ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): સતત વધી રહેલા સોયાબીન ભાવે, ભારતના ઓર્ગેનિક સોયાબીનનાં વિપુલ પાકના “માલના નસીબ મોટા” કરી નાખ્યા છે. શિકાગો સોયાબીન જાન્યુઆરી વાયદો મે ૨૦૧૬ પછીની નવી ઉંચાઈએ ૧૦.૯૪ ડોલર પ્રતિ બુશેલ (૨૭.૨૧૮ કિલો) મુકાય છે. ભારતમાં ઓર્ગેનિક સોયાબીનનો નવો પાક ૯૩ લાખ ટનથી વધીને ૧૦૪ લાખ ટન આવવાનો અંદાજ સોયાબીન પ્રોસેસર્સ એસોસિયેશન (સોપા)એ મુક્યો છે. સાથે જ એનાલીસ્ટો ઓર્ગેનિક સોયાબીનના ભાવ આ વર્ષે નવી ઐતિહાસિક ઉંચાઈએ જવાની આગાહી કરી રહ્યા છે. વધુમાં ભારતથી ઉપાડતા જહાજી નુરમાં મોટો ઉછાળો આવ્યો છે, ઈસ્ટ અને વેસ્ટ કોસ્ટનો શિપમેન્ટ નુર ટન દીઠ ૧૨૦ ડોલર મુકાય છે. 

ઐતિહાસિક રીતે દરવર્ષે આવકોની મોસમના ચોથા ત્રિમાસિકના મધ્યમાં ભાવ દબાતા હોય છે, અને મોસમી બોટમ સ્થાપિત કરીને વધવા શરુ થતા હોય છે. સામાન્ય રીતે નિકાસકારો પણ પાછલા તબક્કાનાં વરસાદમાં પાકને નુકશાન થયાનું કહીને ઊંચા ભાવના સોદા માંગતા હોય છે. ૨૦૨૦નુ વર્ષ પણ આથી કોઈ રીતે જુદી નથી પડતું. 

છેલ્લા પાંચ વર્ષનાં ભાવનું અવલોકન કરીએ તો એનસીડેકસ રોકડો વાયદો આ વર્ષે ક્વિન્ટલ દીઠ રૂ ૫૨૬ ઊંચા ભાવે બોલાઈ રહ્યો છે. ઓકટોબરમાં આવકો શરુ થયા પછી ૨૭ ઓકટોબરે સોયાબીન વાયદો રૂ ૪૩૯૦ પ્રતિ ક્વિન્ટલની નવી ઉંચાઈએ બંધ થયો હતો. જે પાંચ વર્ષ અગાઉ ૨૭ ઓકટોબર ૨૦૧૫ના રોજ રૂ ૩૯૬૪ હતો. વળી ભારતીય ઓર્ગેનિક અને પરંપરાગત સોયાબીનનો ભાવ તફાવત પણ ક્યા વિસ્તારમાં વાવણી કેવી થઇ છે અને માંગ પુરવઠાને આધારે નિર્ધારિત થતો હોય છે. હાલમાં ઓર્ગેનિક સોયાબીનનો ભાવ ૬૬૦ ડોલર ઇન્ડીયન પોર્ટ એફઓબી આસપાસ બોલાય છે.


 

 

 

 

 

૨૦૨૦મા અત્યાર સુધીમાં ડોલર સામે રૂપિયો ૩ ટકા નબળો પડ્યો છે. પણ જો એપ્રિલ બોટમથી વિચારીએ તો ૪.૫ ટકા મજબુત થયો છે. આમ મજબુત રૂપિયાએ પણ નિકાસને વધુ ઉંચે જવામાં મદદ કરી છે. રૂપિયો હાલમાં ૭૩-૭૪ની રેન્જમાં મક્કમ છે.

છેલ્લા ચાર વર્ષની સોયાબીનની ચાલ જોઈએ તો ઓક્ટોબરમાં સીઝનલ બોટમ બનાવી, પ્રથમ અને બીજા ત્રિમાસિકમાં સરેરાશ ૧૯ ટકા જેટલા ભાવ વધ્યા હતા. ભારતીય નોન-જીએમ સોયાબીનના ભાવ સરેરાશ રૂ ૫૭૦થી રૂ ૬૭૦ જેટલા વધતા આવ્યા છે. જો આ સરેરાશનો આસરો લઈએ તો ઓર્ગેનિક ભારતીય સોયાબીનના નિકાસ ભાવ આ વર્ષે ટન દીઠ ૭૫૦ ડોલર અને બાલ્ટીમોર બંદરના ભાવ ૮૭૦ ડોલર અથવા બુશેલ દીઠ ૨૪ ડોલર ઉપજવા જોઈએ. 

અમેરિકાના સ્થાનિક ઓર્ગેનિક સોયાબીનના ભાવ હાલમાં ૨૦ ડોલર પ્રતિ બુશેલ મુકાય છે. ભાવની આ સાયકલ હવે ઉપર જવાના પ્રયાસોમાં રહેશે. અમેરિકામાં જીએમ સોયાબીન લણણીની મોસમ પૂરી થતા અને નિકાસમાં માલનો ઉપાડ વધવા સાથે અમેરિકામાં જ્યાં ભારતીય ઓર્ગેનીક સોયાબીન આયાતનો આગ્રહ રાખવામાં આવે છે, ત્યાં ભાવ વેગથી વધવા લાગશે. અમેરિકામાં ઉપયોગમાં લેવાતા કૂલ ઓર્ગેનિક સોયાબીનમાં આયાતનો હિસ્સો ૭૦ ટકા જેટલો મોટો છે. અમેરિકન એનાલીસ્ટો માને છે કે ૨૦૨૧ના પ્રથમ ત્રિમાસિકમાં ઓર્ગેનિક સોયાબીનના ભાવ ૨૩ ડોલર પ્રતિ બુશેલની ઉંચાઈએ પહોચશે.  

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)