દિવ્યકાંત ભટ્ટ (મેરાન્યૂઝ.એટલાન્ટા.અમેરિકા): ભારતની આઝાદીના અમૃત મહોત્ત્સવ પર્વ અર્થાત્ 15 ઓગસ્ટ-સ્વાતંત્ર્ય પર્વની અમેરિકાના એટલાન્ટા સ્થિત ઇન્ડિયન કોન્સ્યુલેટ કચેરીના ઉપક્રમે દેશભક્તિની ભાવના સાથે ઉજવણી કરાઇ હતી. કોન્સલ જનરલ ઓફ ઇન્ડિયા ડૉ. સ્વાતિ કુલકર્ણીની ઉપસ્થિતિમાં આયોજિત સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં એટલાન્ટાની વિવિધ ભારતીય સંસ્થાઓના આગેવાનો, ઉદ્યોગપતિઓ, બિઝનેશમેન્સ તેમજ ડૉકટર્સ જોડાયા હતા.

અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટના એટલાન્ટા સિટીમાં આવેલી ઇન્ડિયન કોન્સ્યુલેટ કચેરી દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. તા.15 ઓગસ્ટની ઢળતી સાંજે સેન્ડી સ્પ્રિંગ સિટી હોલ ખાતે આયોજિત કાર્યક્રમનો પ્રારંભ ભારત અને અમેરિકાના રાષ્ટ્રગીતના ગાન સાથે થયો હતો. રાષ્ટ્રગીતના ગાન વેળાએ  ભારતીય નાગરિકોમાં માદરે વતનની યાદ સાથે દેશપ્રેમનો જુવાળ જોવા મળ્યો હતો.

‘‘ આઝાદી કા અમૃત મહોત્સવ’’ કાર્યક્રમમાં સંબોધન કરતાં કોન્સલ જનરલ ઓફ ઇન્ડિયા ડૉ.સ્વાતિ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, ભારતની આઝાદીનો 75 મો સ્વતંત્રતા દિવસ એ સિમાચિન્હરૂપ છે. લોકશાહી ભારતના ઇતિહાસ, સંસ્થાઓ અને નીતિશાસ્ત્રમાં ઊંડે સુધી મૂળ ધરાવે છે. છેલ્લા 75 વર્ષમાં ભારતે તેને વધુ મજબૂત બનાવ્યું છે. ગતિશીલ અર્થતંત્ર અને બિનસાંપ્રદાયિક લોકશાહી સાથે મજબૂત ભારતે એક જવાબદાર અને વિશ્વાસપાત્ર રાષ્ટ્ર તરીકે વિશ્વભરમાં આદર મેળવ્યો છે.

અમેરિકા સાથે ભારતના મજબૂત રાજદ્વારી સંબંધોની સાથે વેપાર ક્ષેત્રે પણ ગાઢ સંબંધો છે તેમ ઉમેરી ડૉ. સ્વાતી કુલકર્ણીએ માહિતી આપી હતી કે, બંને દેશો વચ્ચે 150 બિલિયન ડોલરનો મજબૂત દ્વિપક્ષીય વેપાર આગળ વધી રહ્યો છે. આગામી વર્ષોમાં બંને દેશોના સંયુક્ત પ્રયાસોથી દ્વિપક્ષીય વેપારનો લક્ષ્યાંક 500 બિલિયન ડોલરનો લક્ષ્યાંક સરળતાથી પ્રાપ્ત કરશે. 

કોન્સલ જનરલે જણાવ્યું હતું કે, અંદાજે 160 જેટલી ભારતીય કંપનીઓએ સાઉથ-ઇસ્ટ વિસ્તારના દરેક સંભવિત ક્ષેત્રોમાં આગવી ઓળખ ઊભી કરી છે. આ કંપનીઓએ 13.5 બિલિયન ડોલરનું રોકાણ કરી 12000 થી વધારે સ્થાનિક નોકરીઓનું સર્જન કર્યું છે. સાઉથ-ઇસ્ટ ક્ષેત્રમાં 4.50 લાખથી વધુ ભારતીય અમેરિકન્સ વસવાટ કરે છે. આ પૈકી ફ્લોરિડા સ્ટેટમાં 1.80 લાખ અને જ્યોર્જિયા સ્ટેટમાં 1.40 લાખ ભારતીય અમેરિકન્સ વસે છે. જેમાં વિદ્વાનો, વૈજ્ઞાનિકો, ડૉકટર્સ, વકીલો, આઇ.ટી.પ્રોફેશનલ્સ અને ઉદ્યોગ સાહસિકોનો સમાવેશ થાય છે.

સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિવિધ ભારતીય સંસ્થાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરાયો હતો. કાર્યક્રમમાં ગોકુલધામ હવેલીના  ચેરમેન અશોક પટેલ,  એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવા તેમજ ટીમ મેમ્બર્સ કિન્તુ શાહ, હેતલ શાહ, સમીર શાહ, અલ્કેશ શાહ, પરિમલ પટેલ, ગિરીશ શાહ, જીગર શાહ, કેતુલ ઠાકર, હિતેશ પંડિત, મેહુલ પારેખ, કરણ શાહ સહિત અન્ય સભ્યો જોડાયા હતા. આ ઉપરાંત ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન એસોસિયેશનના પ્રમુખ ડૉ.વાસુદેવ પટેલ, આગેવાનો રાજીવ મેનન, ધીરુભાઇ શાહ, સ્ટેટ સેનેટર રહેમાન શેખ, તેમજ નરેન્દ્ર શાહ, જ્યોર્જિયા સ્ટેટના સેનેટ મેમ્બર્સ, હાઉસ રિપ્રેઝન્ટેટીવ્સ, સેન્ડી સ્પ્રિંગ સિટીના કમિશનર, મેયર અને ચીફ ઓફ પોલીસ સામેલ થયા હતા. 
(અહેવાલ લેખન : દિવ્યકાંત ભટ્ટ, ફોટો સૌજન્ય : જસવીર શાહ-મેજીકડસ્ટ ફોટોગ્રાફ)