મેરાન્યૂઝ નેટવર્ક, ઇન્દોર: એક વ્યક્તિએ સાપને સ્ટ્રો વડે પોતાના મોઢેથી પાણી પીવડાવી સાપને બચાવ્યાની ઘટના ઘટી છે અને તે પણ કેમેરામાં રેકોર્ડ કરાઇ છે. આ ઘટના મધ્ય પ્રદેશના ઇન્દોરની છે. જ્યાં એક શાળાના કેમ્પસમાં સાપ નિકળતા લોકોએ તેને લાકડી વડે માર્યો અને તેના પર જંતુનાશક દવા છાંટી હતી. જેથી સાપ બેભાન જેવી સ્થિતિમાં આવી ગયો હતો. ત્યાંથી પસાર થઇ રહેલા શેરસિંહ નામના ઇન્કમ ટેક્સ અધિકારીએ આ જોયુ અને તેઓ સાપના રેસ્ક્યુ માટે આગળ આવ્યા.

શેરસિંહના જણાવ્યા અનુસાર " મેં જોયું તો આ સાપ ઝેરી ન્હોતો પરંતુ તેની ચાલવાની ઝડપી ગતિને કારણે લોકોએ તેના પર હુમલો કર્યો હતો. લોકોએ સાપ પર જંતુનાશક દવા છાંટતા તે બેભાન જેવી સ્થિતિમાં આવી ગયો હતો. જેથી મે એક્સપર્ટ સાથે વાત કરી અને એક સ્ટ્રોની મદદથી સાપને પાણી પીવડાવ્યું. જેથી સાપે થોડીવારમાં ઉલટી કરી અને ઝેરી દવા તેના શરીરમાંથી બહાર નિકળતા તે સામાન્ય સ્થિતિમાં આવી ગયો હતો. તેમણે સાપને થોડા સમય માટે ઠંડુ પાણી ભરેલી ડોલમાં પણ રાખ્યો હતો તેથી તેને રાહત મળી હતી.

શેરસિંહે પોતાના મોઢામાં પાણી ભરી સ્ટ્રો વડે સાપને પાણી પીવડાવી બચાવ્યો તે વીડિયો સોશિયલ મીડિયા પણ વાયરલ થઇ રહ્યો છે. જે વીડિયો પણ અહીં પ્રસ્તુત છે.