મેરાન્યૂઝ નેટવર્ક, એટલાન્ટા (અમેરિકા):  અમેરિકાના એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલીના યજમાનપદે પહેલી વખત પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું ભવ્ય આયોજન રવિવાર તા.27 જાન્યુઆરીએ કરાયું છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન એસોસિયેશન ઓફ જ્યોર્જિયાના નેજા હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં જ્યોર્જિયાની 38 જેટલી સંસ્થાઓ સામેલ થશે. ગોકુલધામમાં આયોજિત પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં મુખ્ય અતિથિપદે કોન્સલ જનરલ ઓફ ઇન્ડિયા ડૉ.સ્વાતિ કુલકર્ણી ઉપસ્થિત રહેશે.

વડોદરાના કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠ પીઠાધિ‌શ્વર વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં વિવિધ ઉત્સવો અને મનોરથો યોજાય છે. જેના ભાગરૂપે ગોકુલધામ હવેલીના યજમાનપદે ભારતના આગામી પ્રજાસત્તાક પર્વની દેશભક્તિની ભાવના સાથે ભવ્ય રીતે ઉજવણીનું આયોજન કરાયું છે.

ગોકુલધામ હવેલીના ચેરમેન અશોક પટેલ અને એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવાએ જણાવ્યું હતું કે, ગોકુલધામમાં આગામી રવિવાર તા.27 જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વ (રિપબ્લિક-ડે સેલિબ્રેશન)ની ઉજવણી કરાશે. ગોકુલધામના યજમાનપદે પહેલી વખત ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન એસોસિયેશન ઓફ જ્યોર્જિયાના નેજા હેઠળ પ્રજાસત્તાક પર્વનું મોટાપાયે આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં જ્યોર્જિયા-એટલાન્ટામાં કાર્યરત ભારતીય-ગુજરાતી સમાજની 38 જેટલી સંસ્થાઓ સામેલ થશે.

રવિવાર તા.27 જાન્યુ.એ બપોરે 3 વાગે પ્રજાસત્તાક પર્વની ઉજવણી શરૂ થશે. આ કાર્યક્રમમાં સામેલ થનાર એટલાન્ટા અને તેની આસપાસના શહેરોમાં વસવાટ કરતા ભારતીયો પ્રજાસત્તાક પર્વની પરેડમાં ભાગ લેશે. 300 ફુટ લાંબા તિરંગા સાથે ગોકુલધામના પટાંગણમાં વિશાળ પરેડ-કૂચ યોજાશે. ત્યારબાદ ધ્વજવંદન સમારોહ યોજાશે. એટલાન્ટાના કોન્સલ જનરલ ઓફ ઇન્ડિયા ડૉ.સ્વાતિ કુલકર્ણીના હસ્તે ધજારોહણ વિધિ સંપન્ન થયા બાદ વિવિધ સંસ્થાઓના ઉપક્રમે સાંસ્કૃતિક કાર્યક્રમો-કલ્ચરલ શો યોજાશે. કલ્ચરલ શો માં દેશભક્તિને ઉજાગર કરતા ડાન્સ-નૃત્ય અને ભારતના વિવિધ રાજ્યોના પહેરવેશ સાથેના ફેશન શો સહિતના કાર્યક્રમોની રજૂઆત થશે.

ઠાકોરજીને તિરંગાનો શણગાર-સજાવટ કરાશે

ગોકુલધામ હવેલી ખાતે આગામી રવિવાર તા.27 જાન્યુ.એ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે. આ નિમિત્તે ગોકુલધામ ખાતે બિરાજમાન શ્રી કલ્યાણરાય પ્રભુ-શ્રી ઠાકોરજીને તિરંગાનો શણગાર તેમજ નિજ મંદિરમાં પિંછવાઇ અને ઘટા સહિત તિરંગાની સજાવટ કરવામાં આવશે.

પ્રજાસત્તાક પર્વની ઉજવણી વેળા ભોજનને પણ તિરંગાનો ટચ અપાશે

ગોકુલધામાં યોજાનાર પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણીનું આયોજન થયું છે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર ભારતીયોને નિ:શુલ્ક ભોજન પીરસાશે. સ્વાદિષ્ટ ભોજનને પણ તિરંગાનો ટચ આપી દેશભક્તિનો માહોલ ઊભો કરાશે. મીઠાઇ, ફરસાણ સહિતના વ્યંજનો ત્રણ કલરના રહેશે તેમ એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવાએ જણાવ્યું હતું.