કિરણ કાપુરે.મેરાન્યૂઝ (ઇનસાઇડ આઉટસાઇડ): વીજળી ઉદ્દેશ્ય આમ તો પ્રકાશ પાથરવાનો છે. પણ ભારતના બે અર્થશાસ્ત્રીઓએ વીજળીથી એક નવું જ તારણ શોધી કાઢ્યું છે, જેના આધારે તેમણે ભારતમાં પ્રવર્તતી અસમાનતાનો અભ્યાસ કર્યો છે! વીજળીના પ્રકાશથી આ રીતે આર્થિક અસમાનતા માપવાનું કામ ભારતમાં આ સ્કેલ પર પ્રથમવાર થયું છે. અગાઉ વીજળીની ઉપલબ્ધતા અને લોકોની સ્થિતિને લઈને અભ્યાસ થયાં છે, પણ તેમાં આર્થિક અસમાનતાનું સામાન્ય લોકો જોઈ શકે તેવું ચિત્ર કંઈ સ્પષ્ટ થતું નહોતું. પરંતુ આ વખતે અર્થશાસ્ત્રી પ્રવિણ ચક્રવર્તી અને વિવેક દહેજિયાએ સેટેલાઈટની તસવીર દ્વારા આ કામ બખૂબી કરી બતાવ્યું છે. એ વાત સાચી છે કે સેટેલાઈટ થકી દેખાતો આપણો દેશ બે દાયકાના પહેલાના મુકાબલે હવે વધુ ચમકતો થયો છે; પણ હજુય દેશના ખૂબ મોટા વિસ્તારમાં અંધારપટ છવાયેલો છે! આ વાસ્તવિકતા સેટેલાઈટથી સ્પષ્ટ દેખાય છે. અર્થશાસ્ત્રી પ્રવિણ ચક્રવર્તી અને વિવેક દહેજિયાએ કરેલાં આ અભ્યાસમાં ચોક્સાઈ લાવવા માટે દેશના 640 જિલ્લામાંથી 387 જિલ્લાઓનો અભ્યાસમાં આવરી લીધા છે. આ જિલ્લાઓ 12 રાજ્યોમાંથી પસંદ કરવામાં આવ્યા છે, જેમાં ભારતની અંદાજે 85 ટકા વસ્તી વસે છે. જ્યારે જીડીપીમાં આ વસતીનું હિસ્સો 80 ટકાની આસપાસ રહે છે! મતલબ કે ભારતના ખૂબ મોટા વર્ગને આ અર્થશાસ્ત્રીઓએ આવરી લીધો છે. આ અભ્યાસ સાથે જોડાયેલી આર્થિક અસમાનતા અને વીજળીની ઉપલ્ધતા અંગે દેશની સ્થિતિ શું છે, તે અંગે થોડી વાત.

આ પ્રકારના આંખ ઉઘાડનારાં અહેવાલ આવે ત્યારે આપણને વાસ્તવિકતા સમજાય છે કે, વિકાસના કેટલાં ખોટા ખ્યાલથી આપણે હરખાઈએ છીએ! આ અભ્યાસમાં એવું સ્પષ્ટ થાય છે કે આર્થિક અમસાનતા કેટલી વેગથી વધી રહી છે. 2016ના એક અહેવાલ મુજબ ભારત વિશ્વનો સૌથી બીજો આર્થિક અસમાનતા ધરાવનારો દેશ છે! જ્યાં એક ટકા લોકો કુલ સંપત્તિના 60 ટકા હિસ્સો ધરાવે છે. અને તેનાથી આગળ ટકાવારી જોઈએ તો દસ ટકા ભારતીયો 80 ટકા કુલ સંપત્તિનો હિસ્સો ધરાવે છે. મતલબ કે છેલ્લા બે દાયકાથી કહેવાઈ રહેલી વાત ફરી કહેવી પડશે કે, ભારતમાં ગરીબ વધારે ગરીબ થઈ રહ્યો છે અને અમીર વધારે અમીર. આર્થિક અસમાનતાની આ વાત અનેક વાર કહેવાઈ ચૂકી છે, પરંતુ દર વખતે સત્તાધારી પક્ષ પરિસ્થિતિ સુધરે તેવી વાત રજૂ કરે છે. આ વર્ષના એપ્રિલ મહિનામાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કંઈ આ પ્રકારે ટ્વિટ કરી હતી : “આજનો દિવસ ભારતની વિકાસની સફર માટે ઐતિહાસિક ગણાશે. અમે અમારો કરેલો વાયદો પૂરો કર્યો છે અને કરોડો ભારતીયોના જીવનને અમે બદલ્યું છે. હું ખુશ છું કારણ કે હવે દેશનું દરેક ગામ વીજળી ધરાવે છે.”  વડાપ્રધાનની ટ્વિટમાં જે દાવો કરવામાં આવ્યો હતો, તેની વાસ્તવિકતા તપાસીએ તો તેમાં દેશના અનેક ગામો આજે પણ વીજળી વિનાના દેખાશે. ઉત્તર પ્રદેશ, ઝારખંડ, આસામ, ઓરિસ્સા અને બિહાર જેવાં રાજ્યોનો તો ખૂબ મોટો ભાગ વીજળી વિનાનો છે. આ વાસ્તવિકતા સેટેલાઈટ વધુ ઠોસ રીતે પુરવાર થાય છે.

સામાન્ય રીતે કયા દેશનો કયો વિસ્તાર વધુ પ્રવૃત્ત છે અને ત્યાં શું થઈ રહ્યું છે તેનો હિસાબ ઓન ફિલ્ડથી લગાવવો મુશ્કેલ છે. ભારત જેવાં દેશમાં જ્યાં ભૌગોલિક-સામાજિક વિવિધતા ખૂબ હોય ત્યાં તો આ પ્રકારનો એરિઅલ વ્યૂથી મળતો અભ્યાસ ખૂબ મદદરૂપ થઈ પડે. એટલે જ વીજળી દ્વારા તેનો એક અંદાજો મેળવવામાં આવ્યો છે. આ અભ્યાસમાં તેમને અલગ -અલગ રાજ્યો વચ્ચે જ વીજળીની ભિન્નતા દેખાઈ નથી, બલ્કે એક જ રાજ્યમાં પણ એક વિસ્તાર ખૂબ જ ઝઘમઘાટભર્યો હોય અને બીજા વિસ્તારમાં અંધારપટ હોય તેવું પણ માલૂમ થયું છે! આ તો એરિઅલ વ્યૂથી લેવાયેલા તસવીરથી થયેલું અર્થઘટન છે, પણ ખરેખર આપણે જ્યારે એક શહેરમાંથી બહારી નીકળીને નાના ટાઉન કે કોઈ ગામમાં જઈએ છીએ ત્યારે એ અનુભૂતિ આપણને થાય છે કે, શહેરની ચમકદમક શહેરની બહાર જતાં જ કેવી અદૃશ્ય થઈ જાય છે!

ભારતના અર્થશાસ્ત્રીઓએ જેમ ભારતને કેન્દ્રમાં રાખીને આ અભ્યાસ કર્યો છે, એવો જ અભ્યાસ થોડા વખત અગાઉ વર્લ્ડ બેન્કના અર્થશાસ્ત્રીઓએ કર્યો હતો. વર્લ્ડ બેન્કના સાઉથ એશિયા ક્ષેત્રના ચીફ ઇકોનોમિસ્ટ ડો. માર્ટીન રામા જ્યારે અમદાવાદ ખાતે ‘ઇન્ડિયન ઇન્સ્ટિસ્ટુય ઓફ મેનેજમેન્ટ’માં આવ્યા હતા, ત્યારે પણ તેમણે આ વિશે વાત કરી હતી. તેમણે વીજળીના આધારે થયેલાં આર્થિક અસમાનતા વિશે કહ્યું હતું કે, “સેટેલાઈટનું રાતનું પિક્ચર આર્થિક અસમાનતાનો તો માપદંડ બને જ છે, સાથે સાથે અન્ય કેટલાંક રસપ્રદ તથ્યો પણ આપણી સામે મૂકે છે. જેમ કે સેટેલાઈટની રાતની પિક્ચરથી એટલું સ્પષ્ટ થયું હતું કે રાજસ્થાન અને ગુજરાત દેશમાં આર્થિક રીતે સારી સ્થિતિમાં દર્શાતા હતા, જ્યારે પૂર્વીય રાજ્યો ઓરિસ્સા અને પ. બંગાળ વીજળીની ઉપયોગિતા જ તેમની સ્થિતિ ન્યૂયનત્તમ આવકમાં ખપતી હતી.

ડો. માર્ટીન રામાએ આ અભ્યાસની મર્યાદા પણ જણાવી હતી. ડો. રામા મુજબ જ્યારે વાતાવરણની પેટર્ન બદલાય ત્યારે વીજળીની ઉપયોગિતાની સ્પષ્ટતા ઘટે છે અને તેના કારણે અભ્યાસના તારણો પણ નિશ્ચિત આવતા નથી. આ સિવાય વીજળીના અભ્યાસને અસર કરનારું મહત્ત્વનું પરિબળ ચંદ્ર પણ છે, જેનો પ્રકાશ દિવસે દિવસે બદલાતો હોય છે. અન્ય વાતાવરણના ડિસ્ટર્બન્સ પણ એ જ રીતે આ અભ્યાસની મર્યાદા બને છે. જોકે, હવે અમેરિકા જેવાં દેશ પાસે સેટેલાઈટની તસવીર માટે અત્યાધુનિક સેન્સર આવી ચૂક્યા છે, જેમાં ઝીણામાં ઝીણી વિગત પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. હજુ પણ તેના આ પ્રકારની તસવીર વધુ સ્પષ્ટ થાય તે માટે કામ થઈ રહ્યું છે. આ સિવાય પણ રાતનું ચિત્ર કેવી રીતે શહેરો વિસ્તરી રહ્યાં છે, કેવી રીતે વિકસી રહ્યા છે, તે દર્શાવે છે. ‘યેલ યુનિવર્સિટી’માં ભારતેન્દ્રુ પાંડે તો આ વિષયમાં ખૂબ ગહન અભ્યાસ કરી રહ્યાં છે. ભારતેન્દ્રુના કહેવા મુજબ, પૃથ્વી પરના રાતનું ચિત્ર અંદાજે 800 કિલોમીટરથી ઝડપાય છે. હવે જે સેટેલાઈટના પિક્ચરની ટેકનોલોજી આવશે તો તેનાથી માનવ વસતીની પ્રવૃત્તિ અને તેના અન્ય પાસાં વિશે જે રીતે ઠોસ તારણ પર પહોંચી શકાશે. આ સિવાય ખૂબ સરળતાથી વ્યાપક પ્રવૃત્તિનો શક્ય નથી.

પૂરા વિશ્વના સંદર્ભે વીજળીની ઉપલબ્ધતા જોઈએ તો તેમાં જણાઈ આવશે કે યુરોપ અને અમેરિકા સૌથી પ્રકાશિત ક્ષેત્રો છે. અરબના કેટલાંક દેશો, ચીન, રશિયાનો પૂર્વીય ભાગ અને ભારતના પણ શહેરી વિસ્તાર આ નકશામાં ઝગારાં મારી રહ્યાં છે. આ બધા જ દેશમાંથી લાઈટ અંગેના અભ્યાસથી જે ડેટા મળવો જોઈએ તે મળે છે. પણ આફ્રિકા જેવાં ખંડમાં આ અભ્યાસ જરા સરખો પણ ઉપયોગી બનતો નથી, કારણ કે તે ખંડ મહદંશ અંધકારભર્યો લાગે છે. આ અભ્યાસ માટે પણ પાંચ ગ્રેડ નિર્દેશિત કરવામાં આવ્યા છે. જેનો ડેટા ખૂબ જ સારો મળે છે, તે દેશોને ‘એ’માં મૂકવામાં આવ્યાં છે, જેમાં અમેરિકા સહિત મોટા ભાગના યુરોપના દેશો છે. જ્યારે સુદાન અને અફઘાનિસ્તાન જેવાં દેશોને ‘ઇ’ ગ્રેડમાં મૂક્યા છે.

થોડા વખત અગાઉ ભારતમાં અર્થશાસ્ત્રી પ્રવીણ ચક્રવર્તી અને વિવેક દહેજિયાએ જે અભ્યાસ કર્યો છે, તેમાં ભારતના મોટા ભાગનો વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે, અને તેનાથી ઠોસ પુરાવા પણ સામે આવ્યા છે. ભારતની આર્થિક અસમાનતાને હવે સીધા એક તસવીરમાં જ જોઈ શકાય છે. પુરા ભારતની રાતની સેટેલાઈટ તસવીર જાણે આપણાં કોઈ પણ શહેરની સ્થિતિ છે, તેવી જ બયાન કરે છે. જોકે આમાં શહેરો કરતાં વધુ મહત્ત્વ આંતરિયાળ વિસ્તારોને આપવાનું છે, જ્યાંની નોંધ અભ્યાસમાં પણ ‘અંધકાર’ તરીકે જ લેવાઈ છે!