મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છઃ પાક્સ્તાનની નજીકના કચ્છના દરિયામાં પાકિસ્તાની નાપાક હરકતો ઘણીવાર સામે આવી ચુકી છે. ભારતમાં ઘૂસવાની હરકતો હોય કે કોઈ ગેરકાયદે સ્મગલીંગ કરવાની વાત હોય પાક્સિતાની બોટ પણ અહીં ઘણીવાર પકડાઈ ચુકી છે. વધુ એક વાર જખૌ ખાતે કેટલાક પાકિસ્તાનીઓ 30 કિલોના હેરોઈન સાથે પકડાયા છે. 8 પાકિસ્તાની નાગરિકોની આ ઘટનામાં ધરપકડ કરવામાં આવી છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસ બંનેએ સાથે આ ઓપરેશન પાર પાડ્યું હતું.

કચ્છના જખૌ પાસે ભારતીય જળસીમામાંથી એક બોટ પકડાઈ હતી. ઈન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા ટ્વીટ કરી જાણકારી અપાઈ હતી કે, ગુજરાત એટીએસ સાથે અમે એક સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં ગુરુવારે કચ્છના જખૌ બંદર પાસેથી એક બોટ પકડાઈ હતી. આ બોટ પાકિસ્તાનની હતી જેમાં 8 પાકિસ્તાની નાગરિકો સવાર હતા. તેમની પાસે 30 કિલો હેરોઈન પણ પકડાયું છે. આ પાકિસ્તાની બોટ ભારતીય જળસીમા વિસ્તાર આંતરરાષટ્રીય સુમદ્રી રેખા નજીકથી પકડાઈ છે.

એ.ટી.એસ.ના અધિકારી નાયબ પોલીસ અધિક્ષક ભાવેશ રોજીયાને બાતમી મળેલી હતી કે, પાકિસ્તાનથી દરીયાઇ માર્ગે પ્રતિબંધિત હેરોઇનનો જથ્થો ભારત પાકિસ્તાન IMBL પરથી જખૌથી આશરે ૪૦ નોટીકલ માઇલ પાકિસ્તાનની બોટ ‘‘નુહ’’માં આવવાનો છે અને પંજાબ જવાનો છે. જે બાતમી આધારે એ.ટી.એસ.ની ટીમ તથા દ્વારકા એસ.ઓ.જી. જખૌ ખાતે આવી જખૌ કોસ્ટગાર્ડના ઉચ્ચઅધિકારીઓને મળી સંયુકત ટીમ બનાવી કોસ્ટગાર્ડની ઇન્ટરસેપ્ટર બોટમાં બેસી રવાના થઇ ઉપરોકત બાતમીવાળી જગ્યાએ આવી પેટ્રોલીંગમાં રહેલ દરમ્યાન ગઇ મોડીરાત્રે બાતમીવાળી જગ્યાએ એટલે કે જખૌથી ૪૦ નોટીકલ માઇલ ભારતીય જળસીમામાં બાતમી પ્રમાણેની શંકાસ્પદ બોટ ‘‘નુહ’’ જોવામાં આવતા તુરંત જ આ બોટને આંતરી આ બોટમાં રહેલ આઠ પકિસ્તાની ઇસમો તથા તેમના કબ્જામાં રહેલા ૩૦-કિ.ગ્રા. જેટલો હેરોઇનનો જથ્થો જેની અંદાજીત કિંમત આશરે ૧૫૦-કરોડનો તથા આ પાકિસ્તાની ‘‘નુહ’’ બોટ પકડી લઇ જખૌ કોસ્ટગાર્ડ સ્ટેશને આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બોટની હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે. બોટમાં હજુ કોઈ ગેરકાયદે વસ્તુ કે અન્ય કોઈ દેશને નુકસાન પહોચાડે તેવું કાંઈ મળી આવે છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે થોડા જ દિવસો અગાઉ પોરબંદરમાં પણ પાકિસ્તાન મેરીટાઈમ સિક્યૂરિટી એજન્સી દ્વારા ભારતીય બોટનું અપહરણ કરવામાં આવ્યું હતું જેમાં છ માછીમારોને તેમણે બંધક બનાવ્યા છે.