કિરણ કાપુરે.મેરાન્યૂઝ (ઇનસાઇડ આઉટસાઇડ): લોકમાન્ય ટીળક દેશના જાણીતા રાષ્ટ્રવાદી આગેવાન હતા. પુના તેમનું કર્મસ્થળ રહ્યું છે. 1896માં જ્યારે પ્લેગ મહામારી હિન્દુસ્તાનમાં અને વિશેષ કરીને મુંબઈ-પુનામાં પ્રસરી હતી, ત્યારે હજારોની સંખ્યામાં મોત થયા હતા. માત્ર મુંબઈમાં ઓગષ્ટ, 1897 સુધી પ્લેગથી થયેલો મૃત્યુઆંક 10,813 હતો. તે વખતે પણ પ્લેગ 52થી વધુ દેશોમાં પ્રસર્યો હતો અને તેનાથી લાખો લોકોના જીવ ગયા હતા. બ્રિટનનું શાસન હોવાથી તેના પર કાબૂ મેળવવા માટે બ્રિટિશ સરકારે 1897માં ‘ધ એપેડેમિક ડિસિઝ એક્ટ’ ઘડ્યો હતો. આ કાયદાને અમલ માટે પુનાના તત્કાલિન આસિસ્ટન્ટ કમિશ્નર ડબલ્યુ. સી. રેન્ડ પૂરા પુના શહેરનો ચાર્જ લીધો. ડબલ્યુ. સી. રેન્ડે ચાર્જ સંભાળી ત્રણ સભ્યોની કમિટિ બનાવી અને શહેરને ખાલી કરવા માટે લોકો પર અત્યાચાર ગુજારવાનું શરૂ કર્યું. રેન્ડના આ અત્યાચાર સામે પુના શહેરમાંથી વિરોધનો સૂર ઊઠ્યો. બાલગંગાધર ટિળકે પણ જોરશોરરથી તેનો વિરોધ કર્યો અને પોતાના અખબાર ‘કેસરી’ (મરાઠી) અને ‘મરાઠા’ (અંગ્રેજી) માં રેન્ડ અને ત્રણ સભ્યોની કમિટિની આકરી ટીકા કરી.

ટિળકના આ લખાણથી પુનાના ચાપેકર પરિવારના દામોદર, બાલક્રિષ્ન અને વાસુદેવ ત્રણ ભાઈઓ ખૂબ પ્રભાવિત હતા. પુનામાં થયેલાં અત્યાચારનો બદલો વાળવા તેઓએ રેન્ડની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું અને 22 જૂન, 1897ના રોજ રેન્ડની હત્યા કરી. આ ત્રણ ભાઈઓ પર તો કેસ ચાલ્યો પણ તેઓને ઉપસાવવા માટે ટીળકના લખાણને પણ જવાબદાર ઠેરવવામાં આવ્યું. અંગ્રેજો તો હત્યાના કેસમાં જ ટીળકને સંડોવવા માંગતા હતા પણ તેના કોઈ પુરાવા ન્હોતા. છેવટે ‘કેસરી’ અખબારના બે લેખોના આધારે ટીળક પર કેસ ચલાવવામાં આવ્યો અને નવ જજોની બેન્ચે ટીળકને અઢાર મહિનાની સખત કેદ ફરમાવી.

ટીળકે આ સજાની સામે અપીલ કરી, પરંતુ અંગ્રેજ સરકારે તેમની અપીલને ન સ્વીકારી. આ ગાળામાં અંગ્રેજ સરકારની સામે પડીને અને ચાપેકર ભાઈઓના પડખે રહીને ટીળક ખૂબ લોકપ્રિય થયા. આ લોકપ્રિયતા પછીના સમયમાં વધતી જ રહી અને ત્યાર બાદ તેમની લોકપ્રિયતા બીજીવાર 1908માં ખૂબ વધી જ્યારે તેમને છ વર્ષની સજા થઈ. બાળ ગંગાધર ટીળક ‘લોકમાન્ય’ બન્યા તેમાં પ્લેગની મહામારી પણ એક કારણ હતું. પ્લેગે ટીળકને અંગત જીવનમાં મસમોટું નુકસાન પણ કરાવ્યું હતું, 1903માં તેમના સૌથી મોટા દિકરા વિશ્વનાથનું મૃત્યુ પ્લેગના કારણે જ થયું હતું.