મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભાગેડૂ ડાયમન્ડનો વેપારી મેહુલ ચોક્સીના મુદ્દા પર ભારતના ઉચ્ચાયુક્તએ આજે એન્ટિગુઆ અને બાર્બુડાના સંબંધિત સરકારી અધિકારીઓ સાથે મુલાકાત કરી. સૂત્રોનું માનીએ તો, ઉચ્ચાયુક્ત એન્ટિગુઆ અને બાર્બુડાના અધિકારીઓને લેખિત અને મૌખિક રીતે ત્યાં ચોક્સીની હાજરીની પૃષ્ટી કરવા, તેને પકડી પાડવા અને જળ, જમીન અથવા વાયુ કોઈ પણ માર્ગથી તેની આગેવાની પર પ્રતિબંધ લગાવવાનું કહ્યું.

ભારતીય સરકારી સૂત્રોએ કહ્યું કે અમારા હાઈ કમિશનર આજે એન્ટિગુઆ અને બાર્બુડા સરકારના અધિકારીઓને મળી રહ્યા છે. અમે ભારત અને એન્ટિગુઆ-બાર્બુડાની સરકારોની એજન્સીઓ સાથે તાલમેલ બેસાડીને પ્રયત્નમાં લાગી ગયા છીએ અને અમે આ કેસમાં સતત નજર રાખી રહ્યા છીએ.

મેહુલ ચોક્સી પંજાબ નેશનલ બેન્ક ફ્રોડ કેસમાં સંડોવાયેલો છે. દેશની એજન્સીઓ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એક્ટ (પીએમએલએ) અંતર્ગત કેસ ફાઈલ કરાયેલામાં તેની તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ખુદ મેહુલ ચોક્સીએ જ પોતાના વકીલ દ્વારા નિવેદન જાહેર કર્યું કે તે એન્ટિગુઆમાં છે. તેણે કહ્યું કે તે એન્ટિગુઆ અને બાર્બુડા સરકારથી નાગરિક્ત્વ આપવાની અરજી કરી ચુક્યો છે.