કિરણ કાપુરે.મેરાન્યૂઝ (ઇનસાઇડ આઉટસાઇડ): 'ઇકો ઈન્ડિયા' નામની ત્રીજી સિરીઝ લોન્ચ થવા જઈ રહી છે. નામથી કલ્પી શકાય કે તેમાં પર્યાવરણની નિસબતના મુદ્દા છે, પણ સિરીઝનો કેન્દ્રબિંદુ પર્યાવરણ હોવા છતાં તેમાં એક નવું ભારત પણ દેખા દે છે. આ રીતે ભારતીય ગામડાંનું ફિલ્માંકન જવલ્લે જ જોવા મળતી ઘટના છે, જે 'ઇકો ઈન્ડિયા'માં બખૂબી થયું છે. 'ઇકો ઈન્ડિયા'ના આરંભ કરવાનો ઉપક્રમ ભારતની જાણીતાં અંગ્રેજી ન્યૂઝ પોર્ટલ 'સ્ક્રોલ' અને જર્મન ઇન્ટરનેશનલ બ્રોડકાસ્ટર 'ડિડબલ્યૂ'નો છે. આ બંનેના સહયોગથી 'ઇકો ઈન્ડિયા'માં જે કામ જોવા મળી રહ્યું છે, તેનો જોટો જડે એવો નથી. ભારતના ગામડાંઓ ખૂંદીને અહીં અદભૂત કહી શકાય તેવી સ્ટોરીઝ મૂકવામાં આવી છે. તેની ખરી અનુભૂતિ તેના વિડિયો જોયા પછી જ થાય, પણ કેટલાંક દાખલાઓ સાથે આ સિરીઝની પાયાની થોડી વાત કરીએ.

પર્યાવરણ અને કૃષિની વાત આવે ત્યારે લખાણમાં કે વિડિયોમાં મહદંશે જનરેટ થતું તેનું કન્ટેન્ટ શુષ્ક પ્રકારનું હોય છે. પર્યાવરણના મુદ્દાને રસપ્રદ રીતે દાખવવાનું ભાગ્યે જ બને છે. 'ડાઉન ટુ અર્થ’, 'યુનાઇટેડ નેશન્સ એન્વાયર્મેન્ટ પ્રોગ્રામ - ઈન્ડિયા’, 'ઇન્ડિયન વોટર પોર્ટલ' અને 'દિલ્હી ગ્રીન્સ' જેવાં કેટલાંક પ્લેટફોર્મ છે, જ્યાં પર્યાવરણના મુદ્દા સરસ રીતે મૂકાય છે; પણ 'ઇકો ઈન્ડિયા'એ આ પૂરા કાર્યક્રમને થોડું હટકે સ્વરૂપ આપ્યું છે. આ સિરીઝનો કોઈ પણ હિસ્સો જોઈને તે સમજાય એવું છે. 'ઇકો ઈન્ડિયા'માં સૌથી અદભૂત કામ કેમેરામેનનું ભાસે છે, જે રીતે તેણે સ્ટોરીની આસપાસની સૃષ્ટિને ઝીલી છે, તેમાં સ્ટોરી સાથે સૃષ્ટિને માણવાનું પ્રયોજન સામેલ થઈ જાય છે. જેમ કે આ સિરીઝમાં એક હપ્તામાં તમિલનાડુના વેલ્લોર જિલ્લાના મહિલાઓની વાત છે, જ્યાં બહેનોએ એક આખી નદીને પુર્નજીવિત કરી છે. આશ્ચર્ય લાગે તેવું આ કાર્ય બહેનોનાં એક નાનકડાં ગ્રૂપે કર્યું છે. આ સ્ટોરીઝમાં ઓવરવ્યૂથી તે નદી બતાવવામાં આવી છે.આ જગ્યા એટલી સુંદર છે કે ત્યાં કરેલું બહેનોનું કામ શું હશે તે આ માત્ર વિડિયો જોવાથી કલ્પી શકાય.

હવે મૂળ સ્ટોરી પર આવીએ : વેલ્લોર જિલ્લામાં આવેલી નાગાનધી નદી પંદર વર્ષ સુધી મૃત:પાય હતી. નદી બિલકુલ સુકાઈ ગઈ તે અગાઉ અહીંના ખેડૂતો મહદંશે રોકડ પાક લેતા હતા, પણ નદી તરફની બેદરકરારી અને અપૂરતા વરસાદે અહીંયા એ સ્થિતિ લાવી દીધી કે આસપાસના છસ્સો જેટલાં કુવાઓમાં સિંચાઈ થાય તેટલું પણ પાણી બચ્યું નહીં. 2000ના વર્ષમાં તો નાગાનધીનું કોઈ અસ્તિત્વ ન રહ્યું! પણ પાંચ વર્ષ અગાઉ એક સામાજિક સંસ્થા(મહદંશે આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન)એસ્થાનિક બહેનો સાથે નદીને પુર્નઃજીવિત કરવાનું બીડું ઝડપ્યું અને તે માટે ગામેગામ બહેનોના મદદથી બ્લોક્સ બનાવ્યાં. આ બ્લોક્સ દ્વારા વરસાદી પાણીને જમીનમાં ઊતારવાનું હતું. આ બહેનોએ શું કામ કર્યું છે તે આ વિડિયોમાં સરસ રીતે જોવા મળે છે અને બેકગ્રાઉન્ડમાં પણ વોઇસ ઓવર કરનાર બોલે છે તેમ “આ પ્રક્રિયા ખૂબ સરળ હતી, પણ આ કામ ખૂબ જ મહેનત માંગી લે તેવું હતું.”સ્થાનિક બહેનોએ દિવસ-રાત જોયા વિના આ બ્લોક્સનું કામ કર્યું.જેઓ પ્રોજેક્ટને હેન્ડલ કરતાં હતાતેઓનું કહેવું છે કે, આ માટે બહેનોને ઝાઝી સમજાવી પણ નથી. બસ, એક વખત તેમને કહ્યું કે આ રીતે પાણી સંગ્રહ થાય તેવાં બ્લોક્સ નિર્માણ કરવાના છે, પછી તેઓ બ્લોક્સ તૈયાર થયાં પછી જ જંપ્યાં. આવું ગામેગામ થયું અને જ્યારે પૂરતો વરસાદ આવ્યો ત્યારે આ બ્લોક્સમાં પાણીનો સંગ્રહ થયો અને જે જગ્યા નદીની હતી તે પાણીથી ફરી નવપલ્લિત થઈ.

ચાર વર્ષમાં આ પ્રોજેક્ટથી નદી ફરી વહેતી થઈ સાથે-સાથે સ્થાનિક બહેનોને રોજગારી પણ મળી અને એક સહભાગિતાની ભાવના ગામોમાં જન્મી, જેના ફળ તો વર્ષો સુધી ગ્રામજનો લણશે. આમ પૂરું જીવન નંદનવન બને તેવાં આ પ્રકલ્પના વિડિયો કહાની માત્ર આઠ મિનિટમાં ખૂબ સરસ રીતે કહેવાઈ છે. સ્થાનિક અર્થતંત્ર અને રોજગારીને સાંકળનારો આ મજબૂત દાખલો ગામેગામ એપ્લાય કરવા જેવો છે, જેમાં અશક્ય લાગતા મહાકાય પ્રોજેક્ટ થઈ શકે અને તેનાથી સરસ પરિણામ પણ મળે.

વેલ્લોરની સ્ટોરી નીચેની લિંક પરથી જોવા મળશે.

આ તો થઈ દૂરસુદૂર ગ્રામ્ય વિસ્તારની વાત.પણ ‘ઇકો ઈન્ડિયા’નાં પ્લેટફોર્મ પર જ્યાં પણ પર્યાવરણનું સંતુલન સધાય તેવું કાર્ય થાય, તે બધાને આવરી લેવામાં આવે છે. આવી જ એક અન્ય સ્ટોરી દિલ્હીની છે. આ સ્ટોરીનો આરંભ જ થાય છે નવી દિલ્હીના કચરાના ડમ્પ સાઈટ પરથી. અહીં રહેતી ચોવીસ વર્ષની સલમાએ આ ડમ્પ સાઈટ પર જ પોતાનું અત્યાર સુધીનું જીવન વિતાવ્યું છે. એ કહે છે કે, “કભી બારીશ, કભી હવા, ધૂલમીટ્ટી, કૂત્તાં મરા હુઆ, જાનવર મરા હુઆ, ઇન્સાન મરા હુઆ આતા થા વહાં પે, બચ્ચેં મરે હુએ આતે થે, વહી હમ ખેલતેં થે" સલમાએ કહેલી આ સ્ટોરી સાથે વિડિયોમાં આ જગ્યાના દર્શન પણ થાય છે, જ્યાં ઠેરઠેર ગંદકી છે. બસ, અહીંયા રહેનાર માટે આ જ ડમ્પ સાઈટ પરથી રોજગારી જનરેટ થતી હતી, જ્યાંથી લોકો કશુંક કીમતી શોધી લાવે અને તેની કિંમત ઉપજાવે! સલમા પણ તેનો જ ભાગ હતી. આ રીતે દિવસ-રાત કામ ચાલે. કચરામાંથી મળતું મહદંશે પ્લાસ્ટિક કે કાચની બોટલ રહેતી, જેની કિંમત બજારમાં ઉપજે.
આ ડમ્પની બીજી બાજુ એક ફ્લાવર માર્કેટ પણ આવ્યું છે, જ્યાં રોજબરોજ ટનોમાં ફૂલો વેચાવાં ઠલવાય છે અને નહીં વેચાયેલાં-ખરાબ ફૂલો ડમ્પ સાઇટ પર જ નાંખી દેવાય છે. ફૂલો અને ડમ્પ સાઇટનો આ મેળાપનો કેવી રીતે ઉપયોગ કરવો તેનો સરસ મજાનો વિચાર ‘ગુલમહેર’ નામની સામાજિક સંસ્થા ચલાવનારાં સંચાલકોને આવ્યો, જેમણે આ ફૂલોના વેસ્ટેજમાંથી કાગળ બનાવવાની શરૂઆત કરી અને તેમાં આ વિસ્તારમાં જ રહેનારી સલમા જેવી બહેનોને જોડી, જેઓ કચરાના ડમ્પ પર કામ કરતી હતી! એક બાજુ બહેનોને ડમ્પ સાઇટ પર કામ કરવાથી મુક્તિ મળી;તો બીજી બાજુ ફૂલોનો ઉમદા કાર્યમાં ઉપયોગ શરૂ થયો. આજે સ્થાનિક બહેનો ‘ગુલમહેર’ના સહિયારા પ્રયાસથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું કાર્ય કરી રહી છે. ખૂબ નાની ટીમથી આ કાર્ય શરૂ થયું છે તેના આજે કોર્પોરેટ ક્લાયન્ટ્સ પણ છે અને તે કાર્ય એટલાં સ્કેલ પર ગયું છે કે ‘ઇકો ઈન્ડિયા’એ પણ તેની નોંધ લઈને સરસ મઝાની સ્ટોરી બનાવી છે.

દિલ્હીની આ સ્ટોરી નીચેની લિંક પરથી જોવા મળશે.

એવું નથી કે ઉપર દર્શાવેલી સ્ટોરી પહેલી વખત જ આવી છે અને ‘ઇકો ઈન્ડિયા’ દ્વારા જ તેનું કવરેજ થયું છે. સ્થાનિક અખબારો અને ન્યૂઝ ચેનલ્સ આ સ્ટોરીઝ અગાઉ પ્રકાશિત થઈ ચૂકી છે, પણ‘ઇકો ઈન્ડિયા’માં તેનું કવરેજ જે રીતે થાય છે, તેથી આ જ સ્ટોરીઝને જાણે નવું ક્લેવર મળે છે. આવો જ એક એપિસોડ પૂનામાં વસતાં બોટનીનાં નિવૃત્ત પ્રોફેસરનો છે, જેઓએ જીવન દરમિયાન ક્યારેય વીજળીનો ઉપયોગ કર્યો નથી! આ પ્રોફેસરનું નામ છે હેમા સાને, જે એપિસોડમાં તેમની સ્ટોરી ઓન-એર થઈ છે, તેમાં હેમા સાનેના આસપાસની દુનિયાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેઓ વીજળીનો ઉપયોગ નથી કરતાં તેનું મુખ્ય કારણ તેમનો કુદરત અને પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ છે. તેમનું માનવું છે કે, “એક વ્યક્તિની પાયાની જરૂરીયાત આહાર, વસ્ત્ર અને નિવાસ છે. એક સમય હતો જ્યારે વીજળી ઉપલબ્ધ નહોતી અને આવી તો પણ મોડેથી જ્યારે હું વીજળી વિના ચલાવી લેવા લાગી.” તેઓ આજે પણ એક ઝુંપડી જેવાં ઘરમાં રહે છે અને તેની આસપાસ વૃક્ષો છે, જ્યાં હરહંમેશ પક્ષીઓનો કલરવ સાંભળવા મળે છે. હેમા સેને તેમની આ સંપત્તિ વારસામાં તેમની સાથે રહેનારાં એક કુતરા અને બે બીલાડીના નામે કરી છે. તેમના નામે બોટની અને પર્યાવરણને લગતાં અનેક પુસ્તકો બોલે છે. એમેઝોન પર આ પુસ્તકોને ખરીદી શકાય છે.

હેમા સાનેની આ સ્ટોરી નીચેની લિંક પરથી જોવા મળશે.

વેલ્લોર, સલમા અને હેમા સેન જેવી અનેક સામાન્ય લોકોની સ્ટોરીઝ ‘ઇકો ઈન્ડિયા’ પર જોવા મળી શકે છે, જ્યાં તેઓ પર્યાવરણ માટે પ્રત્યક્ષ-પરોક્ષ રીતે અમૂલ્ય યોગદાન આપી રહ્યાં છે અને તે પણ કોઈ જ હોહા વિના. આજે થોડી પણ સફળતા સોશિયલ મીડિયા પર જોરશોરથી બોલે છે, તેની સામે ‘ઇકો ઈન્ડિયા’ની આ સિરીઝમાં ગુમનામીમાં કામ કરનારાઓનો જીવંત દસ્તાવેજ બને છે, જેઓ પર્યાવરણ માટે આજીવન કાર્ય કરવાની નેમ લઈને બેઠા છે.