કિરણ કાપુરે.મેરાન્યૂઝ (ઇનસાઇડ આઉટસાઇડ): દેશમાં સર્વવ્યાપી ચિત્ર માટે જે કંઈ નિયમિત પ્રક્રિયા થાય છે તેમાંની એક ‘લાઈવસ્ટોક સેન્સેક્સ’ છે, જેને ‘પશુધન ગણના’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ વસતી ગણતરીમાં દેશના દરેક નાગરીકની માહિતી એકઠી કરવામાં આવે છે, તે જ પ્રમાણે પશુધન ગણનામાં વિવિધ પ્રાણીઓનો સમાવેશ થાય છે;જેમાં ગાય-બળદ, ભેંસ, યાક, ઘેંટા, બકરી, ડુક્કર, ઘોડા, ઘચ્ચર, ગદર્ભ, ઉંટ, કૂતરા, સસલા અને હાથીનો સમાવેશ થાય છે. આ પશુધનમાં કેટલાંક પક્ષીઓની ગણના પણ થાય છે. પક્ષીઓમાં મરઘા, બતક, ઇમુ, ટર્કી, તીતર અને અન્ય પોલ્ટ્રી પક્ષીઓનો સમાવેશ થાય છે. આપણા દેશમાં દર પાંચ વર્ષે આ પ્રમાણે પશુધન ગણના થાય છે, જેથી દેશના પશુધનનો અંદાજ તો આવે જ, પણ સાથે તેનાથી થતું ઉત્પાદન અને બિઝનેસનો અંદાજ કાઢી શકાય. હાલમાં થઈ રહેલી આ ગણના આ પ્રકારની વીસમી ગણના છે, જેની શરૂઆત ગત્ ઓક્ટોબર માસમાં થઈ હતી અને તેનું કાર્ય માર્ચ સુધીમાં પૂરું થવાનો અંદાજ રાખવામાં આવ્યો હતો, પણ હજુ તેનું કાર્ય ચાલી રહ્યું છે. એ તો કહેવાની જરૂર નથી કે ભારત જેવાં ખેતીપ્રધાન દેશમાં પશુધન શું મહત્ત્વ રાખે છે. આજેય આપણાં દેશમાં પશુધન સાથે મનુષ્યનો અનુબંધ જોડાયેલો છે અને ગામક્ષેત્રમાં તો તેમની હાજરી અનિવાર્ય ગણાય છે. અર્થકારણની રીતે પણ પશુધનનો હિસ્સો મસમોટો છે. આમ, તમામ રીતે પશુધન એક સરેરાશ ભારતીયના જીવનમાં અમૂલ્ય હિસ્સો ધરાવે છે, અને જ્યારે તેમની ગણના થતી હોય તો તે વિશેની માહિતી જાણવી રસપ્રદ બની રહે એમ છે.

અગત્યની માહિતી જાણવા-જણાવામાં કેવી રીતે બે ધ્રુવબિંદુ પર કામ થઈ રહ્યું છે, તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પશુધન ગણના છે. પશુધનની ઉપયોગિતાનો આપણા રોજબરોજના જીવનમાં મસમોટો ફાળો હોવા છતાં તેના વિશે ચાલી રહેલાં જંગી કાર્યનું માફકસરનું પણ કવરેજ થયું નથી, જ્યારે નકામી વાતોનો રજનો ગજ કરીને તેનું કવરેજ થાય છે. પશુધનની ગણના ભારત સરકારના ‘એનિમલ હસબન્ડરી સ્ટેટસટિક ડિવિઝન’ દ્વારા થઈ રહી છે અને પ્રથમ વખત આ ગણતરી ડિજિટલ રીતે થઈ રહી છે. પૂરા દેશમાંથી આ  માહિતી એકઠી કરવી તે નાની સૂની વાત નથી. સરકારના સંબંધિત વિભાગોએ તે માટે વ્યાપક નેટવર્ક બનાવ્યું છે અને તેની વ્યવસ્થા ગોઠવી છે. જેમ કે તે માટે અંદાજે 55,000 ગણના કરનારા સભ્યોને નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉપરાંત, આ પૂરી કામગીરી યોગ્ય રીતે થાય છે કે કેમ તે અર્થે 10,000 સુપરવાઈઝર્સ પણ ખડે પગે રહે છે. આ પૂરી એક્સસાઈઝ માટે નિયુક્ત સભ્યો દેશના અંદાજિત 28 કરોડ ઘરોની મુલાકાત લેશે. આમ તો પાંચ વર્ષે થતી આ ગણનાનો સમય 2017માં જ પૂરો થઈ ચૂક્યો હતો. પરંતુ આ કામ કોઈને કોઈ કારણસર પાછળ ઠેલાતું ગયું, અને હવે તે ધીમી ગતિએ પણ આગળ વધી રહ્યું છે.

આ કાર્ય કેવી રીતે થઈ રહ્યું છે, તેની માહિતી જાણીએ ત્યારે ખ્યાલ આવે કે આ વખતની પશુધન ગણનામાં સરકાર અત્યાધુનિક ઢબે કાર્ય કરી રહી છે. જેમ કે પ્રથમ વખત ગણનામાં ટેબલેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટેબલેટ પર કેવી રીતે માહિતી નોંધવી અને મેળવવી તે માટે ગણતરી કરનારા કર્મચારીઓને ટ્રેઈન્ડ કરવામાં આવ્યા છે. ટેબલેટમાં ગણના કરનાર સભ્ય જે-તે પશુધનનાં વય-જૂથ, પ્રજાતિની ઇન્ફોર્મેશન નોંધે જ છે. તે સિવાય ઇંડા સેવવાના સાધન, મિલ્કિંગ મશીન, ઘાસના કટરની માહિતી પણ નોંધવામાં આવે છે. આ ગણનામાં માછીમારીની વિગત પણ સમાવવામાં આવી છે. ઘરદીઠ પાયાની આર્થિક પરિપ્રેક્ષ્યીય માહિતી, ખેતીલાયક જમીન, વાર્ષિક આવક અને પરિવારનાં સભ્યો દ્વારા લેવાયેલું ઉચ્ચત્તમ શિક્ષણની વિગત પણ આમાં સમાવિષ્ટ છે. મૂળે તો જે ઘરમાં પશુધન છે, ત્યાંની મહદંશ માહિતી કલેક્ટ કરવાનો આ ગણનાનો ઉપક્રમ છે. સૌથી અગત્યની વાત એ છે કે આ આંકડાથી દેશમાં ભારતમાં દૂધ, ઇંડા, માંસ અને ઊનનું ઉત્પાદનને અંદાજવામાં આવે છે. હાલમાં થઈ રહેલી ગણનાની માહિતી આવશે પછી જ તેનાં નવાં ઉત્પાદનના આંકડા અપટેડ થશે. આ વખતે ગણનામાં પ્રથમવાર પશુઓના ડોક્ટરોને સાંકળવામાં આવ્યા છે, અને રાજ્યના એનિમલ હસબન્ડરી ડિપાર્ટમેન્ટ સ્થાનિક ડોક્ટર દીઢ 8-10 ગામ કે વોર્ડની કાર્યની સોંપણી કરવામાં આવી છે.

પશુધન ગણનાનો આરંભ બ્રિટીશ શાસન દરમિયાન થયો હતો. 1919માં પ્રથમવાર આ પ્રકારની ગણના કરવામાં આવી હતી. સમયાંતરે તેમાં વિવિધ પ્રાણી-વિષય ઉમેરાતાં ગયાં;જેમ કે ગલીમાં રખડતાં ગાય-બળદ અને કૂતરાને 2012થી જ આમાં સામેલ કરવામાં આવ્યા છે!આ ઉપરાંત, આ વખતે દરેક પશુની કેટેગરીમાં પ્રજાતિનો પણ ઉલ્લેખ કરવાનું અનિવાર્ય રાખવામાં આવ્યું છે. જેનાથી આપણું પશુધન કેટલું વિવિધતા ધરાવે છે તેની માહિતી તો મળે જ, પણ તેમને સુરક્ષિત રાખવાના અને નિતી ઘડવામાં પણ તે ડેટા ઉપયોગી થાય. 2007માં આ પ્રજાતિની નોંધણી પ્રથમવાર કરવામાં આવી હતી, પરંતુ 2012માં પ્રજાતિને લગતી માહિતી સમાવવામાં આવી નહોતી.

પશુધન ગણના આપણી સમક્ષ જાતભાતની માહિતી લાવી મૂકે છે. જેમ કે સૌથી પાયાનો પ્રશ્નનો જવાબ પણ પશુધન ગણનાથી જ મળે છે કે, શું ભારતમાં પશુધનની સંખ્યા ઘટી રહી છે?આ સવાલનો જવાબ 2012ના ગણનામાં મળ્યો હતો, જે મુજબ ભારતમાં અગાઉની એટલે કે 2007માં થયેલી પશુધન ગણના પ્રમાણે 2012નો આંકડો 3.3 ટકા ઓછો આવ્યો હતો!! 2012માં ગાય-બળદ, ભેંસ, યાક, ઘેંટા, બકરી, ડુક્કર, ઘોડા, ઘચ્ચર, ગદર્ભ, ઉંટ, કૂતરા, સસલા અને હાથીની કુલ સંખ્યા 51.2 કરોડ આવી હતી. 2007ના પ્રમાણમાં 2012માં ગાય-બળદની સંખ્યામાં પચાસ લાખની કમી આવી હતી! આવા તો અનેક ફેક્ટ સેન્સેક્સમાં બહાર આવે છે. જેમ કે ભેંસની સંખ્યામાં વિશેષ રીતે વધારો જોવા મળ્યો હતો, જે મિલ્ક પ્રોડક્શન માટે સારા સમાચાર છે.

એ જ પ્રમાણે ઊનના ઉત્પાદનને લગતાં પણ આંકડા ‘લાઈવસ્ટોક સેન્સેક્સ’થી જ અંદાજવામાં આવે છે. 2012માં ઘેટાંની વસતીના જે આંકડા આવ્યા હતા તે શોકિંગ હતા, જેમાં ઘેટાંની સંખ્યા નવ ટકા ઘટી ગઈ હતી! 2013-14થી ઊનના ઉત્પાદનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજસ્થાન પૂરા દેશમાં ત્રીજા ભાગનું ઊનનું ઉત્પાદન કરે છે. બીજા ક્રમે જમ્મુ-કાશ્મીર છે, જ્યાં ઊનનું ઉત્પાદન 18 ટકાની આસપાસ છે. ઊનના પ્રોડક્શનમાં સૌથી ખરાબ વર્ષ 2015-16નું રહ્યું હતું, જ્યારે પ્રોડક્શનમાં 10 ટકા સુધીની ગિરાવટ આવી હતી.

ઉપર દર્શાવેલી માહિતી પરથી અને આપણી આસપાસના વાતાવરણ પરથી એટલું તો કહી શકાય કે આ પશુધનનું અને માનવીનું સહજીવન હજારો વર્ષથી ચાલતું આવ્યું છે. એક ઠેકાણે તો અલગ-અલગ પ્રાણીઓનું માનવી સાથે થયેલાં સહજીવનનો સમય પણ અંદાજવામાં આવ્યો છે, જેમાં પશુધનમાં માનવી સાથેનો સૌથી પુરાનો નાતો કુતરાનો કહેવાય છે, જેની માનવી સાથેની દોસ્તીને પંદર હજાર વર્ષથી પણ વધુ સમય વીત્યો છે. તે પછી ક્રમ ગાય-બળદ-ભેંસ અને ડુક્કરનો આવે છે. જ્યારે ઘોડાઓનું માનવી સાથેનું સહજીવન છ હજાર વર્ષ પૂર્વે આરંભાયું. પશુધન આમ તો વિવિધ સંસ્કૃતિઓનો ભાગ બની ચૂક્યા છે. ભારતના જ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આ તમામ પ્રાણી-પક્ષી આપણી સંસ્કૃતિમાં વણાયેલાં દેખાશે.

પશુધન ગણનાનું કાર્ય છેલ્લા છ મહિનાથી જોરશોરથી ચાલી રહ્યું છે. દિલ્હી, આસામ અને ત્રિપુરા જેવા રાજ્યોમાં તે કાર્ય ફાસ્ટ-ટ્રેક પર છે, જ્યારે ગુજરાત અને હરિયાણા જેવાં રાજ્યોમાં ગણનાની મોડી શરૂઆત થઈ હતી. જોકે ગણના માર્ચ, 2019 સુધી પૂરી થવાનો અંદાજ હતો, પણ તેમ ન થયું.

પશુધન ગણનાનું કાર્ય સરકાર પણ કેમ આટલું રસ લઈને કરે છે, તેનું મહત્ત્વનું કારણ તેનો જીડીપીમાં હિસ્સો છે. કુલ જીડીપીમાં પશુધનનો હિસ્સો પાંચ ટકા જેટલો છે, જ્યારે ખેતીના જીડીપીમાં ત્રીજા ભાગનું ઉત્પાદન પશુધન દ્વારા થાય છે. ભારતમાં પશુધનની અર્થકારણમાં હિસ્સેદારી વધી છે, તેનો સુવર્ણકાળ 1951થી શરૂ થઈ ચૂક્યો હતો, જે 2007 સુધી ચાલ્યો, જ્યારે તેમાં 81 ટકા જેટલી વૃદ્ધી થઈ!! ગાય-બળદની સંખ્યા આ દરમિયાન 28 ટકા વધી, ભેંસની સંખ્યાની વૃદ્ધી તો 143 ટકા સુધી પહોંચી. બકરીની સંખ્યા તો બે ગણી થઈ. તેની સામે ઊંટ, ઘોડા અને ગદર્ભની સંખ્યામાં ઘટાડો જ થતો ગયો છે. અહીં એવું જોઈ શકાય કે જે પ્રાણીઓ આહાર આપે છે, તેઓની સંખ્યામાં વૃદ્ધી થઈ અને જેમનું કાર્ય મજૂરીનું છે, તેમની સંખ્યા ઘટી છે.

પશુધન ગણનામાં આવી તો અનેક રસપ્રદ વિગત છે, જે આપણા જીવન સાથે અભિન્ન રીતે જોડાયેલી છે, અસર કરનારી છે.