ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): બ્રાઝીલ પછીના બીજા નંબરના બીજા સૌથી મોટા ખાંડ ઉત્પાદક ભારતમાં નિકાસનીતિ એવી રીતે બનાવાઈ છે, જેનાથી જાગતિક બજારમાં ભાવ દબાણમાં આવે, જે આ વર્ષે અત્યાર સુધીમાં ૧૦ ટકા ઘટયા છે. આઈસીઈ રો સુગર ઓકટોબર વાયદો મંગળવારે ઘટીને એક તબ્ક્કે ૧૧.૮૭ સેન્ટ બોલાયો હતો. ભારતમાં ૧ ઓકટોબરથી શરુ થતું નવું ખાંડ વર્ષ, ૧૧૫ લાખ ટન પુરાંતથી શરુ થશે. આગામી નવી મોસમનો ઉત્પાદન અંદાજ ૩૧૦ લાખ ટન મુકવામાં આવ્યો છે અને સ્થાનિક માંગ ૨૬૦ લાખ ટન અનુમાનિત છે. 

કારોના વાયરસને લીધે સ્થળાંતરિત થઇ ગયેલા લાખો ખેત-મજુરો જો સમયસર પાછા નહિ ફરે તો ભારતમાં આગામી મોસમનો વીપુલ શેરડી પાક લણવામાં મોડું થવાની શક્યતા વધી ગઈ છે. ભારતમાં વાર્ષિક સરેરાશ ૩૭૦૦ લાખ ટન શેરડીનો પાક ઉતારે છે. અન્ય દેશના શેરડી પાકોનું પીલાણ પૂર્ણ થઇ ગયા બાદ ભારતમાં ઓક્ટોબરથી નવી શેરડીની આવક શરુ થતી હોય છે. ભારતમાંથી વર્ષે રૂ.૧૭૧૯ કરોડની રીફાઈન્ડ સુગર અને રૂ. ૪૪૮ કરોડની રો સુગર નિકાસ થાય છે. 

બ્રાઝીલમાં ઇથેનોલને બદલે વધુ શેરડી, ખાંડ ઉત્પાદનમાં લઇ જવાતા ૨૦૨૦-૨૧ (એપ્રિલથી માર્ચ)ની વર્તમાન સિઝનમાં ખાંડ ઉત્પાદન, સરકારી અંદાજ પ્રમાણે ૩૨ ટકા વધીને ૩૯૩.૩ લાખ ટન અંદાજીત છે. બ્રાઝીલની ફૂડ સપ્લાય એજન્સી કોનાબનું માનવું છે કે ૨૦૧૯-૨૦ની તુલનાએ શેરડી પીલાણ ૧ ટકા ઓછું, ૬૪૨૦.૭ લાખ ટન થશે. આ વર્ષે પણ ભારત કરતા બ્રાઝીલ મોટો ઉત્પાદક બની રહેવાનો અને ૨૦૨૦-૨૧માં લગભગ ૩૨૫ લાખ ટન ખાંડ વહેલી વેચી નાખશે. કોનાબ ક્હે છે કે પ્રથમ ચાર જ મહિનામાં બ્રાઝીલે તેની ૭૦ ટકા સુગરનું વેચાણ કરી નાખ્યું છે.

ભારતે ખાંડ મિલોને સહાયરૂપ થવા ૩૦ સપ્ટેમ્બરે પૂરી થનાર ૨૦૧૯-૨૦ની મોસમ માટે ટન દીઠ રૂ. ૧૦૪૪૮ (૧૪૨ ડોલર)ની નિકાસ સબસીડી જાહેર કરી હતી, પરિણામે ૫૫ લાખ ટન વિક્રમ નિકાસ થઇ હતી. નિર્ધારિત બેન્ચમાર્ક કરતા, ભાવ નીચે જતા ન રહે અને સ્થાનિક બજારમાં ફરતા માલનો પુરવઠો હળવો કરવા ભારતમાં સરકાર સતત ત્રીજા વર્ષે નિકાસ સબસીડી જારી રાખશે.

વાણીજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું હતું કે સપ્ટેમ્બર અંત પહેલા ૬૦ લાખ ટન નિકાસ લક્ષ્યાંક સાથે સરકાર નવી સબસીડી જાહેર કરશે. અન્ય એક અધિકારીએ કહ્યું હતું કે નવી સબસીડી નીતિ વર્તમાન વર્ષ જેવી જ હશે. 

એક શીપીંગ અહેવાલ પ્રમાણે ૧ જાન્યુઆરીથી ૬ ઓગસ્ટ સુધીમાં ઈન્ડોનેશિયાએ ૪૦૪૯૪૭ ટન રો સુગર ભારતમાંથી આયાત કરી હતી. થાઈલેન્ડના સરકારી ડેટા મુજબ જાન્યુઆરી-જુલાઈ વચ્ચે નિકાસ ૬ ટકા ઘટીને ૧૮ લાખ ટન થઇ હતી. વિયેતનામે જુલાઈમાં ૬૧૬૨૫ ટન, જુનમાં ૮૯૮૫૦ ટન અને મેમાં ૧૦૧૫૩૦ ટન ખાંડ નિકાસ કરી હતી.     
       
(અસ્વીકાર સુચના: commoditydna વેબસાઈટ અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલા આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)