મેરાન્યૂઝ નેટવર્ક ગાંધીનગરઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ટી-૨૦ એશિયા કપમાં પાકિસ્તાનની મહિલા ટીમને હરાવી ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. આ ટુર્નામેન્ટની મહત્વપૂર્ણ મેચમાં ભારતીય ટીમની બોલિંગ સામે પાકિસ્તાનની ટીમ ખાસ કઈ કરી શકી નહોતી અને ૭ વિકેટ ગુમાવીને માત્ર ૭૨ રન જ બનાવ્યા હતા. તેના જવાબમાં ભારતીય મહિલા ટીમે ૧૬.૧ ઓવરમાં માત્ર ૩ વિકેટ ગુમાવીને ૭૫ રન કરી ૭ વિકેટથી શાનદાર વિજય મેળવ્યો હતો.

આ વિજય સાથે જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આ એશિયા કપની ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી એશિયા કપની ફાઈનલમાં સાતમી વાર પ્રવેશ કર્યો છે. ટી-૨૦ એશિયા કપની આ સિઝનમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ૫ મેચોમાંથી આ ચોથો વિજય મેળવ્યો છે. એશિયા કપમાં ૬ વખત ચેમ્પિયન રહેલી ભારતીય મહિલા ટીમ પોઈન્ટ ટેબલમાં ૮ પોઈન્ટ સાથે ટોચ ઉપર રહી છે. જયારે પાકિસ્તાનની મહિલા ટીમનો ૫ મેચોમાં આ બીજો પરાજય છે.

ભારતીય બોલરો સામે પાકિસ્તાનની ટીમનો રકાસ થયો હતો. જેમાં માત્ર બે ખેલાડીઓ જ બે અંકોના સ્કોર સુધી પહોચી શકયા હતા. ઓપનર નાહિદા ખાને ૨૭ બોલમાં બે ચોગ્ગા સાથે ૧૮ તેમજ સના મીરે ૨૦ રનની અણનમ ઇનિગ્સ રમી હતી. ભારત તરફથી ડાબોડી સ્પિનર એકતા બિષ્ટ વેધક બોલિંગ કરતા ૧૪ રન આપી ૩ વિકેટ ઝડપી મેન ઓફ ધ મેચ બની હતી. જયારે દીપ્તિ, પૂનમ યાદવ, શીખા પાંડે અને અનુજા પાટીલને એક-એક વિકેટ મળી હતી.
પાકિસ્તાન સામે ૭૩ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમે શરૂઆતમાં જ જલ્દી જલ્દી બે ઝટકા સહેવા પડ્યા હતા. જેમાં અનુભવી ખેલાડી મિતાલી રાજ ખાતું ખોલાવ્યા વિના પેવેલીયનમાં પાછી ફરી હતી. પહેલી ઓવરના છેલ્લા બોલે જ અનમ અમીને તેને બોલ્ડ કરી દીધી હતી.આ પછી ત્રીજી ઓવરમાં દીપ્તિ શર્મા પણ અનમ અમીનનો શિકાર બની હતી. તે પછી સ્મૃતિ મધાના ( ૩૮ ) અને હરમનપ્રીત કૌર ( ૩૪ નો.આ.)એ ૬૫ રનની ભાગીદારી કરી વિજય નિશ્ચિત કરી દીધો હતો.