કિરણ કાપુરેમેરાન્યૂઝ (ઇનસાઇડ આઉટસાઇડ): બહુ ટૂંકા ગાળામાં બાયોમેટ્રિક્સ પદ્ધતિના બહોળા ઉપયોગને લઈને બે ન્યૂઝ આવ્યા. એક દિલ્હીથી છે, જેમાં મિનિસ્ટ્રિ ઓફ શિપિંગ મિનિસ્ટ્રી દ્વારા નાવિકો માટે ફેશલ બાયોમેટ્રિક્સ ઓળખનો ઉપયોગ થશે; દરિયાઈ ક્ષેત્રમાં આ પ્રકારે ઓળખનો પ્રોજેક્ટ લોન્ચ કરનારો ભારત પ્રથમ દેશ બન્યો છે! બીજા ન્યૂઝ ઉત્તર પ્રદેશના પ્રાથમિક શાળાના છે જ્યાં હવે બાયોમેટ્રિક મશીન દ્વારા દોઢ કરોડ વિદ્યાર્થીઓની હાજરી પૂરાશે. અહીંયા જે બંને દાખલાઓ મૂક્યાં છે તેમાં એક દરિયાનું ક્ષેત્ર છે, જે અફાટ છે, ઘણી જગ્યાએ તેની બાઉન્ડ્રી નિશ્ચિત નથી, આંતરરાષ્ટ્રિય સરહદનો મુદ્દો તેમાં આવે છે. આ ઉપરાંત,પણ દરિયાના ક્ષેત્રમાં સાચી ઓળખ સ્થાપિત હોવી જ જોઈએ તેવાં અનેક પાસાં છે. પણ ઉત્તર પ્રદેશના પ્રાથમિક શાળાઓમાં બાયોમેટ્રિક પદ્ધતિથી હાજરી પૂરાશે તેમાં આ ટેકનોલોજી કેટલી જરૂરી થઈ પડશે તે સવાલ છે! આજકાલ નાની ઓફીસથી માંડીને કિલ્લેબંધ સુરક્ષા અર્થે બાયોમેટ્રિક્સ પદ્ધતિનો ઉપયોગ થાય છે.ભારતમાં બાયોમેટ્રિક્સનો વ્યાપક સ્તરે પહેલો વહેલો ઉપયોગ આધાર કાર્ડમાં થયો, જ્યારે લોકોના ફિંગરપ્રિન્ટ, આંખ અને તસવીરનો ડેટા સ્ટોર કરવામાં આવ્યો.એવું કહેવાય છે કે આધાર એ વિશ્વની સૌથી મોટી બાયોમેટ્રિક્સ સિસ્ટમ છે! બાયોમેટ્રિક્સની આ સિસ્ટમ દ્વારા ભારતના દરેક નાગરીકનો ડેટા સંગ્રહ થતો હોવા છતાં ભારત હજુ પણ તેમાં ડગ માંડી રહ્યું છે. અત્યાધુનિક આ ટેકનોલોજી અનેક સ્તરે ઉપયોગમાં લેવાઈ રહી છે. શું છે આ સિસ્ટમ અને કેટલી છે તેની જરૂરીયાત; તે વિશે થોડી ચર્ચા કરીએ.

ટેકનિકલ અર્થમાં બાયોમેટ્રિક્સને સમજીએ તો તે શરીરના અંગોની ઓળખ સ્થાપિત કરે છે. પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, જોબ આઈ.ડી. કાર્ડ, કમ્પ્યૂટર અને મોબાઇલમાં પણ અલગ-અલગ રીતે આ બાયોમેટ્રિક્સનો ઉપયોગ થાય છે. મૂળે આ આખો ખેલ વ્યક્તિની કમ્પ્યૂટર આધારીત ઓળખનો છે. આ ઓળખ અગાઉ માનવી દ્વારા જ થતી, પણ કમ્પ્યૂટર આધારીત વ્યવસ્થા બાયોમેટ્રિક્સથી તરફ  ઝડપથી આગળ વધી રહી છે. બાયોમેટ્રિક્સ પદ્ધતિ પર આપણે કેટલાં આધારીત થઈ રહ્યાં છે તેના અનેક દાખલા આજે આપણાં દેશમાં મળી શકે છે. જેમ કે, આ મહિને જ ઉજ્જૈનના સ્વાસ્થ્ય વિભાગમાંથી એવી ખબર આવી હતી કે બાયોમેટ્રિક હાજરીનું પાલન ત્યાંના સ્ટાફે કર્યું નહોતું એટલે તેમનું વેતન અટકાવી દેવામાં આવ્યું હતું! સ્વાસ્થ વિભાગે ત્યાર બાદ હૂકમ પણ છોડ્યો કે હવે જો હાજરી નહીં તો વેતન પણ નહીં!

બાયોમેટ્રિક્સ નહીં તો કુછ નહીં એવું ચિત્ર પણ ઘણે ઠેકાણે ઊભું થયું છે. આવો જ એક કિસ્સો દિલ્હી હાઇકોર્ટમાં આવ્યો હતો જ્યારે સામાજિક કાર્યકર્તા અને વકીલ તરીકે ઓળખ ધરાવતા અમિત સાહનીએ એવી અરજી કરી હતી કે જો આધાર કાર્ડમાં લગાવેલાં બાયોમેટ્રિક્સનો ઉપયોગ ગુમ થયેલાં બાળકોની ઓળખ અને તેમને ટ્રેસ કરવા માટે થાય છે તો પછી અનક્લેઇમ્ડ ડેડબોડી માટે તેનો ઉપયોગ કેમ ન થઈ શકે? આને લઈને દિલ્હી હાઈકોર્ટમાં દલીલો થઈ પણ છેવટે આધાર કાર્ડ નિર્માણ કરતી કંપની 'યૂનિક આઇડેટિટિ ઓથોરિટી ઓફ ઇન્ડિયા’(યુઆઈડિએઆઈ)એ આવું કરવામાં કાયદાકીય અને ટેકનોલોજીકલ રીતે આધાર કાર્ડને અક્ષમ્ય ગણાવ્યું હતું. મતલબ, કે આધારનો ઉપયોગ સુપ્રિમ કોર્ટે જે મર્યાદા નિશ્ચિત કરી છે, તેનાથી ઉપરવટ જઈને ન થઈ શકે. આમેય આધાર કાર્ડનું બાયોમેટ્રિક્સ ટેકનિકલી પણ એટલી સૂક્ષ્મ બાબતો નોંધી નથી શકતું, તેવું ખુદ 'યુઆઈડિએઆઈ' સ્વીકાર્યું છે.

આધાર કાર્ડમાં બાયોમેટ્રિક્સ આવ્યું ત્યારથી જ બાયોમેટ્રિક્સને લઈને પ્રશ્નો ઉભા થતાં રહ્યા છે અને ટેક્નોલોજીનાં નિષ્ણાંતોએ તેના ઉપયોગને લઈને ભીતિ પણ દર્શાવી હતી. જેમ કે જ્યારે ભારત જેવાં દેશમાં કરોડો લોકોના ડેટા લેવાતાં હોય તો તેને સુરક્ષિત રાખવાની વ્યવસ્થા શું છે. તદ્ઉપરાંત, બાયોમેટ્રિક માહિતી પરિવર્તિત થાય છે. ઉંમર વધવી, બીમારી, ઇજા અને શારીરિક શ્રમથી પણ વ્યક્તિની બાયોમેટ્રિક માહિતી બદલાય છે. પણ શું એવી કોઈ રીત છે કે જ્યારે વ્યક્તિને ખુદને એવું થાય કે હવે મારે મારી બાયોમેટ્રિક માહિતી બદલવાનો સમય આવી ગયો છે? તે શક્ય  નથી, અને તેની કોઈ જોગવાઈ પણ નથી. બાયોમેટ્રિક ઓળખ જટિલ છે અને તે માહિતીને સ્ટોર કરવાની અને લેવાની પદ્ધતિ પણ જટિલ રહેવાની, પણ જ્યારે તેમાં કશુંક નવીન આવે ત્યારે તે કેટલું મુશ્કેલ થશે, તેનો અંદાજો લગાવવામાં આવતો નથી.

બાયોમેટ્રિકથી થનારી મુશ્કેલીનો મજબૂત દાખલો રાજસ્થાનમાં જોવા મળ્યો હતો જ્યારે આધાર દ્વારા ઓળખ પ્રસ્થાપિત કર્યા બાદ જ રાશન મળશે તેવું ફરમાન સરકારે જાહેર કર્યું. આ કિસ્સામાં થયું એમ કે રાશન લેવા જ્યારે લોકો આવ્યા ત્યારે તેઓની ઓળખ ઇન્ટરનેટ ન હોવાના કારણે અથવા તો મશીન પર જે-તે વ્યક્તિની ઓળખ ન આવી તો તેઓ છતે રાશને લીધા વિના પાછા ફરતા હતા. ઘણાં કિસ્સામાં તો એમ બનતું હતું કે વ્યક્તિ દરેક આંગળી મૂકીને જોવે તો પણ તેમાંથી એક જ સંદેશ આવ્યા કરે : “આપ કા આધાર સહી નહીં હૈ” 

હવે અહીંયા સુધી વાત બાયોમેટ્રિકની નાગરીક તરીકે ઓળખની કે કોઈ સ્કીમના લાભની આવે છે ત્યારે તેમાં શું મુશ્કેલી આવે છે તે થઈ. પણ જ્યારે તેને પાસવર્ડ તરીકે ઉપયોગમાં લેવાય છે ત્યારે તે કેટલું સુરક્ષિત છે તે સમજીએ. યુઆઈડિએઆઈ'એના સીઈઓ અભયભૂષણ પાંડે એવું માને છે કે બાયોમેટ્રિક્સની ચોરી કરવી તે ઘટના જવલ્લે જ બને છે અને જેમ પાસવર્ડ ચોરાઈ જવાનો ભય રહે છે તે જ જોખમ બાયોમેટ્રિક્સના કિસ્સામાં ઘણું ઘટી જાય છે. પરંતુ જેઓ બાયોમેટ્રિક્સની મર્યાદા જોવે છે અને ટેકનોલોજી બાબતે એડવાન્સ છે તેઓ માને છે કે, બાયોમેટ્રિક માહિતી અદ્વિતિય અને વ્યક્તિગત હોવા છતાં તે ગુપ્ત રહેતી નથી. પાસવર્ડ સિક્રેટ છે,પણ બાયોમેટ્રિક નથી. જેમ કે કોઈ પુસ્તક પરથી કોઈ પણ વ્યક્તિના ફિંગરપ્રિન્ટ લઈ શકાય અને ઇવન, ઇન્ટરનેટ પર તસવીર અપલોડ કરી હોય ત્યાંથી પણ તે બાયોમેટ્રિક નિશાની મેળવી શકાય. 2014માં જર્મનીના ડિફેન્સ મિનિસ્ટર ઉર્સુલા વોન ડેર લેયનના ફેક ફિંગરપ્રિન્ટ હેકર્સે તૈયાર કર્યા હતા. આ મિનિસ્ટરે પોતાની તસવીર હાઈ રિઝ્યુલેશનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, ત્યાંથી હેકર્સે આ તક ઝડપી લીધી.

આ ઉપરાંત પણ બાયોમેટ્રિકની જેમ મસમોટા લાભ છે તેમ તેની ખામી પણ છે. જેમ કે તમે કોઈ પણ હિસાબે તમારા બાયોમેટ્રિક્સને બદલી શકતા નથી. જેમ કે તમારા ઇ-મેઇલનો કોઈ એક્સેસ લે તો તમે પાસવર્ડ બદલીને તેને ફરી સુરક્ષિત કરી શકો છો, પણ તમે તમારી ફિંગરપ્રિન્ટ બદલી નથી શકતા. ટેકનોલોજીનો જ્યારે અમર્યાદ રીતે ઉપયોગ કરવાનો થાય છે ત્યારે તેની કિંમત પણ અમર્યાદ રીતે ચૂકવવાની થાય છે, તે યાદ રાખવું જોઈએ.

જેમ કે હૈદરાબાદમાં પોલિટેકનિક કોલેજનો જે મુદ્દો સામે આવ્યો છે તેમાં તો એવું લાગે છે કે બાયોમેટ્રિક્સ સિસ્ટમ હોવાના કારણે પ્રશ્ન વધુ પેચીદો બન્યો છે. થયું એમ કે અહીંયાના એક પોલિટેકનિક કોલેજમાંથી 205 વિદ્યાર્થીઓને ઓછી હાજરીના કારણે કોલેજ અને વિદ્યાર્થીઓને નોટીસ આપવામાં આવી, પરંતુ આ વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષમાં ડિસ્ટીંક્શન સાથે પાસ થયા છે! કોલેજના પ્રિન્સિપાલનું કહેવું છે કે આ બધાએ નિયમિત રીતે ક્લાસ ભર્યા છે. જોકે, બાયોમેટ્રિક્સમાં વિદ્યાર્થીઓની હાજરી બતાવતી નથી અને પ્રિન્સિપાલ સહિત કોલેજના સત્તાવાળા બાયોમેટ્રિક્સની ખામીના કારણે આ પ્રશ્ન ઉભો થયો છે તેવું કહે છે. મતલબ કે ટેકનોલોજીની દૃષ્ટિએ અત્યાધુનિક સિસ્ટમ એન્જિનિયરીંગનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ વચ્ચે લગાવી હોવા છતાં તેમાં આટલી બધી ગડમથલ થઈ.

મૂળે મુદ્દો દાનતનો આવે છે, જ્યાં પણ તેમાં ઓટ આવતી દેખાશે ત્યાં વિશ્વસ્તરની અત્યાધુનિક સિસ્ટમ લગાવીશું તો તેનું પરિણામ તે નહીં આવે જે ઇચ્છનીય હોય.આના અવેજમાં જો માણસોમાં સારાપણું રોપીએ અને વ્યવસ્થાને થોડી મુક્ત રાખીને લોકોની સુખાકારીની રીતે ગોઠવવામાં આવે તો તેનાથી પરિણામ સારું મળશે તે નક્કી છે.

[ગુજરાતમિત્ર, રવિવારીયપૂર્તિ 01-09-2019ના રોજ પ્રકાશિત]