તુષાર બસીયા (મેરાન્યૂઝ અમદાવાદ) : હાલમાં ઉત્તર ગુજરાતનાં ખેડૂતો તીડનાં આક્રમણને પગલે ખુબ ચિંતિત છે. બીન બુલાયે મહેમાન એવા આક્રમક તીડ ખેડૂતોના પાકના છોડની મેજબાની માણી રહ્યા છે. છતા બાપડા ખેડૂતો ઢોલ નગારા કે થાળી વગાડવા સિવાય કશું અસરકારક ઇલાજ કરી શકતા નથી. પરંતુ આ તીડ પણ સરકારની માફક એક વખત આવ્યા પછી ઢોલ કે થાળીઓ પછાડવા છતા જતા નથી. તીડે બનાસકાંઠાને તો રીતસર ઘમરોળી જ નાખ્યું છે. હવે આ તીડ એક પછી એક ગામને નિશાનો બનાવી સાબરકાંઠા તરફ આગળ વધી રહ્યા છે. આ તીડ વિશે સમગ્ર જાણકારી કદાચ ઓછાવત્તા અંશે ઉપયોગી નિવડી શકે માટે અમે આ તીડ વિશે વધુમાં વધુ માહિતી પુરી પાડવાનો પ્રયત્ન કર્યો છે. બનાસકાંઠા કૃષિ યુનિવર્સિટીનાં અધ્યયનકારી ડૉ. પી.એસ પટેલે આ માહિતી પુરી પાડી છે.

•    કઇ પ્રજાતીના છે તીડ ?
સમગ્ર વિશ્વમાં 11000 પ્રકારના તીડ હોય છે જે સેંકડો વર્ષો જુનો ઇતિહાસ ધરાવતી પ્રજાતિ છે. જેમાં ગુજરાતમાં આક્રમણ કરતા તીડ ડેઝર્ટ લોકટ્સ (રણ તીડ) ખાઉંધરા પ્રકારના તીડ છે. આ તીડ વિશ્વના 60 દેશોમાં જોવા મળે છે. આ તીડ જુંડમાં રહેવાનું પસંદ કરતા હોય છે. જે તીડનું કુદરતી વસવાટ રણ વિસ્તાર હોય છે પણ કયારેક પવનની ગતિના કારણે પવનની દીશામાં ચાલવા લાગે છે. આ તીડ પ્યોર વેજીટેરીયન હોવાના કારણે આડે આવતી લગભગ દરેક પ્રકારની વનસ્પતિ ખાય છે. એવું બનાસકાંઠા કૃષિ યુનિવર્સિટીનાં અધ્યયનકારી ડૉ. પી.એસ પટેલ જણાવે છે.

•    આ તીડ વિશે ખાસ વાતો

ડેઝર્ટ લોક્ટ્સ સાંજ થતા ઉડવાનું પસંદ કરતા નથી માટે જુંડ સાંજ પડતા જે જગ્યા પર ઉતરાણ કરે છે ત્યાં જ રાત વાસો કરે છે. ફરી સવારે 9 થી10 વાગ્યે સુર્યની ગરમી ફેલાતા ઉડવાનું શરૂ કરે છે. આમ તે દિવસના ગરમ માહોલમાં ઉડવાનું પસંદ કરતા હોય ખેડૂતો રાત્રે ખેતરમાં દવા છંટકાવ કરે તો અસરકારક પરિણામ મેળવી શકે છે. સામાન્ય રીતે આ પ્રકારના તીડનું આયુષ્ય 2 થી 3 મહીનાનું હોય છે. આ તીડના રંગ પરથી તેની ઉંમરનો અંદાજ લગાવી શકાય છે. જો તીડનો રંગ લાલ હોય તો એ હજુ પુખ્ત નથી અને એ પ્રજનન કરી શકવાની અવસ્થામાં નથી. ભયાનક વાત એ છે કે આ તીડનું ઝુંડ જે ખેતરમાં ઉતરે છે ત્યાં પાકનો સફાયો કરી નાખે છે.

•    જાણો તીડનાં પ્રજનન વિશે

તીડનો રંગ દિવસો જતા બદલાતા લાલમાંથી પીળો થાય છે, પીળો રંગ થતા એ પ્રજનન કાળ માટે તૈયાર થઇ જાય છે. આ તીડ રેતી કે માટીમાં જ ઇંડા મુકે છે. પરંતુ પ્રજનન ક્ષમતા તો ડરાવી દે એટલી છે. એક તીડ 3 થી 5 એગ પુડ મુકે છે અને એક એગ પુડમાં 50 થી 70 એગ (ઇંડા) હોય છે. મતલબ કે સરેરાશ 150 થી 350 ઇંડા મુકે છે જેમાં સરેરાશ 80 ટકા થી માંડી 85 ટકા સુધી ઇંડા ફલિત થાય છે. અમુક કિસ્સામાં તો 100 ટકા ઇંડા પણ ફલિત થાય છે. જે વાત ખેડૂતો અને સરકાર માટે ખરેખર ભયજનક કહી શકાય. આશ્ચર્યની વાત છે કે આ જાતીના તીડને જન્મ સમયે પાંખો હોતી નથી. 

•    ખેતર કેમ કરવું સુરક્ષિત

ડૉ. પી.સી. પટેલના જણાવ્યા અનુસાર તીડ ખેતરમાં આવી જાય તો ઢોલ, નગારા કે મોટા અવાજ કરવામાં આવે તો તીડનું ઝુંડ ભાગવા લાગે છે અને જ્યાં સતત આ પ્રકારનો ઘોંઘાટ થતો હોય ત્યાં પણ તીડ ઉતરતા નથી. પણ “જો પાકને તીડનો ભોગ બનતો અટકાવવો હોય તો ખેડૂતો એ ખેતરમાં અગાઉથી જ પાક પર સ્પ્રે વડે લીમડાના તેલનો છંટકાવ કરી દેવો જોઇએ. લિમડા તેલના કડવા સ્વાદને કારણે તીડ છોડને ખાતા નથી. તેમજ ULV ગ્રેડની મેલાથીઓન 96 %  દવાનો છંટકાવ કરવાથી તીડનો નાશ કરી શકાય છે, તીડ અંધારામાં ઉડતા નથી માટે જો આ દવા રાત્રે કે વહેલી સવારે છાંટવામાં આવે તો તીડનો નાશ કરી શકાય છે. પરંતુ આગમચેતીનાં પગલે લિમડાનાં તેલનો ઉપયોગ કરાય તો આ ઓર્ગેનિક દવાથી પાક પર તીડ આવતા રોકી શકાય છે.”

•    તીડ નાથવા સરકાર પાસે શું છે ? 

ગુજરાતમાં તીડની રંજાડ તો 1993 થી થતી રહી છે પણ આ વખતે સંખ્યા ખુબ જ વધારે છે. આ તીડને નાથવા માટે સરકારે લોકસ્ટ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનની રચના કરી છે. તેમજ રાજસ્થાનમાં પણ આ સંસ્થાની 10 કચેરીઓ કાર્યરત છે. જે સંસ્થાનું કામ જ આ તીડનું લોકેશન ટ્રેસ કરતા રહેવાનું અને તકેદારી રાખવાનું છે. ગુજરાતમાં પાલનપુર અને ભુજ ખાતે તેના કાર્યાલયો સ્થાપવામાં આવ્યા છે. આ સંસ્થાને તીડ ટ્રેસ કરવા અને દવા છંટકાવ કરવા માટેના સ્પેશીયલ ULV સ્પ્રેયર પણ આપવામાં આવેલા છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ ULV સ્પ્રેયર દુર્ગમ ખેતરોમાં પહોંચવા માટે પુરતા સક્ષમ નહીં હોવાથી હાલ કામની ગતી તીડની ગતી કરતા ખુબ ધીમી ચાલી રહી છે.
ગુજરાતમાં વર્ષ 2019 માં તીડ જુલાઇ માસમાં ફરી સાબરકાંઠાના સરહદી વિસ્તારોમાં આવી પહોંચ્યા હતા ત્યારબાદ તીડ ઓકટોબર માસમાં કચ્છના લખપતમાં દેખા દિધી હતી. હવે આ અસંખ્ય તીડ જ્યારે રાજસ્થાનનાં જેસલમેર તરફથી આવી જઇ પાકને ધમરોળી રહ્યાં છે. તો આ સરકાર અને સરકારી સંસ્થા લોકસ્ટ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન ઘોડા છુટી ગયા બાદ તબેલાને તાળા મારી રહી હોય તેમ સફાળી જાગી છે.