ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): ભારતની આયર્ન ઓર નિકાસ, ૨૦૧૯ની ૧૯૧ લાખ ટનથી બમણી થઈ ૨૦૨૦માં ૪૦૭ લાખ ટન થઈ હતી. આમાંની મહત્તમ નિકાસ ચીન ખાતે ૧૬૬ લાખ ટનથી વધીને ૩૮૧ લાખ ટન થઈ હતી. ઇન્ડીયન સ્ટીલ એસોસિયેશનનું કહેવું છે કે સ્ટીલ ઉત્પાદનના મહત્વના કાચા માલની ચીનમાં જબ્બર માંગ નીકળતા જાગતિક ભાવ આસમાને ગયા. પરિણામે ભારતીય સ્ટીલ ઉધ્યોગ ભારે મુશ્કેલીમાં આવી ગયો છે. વૈશ્વિક આયર્ન ઓરના ભાવ ટન દીઠ ૧૭૦ ડોલરની વિક્રમ ઊંચાઈએ પહોંચી ગયા છે ત્યારે ભારતીય ખાણોને મોટો નફો કમાવાની આકર્ષક તક ઊભી થઈ છે. 

જાન્યુઆરી અને નવેમ્બર દરમિયાન વૈશ્વિક સ્ટીલ ઉત્પાદન ૧.૩ ટકા ઘટીને ૧.૬૧ અબજ ટન થયું હતું, તેની તુલનાએ એકલા ચીનમાં ૫.૫ ટકા વિપુલ વધીને ૯૬૧૧.૬ લાખ ટન થયું હતું. ૨૦૨૦ ના ચીનના સ્ટીલ માંગના કૂલ આંકડા આવશે ત્યારે તે ૧ અબજ ટનનો આંક વટાવી જાય તેવી સંભાવના છે. ભારતમાં પણ નવેમ્બરમાં વર્ષાનું વર્ષ ધોરણે સ્ટીલ ઉત્પાદન ૩.૫ ટકા વધીને ૯૨.૪૫ લાખ ટન થયું હતું. ૨૦૨૦ના ૧૧ મહિનાનું ઉત્પાદન ૧૨.૩ ટકા ઘટીને ૮૯૪ લાખ ટન થયું હતું.

અગાઉ આયર્ન ઓરના ભાવ ૧૦૦ ડોલર થાય ત્યારે હેડલાઇન સમાચાર બનતા હતા. ૧૬૫થી ૧૭૦ ડોલર ભાવ એ જીવનમાં એકાદ વખત સાંભળવા જેવી ઘટના છે. ચીન તેના લ્યુનાર નવા વર્ષની લાંબી રાજા પર જાય તે પહેલા સ્ટીલ મિલોએ જબ્બર રી-સટોકિંગ લેવાલી કાઢી હતી. ગત શુક્રવારે ચીનનો આયર્ન ઓર વાયદો સતત છ સત્રમાં વધ્યો હતો, પરિણામે મધ્ય ડિસેમ્બર પછીની આ પહેલી સાપ્તાહિક ઘટના છે. મંગળવારે ડેલિયાં કોમોડિટી એકક્સચેંજ પર આયર્ન ઓર વાયદો ૨.૩ ટકા ઊછળી ૧૦૬૭ યુઆન (૧૬૫ ડોલર) બંધ થવા અગાઉ ૧૦૭૯ યુઆન મુકાયો હતો, ૨૨ ડિસેમ્બર પછીનો આ નવો ઊંચો ભાવ હતો.

સિંગાપુર વાયદો વધીને ૧૬૯.૦૩ ડોલર હતો. રી-સટોકિંગ માંગે ચીનમાં સ્ટીલ મિલો ૧૭૦ ડોલર ઉપર હાજર ભાવ આપવા તૈયાર હતા, નવ વર્ષ પછી આ ભાવ જોવા મળ્યો હતો. સાયનોસ્ટીલ વાયદાના એક એનાલિસ્ટે કહ્યું હતું કે ચીનના મોટા ભાગના સ્ટીલ ઉત્પાદક વિસ્તારોમાં સ્ટીલ મિલોએ તેમના ઉત્પાદન કામકાજો અને વિસ્તારોની અદલાબદલી કરતાં સ્ટીલ અને વાયદાના ભાવમાં મોટી વધઘટ જોવા મળી રહી છે.   

વર્તમાન દાયકામાં ફેબ્રુઆરી ૨૦૧૧માં આયર્ન ઓરના ભાવએ ૧૮૭ ડોલરની સર્વોચ્ચ ઊંચાઈ જોઈ હતી, જ્યારે ડિસેમ્બર ૨૦૧૫માં ૪૧ ડોલરનું તળિયું બનાવ્યું હતું. ઓસ્ટ્રેલીયા અને બ્રાજીલની ૧૬ ખાણ કંપની અને ૧૯ પોર્ટ પરથી વિશ્વના જુદા જુદા તમામ દેશોમાં, ૪થી ૧૦ જાન્યુઆરી સુધીમાં  નિકાસ, સતત બીજા સપ્તાહમાં ૧૯.૮ ટકા અથવા ૫૬ લાખ ટન ઘટીને ૨૨૮ લાખ ટન થઈ હતી. માયસ્ટીલ એજન્સીનો અહેવાલ કહે છે કે બંને દેશોમાંથી સપ્તાહદર સપ્તાહ નિકાસમાં ઘટાડો નોંધાયો હતો.

શું ટૂંકાગાળામાં આયર્ન ઓરના ભાવ આ સપાટીએ ટકાઉ સાબિત થશે? આવો પ્રશ્ન હવે પૂછાઈ રહ્યો છે. મોટાભાગના એનાલિસ્ટો માને છે કે ૨૦૨૧ના પ્રથમ ત્રિમાસિકમાં કોરોના વેક્સિનની શોધે અર્થતંત્રોમાં જીવંતતા આવવાને લીધે ચીનની સ્ટીલ મિલો, સ્ટોક વધારવાનું બંધ કરે તેવી સંભાવના નથી, એ જોતાં ભાવ મજબૂત રહેશે. બ્રાજીલમાં ડિસેમ્બરમાં પહાડો ધસી પડવાની ઘટના અને ઓસ્ટ્રેલિયામાં નકારાત્મક હવામાનને પગલે ખાણોમાં ઉત્પાદનને અસર અને પોર્ટ પર પ્રવૃત્તિ ધીમી થાવાનું જોતાં, આયર્ન ઓરના ભાવ વધી શકે છે.    

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)