દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): છેલ્લા બે વર્ષથી સમગ્ર દુનિયામાં મહામારી ચાલી રહી છે. ત્યારે ભારતમાં પણ છેલ્લા બે વર્ષથી રોગચાળાના કારણે શિક્ષણ પ્રવૃત્તિઓ બંધ રાખવામાં આવી હતી. તેમ છતાં ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી મોટા પ્રમાણમાં ફી વસૂલી રહ્યા હતા તેવી ઘણી કમ્પ્લેઈન્સ આવી હતી. મહામારી અને તેના કારણે લાદવામાં આવેલા લોકડાઉનના કારણે લોકોના ધંધા રોજગાર પર મોટી સંખ્યામાં અસર પડી છે. ઘણા લોકોની નોકરીઓ આ દરમિયાન છૂટી ગઈ છે અને ઘણા લોકોને પૂરો પગાર નથી મળ્યો તેવા સમયે પોતાના બાળકની ખાનગી શાળાની ફી કેવી રીતે ભરવી તે એક મોટો પ્રશ્ન ઉભો થયો હતો. જેના કારણે વાલીઓએ પોતાના બાળકોને ખાનગી શાળામાંથી સરકારી શાળાઓમાં ભરતી કરવાનું શરૂ કરી દીધું છે.
Advertisement
 
 
 
 
 
છેલ્લા બે વર્ષમાં અમદાવાદ જિલ્લામાં કુલ 2035 વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ લીધો છે જ્યારે અમદાવાદ શહેરમાં 4009 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ લીધો છે. તેવી જ રીતે ગાંધીનગર જિલ્લામાં કુલ 1970 વિદ્યાર્થીઓએ અને ગાંધીનગર શહેરમાં 322 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ લીધો હતો. આ માહિતી વિધાનસભાના સ્તર દરમિયાન માણસના ધારાસભ્ય સુરેશકુમાર પટેલ દ્વારા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને પૂછવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે મંત્રીએ આપેલી આ માહિતી માત્ર બે જિલ્લાની છે તો સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશમાં કેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ લીધો હશે. આ બદલાવ પાછળનું કરણ સરકારી શાળાઓની ગુણવત્તા જ માત્ર નથી પરંતુ ખાનગી શાળાઓમાં સતત વધી રહેલી ફી અને મહામારી દરમિયાન લોકોના ધંધા રોજગાર પર પડેલી અસરને કારણે આવેલી મંદીમાં સામન્ય વ્યક્તિ ખાનગી શાળાઓની મસમોટી ફી ભરી શકે તેમ નથી. જેના કારણે હવે લોકો સરકારી શાળાઓ તરફ વળ્યાં છે.