મેરાન્યૂઝ નેટવર્ક, હૈદરાબાદ: ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝને હૈદરાબાદ ખાતે રમાઇ રહેલ ટેસ્ટ મેચમાં 10 વિકેટથી હરાવી આજે રવિવારે હરાવી દીધુ હતું. વેસ્ટ ઇન્ડિઝની ટીમે ભારતને જીત માટે 72 રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેને ટીમ ઇન્ડિયાએ 16.1 ઓવરમાં વિના વિકેટે હાંસલ કર્યો હતો. પૃથ્વી શૉ 33 અને લોકેશ રાહુલ 33 રને અણનમ રહ્યા હતા. પૃથ્વીએ ચોક્કા સાથે વિનિંગ શૉટ ફટકાર્યો હતો. આમ ભારતીય ટીમે બે ટેસ્ટ મેચની શ્રેણી 2-0થી જીતી લીધી છે.

હૈદરાબાદ ખાતે રમાયેલ બીજી ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝની  ટીમે પ્રથમ દાવમાં 311 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ક્રિકેટ ટીમે પ્રથમ દાવમાં 367 રન બનાવ્યા હતા. બીજા દાવમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ માત્ર 127 રનમાં ઓલ આઉટ થઇ હતી અને ભારતીય ટીમે બીજા દાવમાં વિના વિકેટે 75 રન ફટકારી આ ટેસ્ટ મેચ જીતી લીધી હતી.

સતત દસમી ટેસ્ટ શ્રેણી જીતવાનો વર્લ્ડ રેકોર્ડ: આ ટીમ ઇન્ડિયાની ભારતીય મેદાન પર સતત 10મી ટેસ્ટ શ્રેણીમાં જીત થઇ છે. પોતાના દેશમાં સૌથી વધુ ટેસ્ટ શ્રેણી જીતવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયા (10 ટેસ્ટ મેચ) નો છે અને ભારતે પણ તેની બરાબરી કરી લીધી છે. એટલું જ નહેં આ આઠમી વખત બન્યું છે કે જ્યારે ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટમાં 10 વિકેટથી જીત હાંસલ કરી હોય. જ્યારે વેસ્ટ ઇન્ડિઝને પ્રથમ વખત આટલા મોટા અંતરથી હરાવ્યું છે.

ભારતીય બોલર્સની વાત કરીએ તો આ ટેસ્ટ મેચમાં ઉમેશ યાદવે પ્રથમ ઇનિંગમાં 6, આર અશ્ચિને પ્રથમ ઇનિંગમાં 1, કુલદીપ યાદવે પ્રથમ ઇનિંગમાં વેસ્ટ ઇન્ડિઝની 3 વિકેટ હાંસલ કરી હતી. જ્યારે બીજી ઇનિંગમાં ઉમેશ યાદવે 4, આર. શ્ચિને 2, કુલદીપ યાદવે 1 અને રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટ હાંસલ કરી હતી. આમ ઉમેશ યાદવે બંને ઇનિંગમાં થઇને વેસ્ટ ઇન્ડિઝના 10 બેટ્સમેનને પેવેલિયન ભેગા કર્યા હતા. જેથી ઉમેશ યાદવને પ્લેર ઑફ ધ મેચ જાહેર કરાયો હતો. જ્યારે પૃથ્વી શૉ ને પ્લેર ઑફ ધ સિરિઝ જાહેર કરાયો હતો.