મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ હાલમાં નોકરી ઈચ્છુકો, બેરોજગાર યુવાનો અન્ય ધૂતારાઓ માટે ગોર્ડન ઓપોર્ચ્યૂનિટિ બની ગયા છે. નોકરી માટે વલખા મારતા યુવાનોને મીઠી મીઠી વાતોથી પટાવીને તેમને લૂંટી પોતાના ખીસ્સા ભરનારાઓની સંખ્યા વધવા લાગી છે. આવા જ એક ધૂતારાઓની ટોળકીનો રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આ શખ્સો ભારતીય રેલવેમાં નોકરી આપવાના બહાને નિમણૂંકોના ખોટા પત્રો ઊભા કરી ઉમેદવારો પાસે તગડા રૂપિયા પડાવતા હતા. જોકે આ વાત રાજકોટના શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના ધ્યાને આવી ગઈ હતી.

તેમણે તુરંત આ સંદર્ભમાં એક્શન લેવાનું નક્કી કર્યું. તેમની સાથે નાયબ પો. કમિશનર પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા, ડીસીપી ક્રાઈમ ડી વી બસીયા પણ જોડાયા. તેમણે ડીસીબી પીઆઈ વી કે ગઢવીને આ બાબતે કોઈને જાણ ન થાય તે રીતે ઓપરેશન પાર પાડવાની સૂચના આપી. તેમણે પીએસઆઈ એમ વી રબારી અને તેમની ટીમ સાથે મળી ગુપ્ત રાહે તેની તપાસ કરી અને તેમની સામે ઘણી બધી હકીકતો આવવા લાગી.

દરમિયાન તેમની ટીમના હે.કો. પ્રતાપસિંહ ઝાલા, કો. એભલભાઈ અને પુષ્પરાજસિંહ જાડેજાને માહિતી મળી કે રાજકોટ શહેરમાં લીંડા ચોક આલાપ બી ઓફીસ નં. 506માં ઓફીસ ધરાવનાર શૈલેષ દલસાણીયા બેરોજગાર યુવાનોના વાલીઓનો સંપર્ક કરી 12 પાસ હોય તેવા યુવાનને રેલવેમાં ક્લાર્કમાં નોકરી અપાવે છે જેના 15 લાખ રૂપિયા લે છે. આ 15 લાખ લઈ તથા 26 હજાર પીડીએફ ફાઈલ થી સબ્મીટ કરવાના લઈ તે યુવાનોને અમદાવાદના કલ્પેશ શેઠ અને રાજપીપળાના ઈકબાલ ખત્રી મારફતે રેલવેના બોગસ ઓર્ડર આપી લખનઉમાં બોગસ ટ્રેનીંગ સેન્ટરમાં ટ્રેનિંગ પણ અપાવતો હતો.


 

 

 

 

 

અહીં સુધી કે આ શખ્સોએ એક ઉમેદવારના બેંક ખાતામાં 45 દિવસ નો પગાર પણ જમા કર્યો હતો અને તેમને પગાર સ્લીપ પણ આપી હતી જેના કારણે તેઓ આ શખ્સો પર વિશ્વાસ મૂકવા લાગ્યા હતા. જેને કારણે અન્ય સગા સંબંધીઓના છોકરાઓ પણ આ લોભ લાલચમાં આવી ગયા હતા. પોલીસે જ્યારે તપાસ કરી તો રેલવેની મંજૂરી વગર તેની જ પ્રોપર્ટીમાં બોગસ તાલીમ કેન્દ્ર ચલાવતા આ લોકોના તાલીમ કેન્દ્ર માં જ 17 કેન્ડિડેટ તાલીમ લઇ રહ્યા હતા.

પોલીસે તમામ શખ્સો સામે કાયદાકીય કાર્યવાહી કરી પુરાવા એકઠા કર્યા છે. પોલીસની આ સફળ કામગીરી ને પગલે કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા કૌભાંડનો પર્દાફાશ કરનાર ટીમને રૂપિયા 15000 નું ઇનામ જાહેર કર્યું હતું.

આરોપીઓના નામ

આ ગુનામાં હિમાંશુ ઉદયભાણ પાંડે રહે લખનઉ, શશી પ્રસાદ ગુપ્તા રહે બિહાર, સુરજ મૌર્ય રહે લખનઉ, શૈલેષ દલસાણીયા રહે જામનગર, કલ્પેશ પ્રભુદાસ શેઠ રહે સોલા અમદાવાદ, ઈકબાલ અહેમદ ખત્રી રહે રાજપીપળા સામે ગુનો નોંધ્યો છે આ પૈકીના કલ્પેશ અને હિમાંશુ પાંડે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.