ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): કોરોના કેસમાં વિક્રમસર્જક ઉછાળાએ ભારતીય અર્થતંત્રની ગતિને વધુ ધીમી પાડવાના પડકારો સર્જ્યા છે. પાછલા ત્રિમાસિક સુધી ભારતીય રૂપિયો એશિયન બજારમાં ઉત્તમ ગણાતો હતો, તે હવે સૌથી ખરાબ સ્થિતિમાં આવી ગયો છે. રૂપિયા સામે હવે પછી વધુ ગૂંચવણભર્યા પડકારો મોઢું ફાડીને ઊભા છે. નકારાત્મક વાસ્તવિક વ્યાજદર, જીડીપીમાં નબળાઈ, સરકારી આવકમાં ઘટાડો અને દરિયાપારની નબળી બગાઓ અત્યારે ભારતીય રૂપિયાને કનડવા લાગી છે.

પાછલા ત્રિમાસિક સુધી અર્થતંત્રમાં આવેલી ચેતના, વિદેશી હૂંડિયામનનો ભારતમાં આવતો વ્યાપક પ્રવાહ તેમજ વિક્રમ કરંટ એકાઉન્ટ સરપ્લસ સાથે મજબૂત અમેરિકન બોન્ડ યીલ્ડએ અન્ય એશિયન કરન્સી સામે ભારતને અવ્વલ સ્થાન અપવવામાં મદદ કરી હતી. આ બધા વચ્ચે મહત્વનું એ છે કે ભારત પાસે જ્યારે આ બધુ હતું ત્યારે કોઈને મજબૂત નીતિવિષયક નિર્ણયો લેવાનું સુજયું નહીં, હવે અર્થતંત્રને હાથના કર્યા હૈયે વાગ્યા છે.   

આ સપ્તાહે છેલ્લા ૮ મહિનામાં પહેલી વખત ડોલર સામે રૂ ૭૫ પાર ગયો, શુક્રવારે તે રૂ. ૭૪.૩૮ મુકાયો હતો. કરન્સી એનાલિસ્ટો સ્વીકારે છે કે વર્ષને અંતે વધુ નબળો પડી રૂ. ૭૬ થઈ શકે. તેઓ કહે છે કે આપણે માનીએ છીએ તેના કરતાં આર્થિક વિકાસ વધુ ખરડાશે. હજુ પણ આપણે કોરોના સામે બહુ કઈ ખાસ ગંભીર નથી. શક્ય છે કે વર્ષના બાકીના સમયમાં પણ સૌથી ઉત્તમ કરન્સીના સ્થાને પાછા લાવવાના હથિયાર આપણે હેઠા મૂકી દીધા છે.

૨૦૨૧માં મહત્તમ સમય આપણે ડોલર સામે રૂ. ૭૨/૭૩ની મજબૂતી જાળવી ત્યાર પછી રમતમાંથી બહાર નીકળી ગયા. તો પછી એવું તે શું થયું કે ટૂંકાગાળામાં રૂપિયો નબળો પાડવા લાગ્યો? જો આપણે લાંબાગાળાનો વિચાર કરી તો, દર વર્ષે ડોલર સામે રૂપિયો સરેરાશ ચારથી પાંચ ટકા નબળો પડતો આવ્યો છે. આનું એક કારણ છે, અમેરિકન ફુગાવાદર ભારત કરતાં ખુબજ નીચો રહે છે, અને તેથી બંને દેશના એક્સ્ચેન્જ દરોને એડજસ્ટ કરવા પડે છે.


 

 

 

 

 

રિજર્વ બેંકના ગવર્નર શક્તિકાન્ત દાસએ ૭ એપ્રિલે નાણાંનીતિના એક ભાગ રૂપે જી-સેપ (ગવર્નમેન્ટ સિક્યુરિટીઝ એકવિજિશન પ્રોગ્રામ) સંદર્ભનું નિવેશન કારતા જ રૂપિયાએ તેનું મૂલ્ય ગુમાવવાની શરૂઆત કરી હતી. ૬ એપ્રિલે ૧ ડોલરના રૂ. ૭૩.૨૮ હતા તે ૧૪ એપ્રિલે રૂ. ૭૫.૨૦ થયા. ૨૬ માર્ચે ભાવ હતો રૂ. ૭૨.૪૫.

વિશ્વમાં કોવિદથી સૌથી વધુ પીડિત તરીકેનું બ્રાજીલનું પ્રથમ સ્થાન ભારતે લઈલીધું ત્યાર બાદ રૂપિયાની માઠી દશા બેઠી છે. ગત વર્ષે જ્યારે લોકડાઉન લાદવામાં આવ્યો હતો તેની ભયાનક યાદ આજે પણ નાગરિકોમાં તાજી છે, જેણે માંગ નબળી પાડીને અર્થતંત્રને સાત દાયકાના તળિયે લાવી ઈવામાં ભૂમિકા કરી હતી.

વૈશ્વિક કોમોડિટીના સતત વધી રહેલા ભાવ ભારતની કરંટ એકાઉન્ટ ડેફિસિટની ખાઈને ૧ એપ્રિલથી શરૂ થયેલા વર્તમાન નાણાકીય વર્ષમાં વધુ પહોળી કરી નાંખશે. ગત સપ્તાહે રિજર્વ બેંકે ક્વાંટીટેટીવ ઇજિંગ જેવુ ફેન્સી નામ ધરાવતા રૂપિયાની નોટ છાપી નાખવાની જાહેરાત કરી તે બજારમાં કારન્સીની પ્રવાહિતામાં વધારો કારનાર સાબિત થશે, જે રૂપિયાની વધુ બરબાદી કરશે. અલબત્ત, બરકલેઝ પીએલસીનું કહેવું છે કે રિજર્વ બેંકે રૂપિયાને બચાવવાના વિકલ્પ તરીકે વિદેશી હૂંડિયામણ અનામતનો ઉપયોગ કરવો જોઈએ.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)