ્સો દિનેશ ઠાકુરને પણ મળ્યો જેની કિંમત અંદાજે 244 કરોડ થાય છે. દિનેશ ઠાકુરે જે કર્યું તેમાં પડકાર હતો અને જોખમ પણ હતું. આંતરરાષ્ટ્રિય સ્તરે જે નેટવર્ક ચાલતું હોય તેમાં બધાને હિસ્સો મળતો હોય અને બધા જ તેમાં ઓછેવત્તે અંશે સામેલ હોય. આ બધામાંથી પુરાવા લઈને તેની ફરિયાદ કરવી તે જોખમભર્યું છે, જે જોખમ દિનેશ ઠાકુરે લીધું. જોકે દિનેશ ઠાકુરના આ ઉમદા ઉદ્દેશ્ય પર કેટલાંક લોકો શંકા પણ કરે છે. તેમાં સૌથી અગત્યની બાબત એ છે કે તે બહાને કંપની કેવી રીતે દર્દીઓને 'ગોળીઓ પીવડાવે છે' તે બહાર આવ્યું.

હવે જનરિક દવાની વાત લઈએ જેને અંગે દિનેશ ઠાકુર કહે છે કે, ભારતમાં શ્રેષ્ઠ ગુણવત્તાની જનરિક દવાઓ બનતી નથી. આવું કેમ થાય છે તે અંગે દિનેશ ખોંખારીને કહે છે કે ભારતમાં ફાર્માસ્યૂટિકલ કંપનીઓ ડેટામાં ખૂબ ઘાલમેલ કરે છે. તદ્ઉપરાંત જે કાયદાઓ છે તેની કોઈ જ પરવા ફાર્મા કંપની કરતી નથી. ભારતમાં મેન્યુફેક્ચરિંગ યુનિટમાં જે પ્રકારે સ્વચ્છતાનો અભાવ હોય છે, બ્રાન્ડ કંપનીઓની જેમ જનરીક દવાઓ નિર્માણ કરવામાં પરવા કરવામાં નથી આવતી, તેની પણ ચિંતા દિનેશ વ્યક્ત કરે છે.

મતલબ કે આ પૂરા ક્ષેત્રમાં ઘોર અંધકાર છે અને જો તમને કોઈ બીમારી લાગુ પડે તો તમારે ઠીક થવા માટે આ અંધકારમાંથી જ પસાર થવાનું છે, જેમાં ફેરતપાસની કોઈ વ્યવસ્થા નથી. આ પૂરા પ્રકરણમાં દોષીમાં સત્તાધીશો જ આવે છે, જેઓ માર્ગ અકસ્માતના ડેટા લોકો સમક્ષ મૂકીને હજારો રૂપિયા ઉઘરાવવાના દંડનો કાયદો લાવી શકે, પણ જ્યાં છૂપા બારણે લોકો મોત તરફ ધકેલાતાં હોય ત્યાં કંપનીઓ અને તેમાં જોડાયેલાં બધા જ પોતાનો હિસ્સો આપી-લઈને આ તમાશો જોયે રાખે છે.