ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): બ્રાજીલની ખાંડ, બજારમાં પ્રવેશે તે પહેલા સરકારે નિકાસ નોટિફિકેશન બહાર પાડીને દરેક સુગર મિલનો મહત્તમ નિકાસ ક્વોટા જાહેર કરી દેવો જોઈએ, એવું વેસ્ટર્ન ઈન્ડિયા સુગર મિલ્સ એસોસિયેશને ચેતવણીના સ્વરમાં કહી દીધું છે. ૬૦ લાખ ટન નિકાસ કવોટા નિર્ધારિત કરીને ૧૬ ડિસેમ્બરે સરકારે ટન દીઠ રૂ. ૬૦૦૦ની રાહત આપવાની સત્તાવાર જાહેરાત કર્યા બાદ કેટલીક ભારતીય સુગર મિલોએ નાના નફાની લાલચે સોદા ફેંકી દેવા ઉતાવળા થયા છે.

નિકાસકાર સૂત્રો કહે છે કે કેટલીક મિલોએ ઈન્ડોનેશિયા સાથે ૫ લાખ ટન રો સુગર નિકાસના સોદા કરી નાખ્યાના સમાચાર છે. આ સોદા ન્યૂયોક રો સુગર ભાવ સામે ૦.૧૩થી ૦.૧૪ સેન્ટના પ્રીમિયમથી થયા હોવાનું કહેવાય છે. આમ ભારતને ટન દીઠ ૨૫ ડોલર જેવુ નજીવું પ્રીમિયમ પ્રાપ્ત થયું છે.

એક્સ મિલ ભાવ ક્વિન્ટલ દીઠ ૨૭૦૦થી ૨૮૦૦ સામે કેટલીક મિલોએ આ નિકાસ નફા તકનો લાભ લેવા રૂ. ૨૫૦૦થી ૨૬૦૦ના ભાવથી ખરીદી શરૂ કરી દીધી છે. જાગતિક બજારમાં ટન દીઠ ૩૮૯થી ૪૦૦ ડોલર આસપાસ ભાવ સ્થિર હોવા છતાં, ભારતીય નિકાસકારો નાનો નફો મેળવવા સોદા ફેંકી દેવા ઉતાવળા થયા છે. ભારતીય નિકાસકારોએ નિકાસ રાહતની ગણતરી કરીને ૩૬૫થી ૩૭૫ ડોલરના ફેંકી દેવાના ભાવે વિશ્વબજારમાં સોદા ખંખેરી રહ્યા છે.       

કોરોના વાયરસે નવા વર્ષના તહેવારોની ઉજવણીને નિયંત્રિત કરી દેતા, વર્ષાન્ત પહેલાંની સુગર માંગ અને સોદા ઓછા થઈ ગયા છે, ગુરુવારે આઇસીઇ રો સુગર માર્ચ વાયદો ઇન્ટ્રાડેમાં ૧૫ સેંટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ)ની ઊંચાઈએથી પાછો ફરીને ૧૪.૮૮ સેંટ મુકાયો હતો. ભાવ જે કઈ થયા હોય, પણ આ ભાવે ખરીદીની તક નિર્માણ થઈ છે. શું કામ? કારણ કે આગામી મહિનાઓમાં કોરોના રસી તેનો પરચો બતાવવા લાગશે, અને તેથી મહામારી પરની અસર ધીમી છતાં સ્થિર ગતીએ ઓછી થવા લાગશે સાથે જ વૈશ્વિક અર્થતંત્રો સુધારવાના સંયોગ ઉજળા થશે.


 

 

 

 

 

એસએન્ડપી ગ્લોબલ પ્લાટ્સ એનાલિટીક્સના અનુમાન મુજબ ૨૦૨૦-૨૧ની ખાંડ મોસમમાં જાગતિક સુગર ખાધ ૫.૭૯ લાખ ટન રહેશે. આ ફંડામેન્ટલ સીનારિયો, બ્રાજીલના ઉત્પાદકોને એપ્રિલમાં વધુ શેરડીને ખાંડ ઉત્પાદનમાં લઈ જઈને ઓગસ્ટ સુધીમાં તેને નવી ઊંચાઈએ પહોંચાડવામાં મદદ કરશે.

રોકડો માર્ચ વાયદો ૧૮ નવેમ્બરની ૯ મહીનાંની ઊંચાઈએથી પાછો ફર્યો છે. અત્યારે બજાર નબળી પાડવાનું વધુ એક કારણ, વિશ્વના બે મોટા ઉત્પાદક ભારત અને બ્રાજીલમાં શેરડીનો પાક સારી સ્થિતિમાં છે. ૨૦૨૧ માં ઇથેનોલની માંગ બાબતની અચોક્કસતા અને બ્રાજીલ ચલણ રિલ નબળો પડવાથી ઊંચા ભાવ મળતા હોય, અહીના ઉત્પાદકોને મહત્તમ ખાંડ ઉત્પાદિત કરીને જાગતિક સુગર ખાધનો હિસ્સો હસ્તગત કરવાની તક છે.

૨૪ ડીસેમ્બરે આઇસીઇ માર્ચ રો સુગર વાયદો ૧૪.૮૮ સેન્ટે સેટલ થયો હતો, તેની સામે બ્રાજીલીયન એક્સચેન્જમાં હાયડ્રોસ ઇથેનોલ માર્ચ વાયદો ૨૦૧૩ રિલ પ્રતિ ક્યુબિક મીટર, બંધ થયો હતો. પરિણામે અત્યારે ઇથેનોલ સામે માર્ચ ૨૦૨૧પાકતા બાયદામાં ટન દીઠ ૪૫૧ રિલ અથવા ૯૯ ડોલરનું પ્રીમિયમ ઉપલબ્ધ છે.

ટ્રેડરોનું માનવું છે કે આગામી પાકમાંથી ૭૦ ટકા સુગર ઉત્પાદન ક્ષમતા હેજ કરી લેવામાં આવશે, પરિણામે આગામી વર્ષ માટે મર્યાદિત ક્ષમતા જ તરલ રહેશે. આનો અર્થ એ થાય કે ભાવને આધારે ખાંડનું ઇથેનોલ ઉત્પાદનમાં રૂપાંતર કરવાની ક્ષમતા સાવ મામૂલી રહેશે. આમ છતાં, પ્લાટ્સ એનાલિટીક્સના અનુમાન મુજબ બ્રાજીલનું ખાંડ ઉત્પાદન લગભગ ૪૦ લાખ ટન ઓછું ૩૪૩ લાખ ટન આવશે.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)