દેવલ જાદવ (અમદાવાદ): અમદાવાદનાં રાણીપ વિસ્તારમાં ગાંધીસાગર સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી બ્લેક આઈબિસ નામના દુર્લભ પક્ષી આવી રહ્યા છે. આ પક્ષીઓ સામાન્ય રીતે તળાવ અને જંગલોના વિસ્તારમાં જોવા મળતા હોય છે પણ આ વિસ્તારમાં થોડા સમયથી જોવા મળી રહ્યા છે. ગાંધીસાગર સોસાયટીમાં એક આઈબિસ પક્ષી ઘાયલ થઈને પડ્યું હતું જેનો એનિમલ લાઇફ કેર સંસ્થા દ્વારા સારવાર કરીને ફોરેસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે.

અમદાવાદનાં રાણીપ વિસ્તારમાં આવેલી ગાંધીસાગર સોસાયટીમાં રહેતા રીટાયર્ડ ડીવાયએસપી ડી. એ. ચૌહાણના ઘરની નજીક એક બ્લેક આઈબિસ ઘાયલ થઈને પડ્યું હતું. ઘાયલ પક્ષીને જોઈને તેમણે તરત એનિમલ લાઇફ કેર સંસ્થામાં જાણ કરી. એનિમલ લાઇફ કેર સંસ્થા માંથી વિજય ડાભી દ્વારા ગાંધીસાગર સોસાયટીમાં પહોંચીને ઘાયલ આઈબિસની સારવાર કરીને આઈબિસને ફોરેસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું.

Advertisement


 

 

 

 

 

બ્લેક આઇનિસ મુખ્યત્વે ભારતના મેદાની વિસ્તારોમાં જોવા મળે છે. સામાન્ય રૂપથી આ પક્ષી તળાવો અને સરોવરની આસપાસ જોવા મળે છે. આઈબીસ પક્ષીનો ખોરાક નાની માછલીઓ અને નાનાં નાનાં જીવડાં છે જેમાં કારણે તે ખોરાક મળી રહે તેવા વિસ્તારોમાં જ રહે છે. જંગલો કપાઈ રહ્યા હોવાને કારણે હવે પક્ષીઓને સ્થળાંતર કરવું પડી રહ્યું છે જેથી આવા દુર્લભ પક્ષીઓ પણ હવે શહેરોમાં જોવા મળે છે.

વિજય ડાભી છેલ્લા ૧૨-૧૩ વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે અને અત્યાર સુધી તેમને હજારોની સંખ્યામાં પક્ષીઓ અને જુદા જુદા પ્રાણીઓની મદદ કરી છે.  તેમનું કહેવું છે કે લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ અને આવા અબોલ પક્ષીઓ અને પ્રાણીઓની આપણે મદદ કરવી જોઈએ. એક માણસને જ્યારે કઈ થાય ત્યારે તે બોલીને બીજાને કહી શકે છે પણ આ પક્ષીઓ અને પ્રાણીઓ કોઈને કહી નથી શકતા માટે આપણે તેમની મદદ કરવી જોઈએ.