મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છ: લાંબા સમય બાદ ફરી એકવાર કચ્છનાં દરિયામાંથી ચરસનાં પેકેટ મળી આવ્યા છે. આ વખતે ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમને અંદાજે સાત લાખની કિંમતના ચરસના એક-એક કિલોનાં પાંચ પેકેટ મળી આવ્યા છે. જખૌ ખાતે આવેલા ભારતીય તટરક્ષક દળ સ્ટેશનના ઇન્ટરસેપ્ટર ક્રાફ્ટ IC-125 એ ગઈ 20મીનાં રોજ કડિયારી બેટ (જખૌ બંદર નજીક)માં સર્વેલન્સ ફેરા દરમિયાન નાર્કોટિક્સ પદાર્થો ધરાવતા અંદાજે 01 કિલોનું એક એવા પાંચ (05) પેકેટ મળ્યા હતા.

પ્રાથમિક તપાસમાં "ચરસ” હોવાનું બહાર આવેલા આ માદક પદાર્થની પ્રવર્તમાન બજાર મુલ્ય અનુસાર અંદાજે રૂપિયા 07 લાખનો જથ્થો છે. ICGS જખૌ દ્વારા તેમના જવાબદારીના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી હાથ ધરવામાં આવી રહેલા અને સફળતાપૂર્વક પાર પાડવામાં આવી રહેલા આવા ઓપરેશનોને આગળ વધારતા આ કામગીરી કરવામાં આવી હતી.

તાજેતરમાં કરાયેલી આવી કામગીરીઓમાં રૂપિયા ત્રણ કરોડથી વધુની કિમંતનાં નાર્કોટિક્સ પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. દેશની સમુદ્રી સરહદો/ દરિયાકાંઠા પર અસરકારક રીતે દેખરેખ રાખવા માટે દિવસ-રાત દરિયામાં તેમજ હવાઇસીમામાં તૈનાત કરવામાં આવેલા ભારતીય તટરક્ષક દળને સોંપવામાં આવેલી ફરજો અનુસાર આ કામગીરી કરવામાં આવી રહી છે.