મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈ : ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માના ઘરે એક નવું મહેમાન આવ્યું છે. રજા લીધા બાદ ઑસ્ટ્રેલિયા છોડીને ભારત પરત આવેલા વિરાટે સોમવારે કહ્યું હતું કે અમારે ત્યાં પુત્રીનો જન્મ થયો છે.

કેપ્ટન કોહલીએ ટ્વિટ કરીને લખ્યું કે, 'અમને બંનેને એ જણાવતા આનંદ થઈ રહ્યો છે કે આજે બપોરે અમારે ત્યાં પુત્રીનો જન્મ થયો છે. અમે તમારા પ્રેમ અને મંગલકામનાઓ માટે દિલથી આભારીએ છીએ. અનુષ્કા અને અમારી પુત્રી બંને સ્વસ્થ છે અને અમારું સૌભાગ્ય છે કે અમને જિંદગીના આ ચેપ્ટરના અનુભવ કરવાની તક મળી. અમે જાણીએ છીએ કે તમે એ જરૂર સમજશો કે હાલના સમયે અમને બધાને થોડી પ્રાઇવસી જોઈએ. '

તમને જણાવી દઈએ કે, ગયા અઠવાડિયે વિરાટ અને અનુષ્કા બાંદ્રામાં તેના ફ્લેટ નજીક ક્લિનિક ગયા હતા અને તે પછી તેઓ સાથે જમ્યા હતા. આ દરમિયાન અનુષ્કા બેબી બમ્પ સાથે ખૂબ સ્ટાઇલિશ લુકમાં જોવા મળી હતી.

વિરાટ અને અનુષ્કાએ 11 ડિસેમ્બર 2017 ના રોજ ઇટાલીના એક ગામમાં લગ્ન કર્યા હતા. ફક્ત નજીકના મિત્રો અને સંબંધીઓ વૈભવી રિસોર્ટમાં હાજર રહ્યા હતા. બાદમાં દિલ્હી અને મુંબઇમાં બે ભવ્ય રિસેપ્શન રાખવામાં આવ્યા હતા.