ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): મજબૂત ડોલર, ઊંચા ટ્રેજરી યીલ્ડ, અને શેરબજારમાં વધી રહેલા ભાવોએ સોના સહિતની બિન-ઉત્પાદકીય અને વ્યાજ વળતર નહીં આપતી ડોલર ભાવમાં બોલાતી તમામ એસેટ્સ પર નીચે જવાનું દબાણ સર્જ્યુ છે. ફુગાવાદર વૃધ્ધિ થકી સોનાની માંગમાં વધારાની આશા પણ ફળીભૂત થતી નથી. મજબૂત શેરબજાર અને ટ્રેજરી યીલ્ડનો તાજેતરનો ઘટાડો, આ બે એવા ઉદાહરણ છે, જેમાં યુએસ ફેડ માને છે કે આ ઘટના ટૂંકાગાળાની છે, પરિણામે વ્યાજદર વધારવાનો પણ વિચાર નથી કરાતો.

વર્તમાન સપ્તાહે રોકાણકારોએ અમેરિકન ડોલર અને શેરબજારની વધઘટ સામે ચાંપતી નજર રાખવાની રહેશે, જે સોનાના ભાવને ઉપરતળે કરશે. વધુમાં કયા મહત્વના દેશની ઈકોનોમી કઈ રીતે વળાંક લે છે, સેન્ટ્રલ બેંકોના નિવેદનો, અને કોરોના મહામારીના ડેટા પર પણ નજર રાખીને વેપાર કરશો તો, લાખના બાર હજાર થતાં બચી જશે. વધુમાં અમેરિકા ચીનની સમસ્યાઓ, અમેરિકન ઇન્ફ્રાસ્ટ્રકચર બિલ અને ચીન સરકાર કોમોડિટી વેપાર પર કેવાંક નિયંત્રણો મૂકે છે તે બધુ ધ્યાનમાં રાખવાનું રહેશે.  

બુલિયન બજારને તેજી માટે હવે જરૂર છે, નવા ફંડામેન્ટલ ચાલકબળની. નબળા બોન્ડ યીલ્ડ અને કોરોના મહામારીના કેસ એટલા બધા નથી વધતાં જે સોનાના ભાવને ઉપર લઈ જવામાં મદદરૂપ થાય. છેલ્લા પાંચ સપ્તાહમાં ગયા અઠવાડિયે સોનામાં પહેલી વખત સાપ્તાહિક પીછેહઠ જોવાઈ હતી. ભારતમાં સોનાના ફિજિકલ ગ્રાહકોને આકર્ષવા ડિલરો સત્તાવાર ભાવ સામે ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) દીઠ ૬ ડોલરનું ડીકાઉન્ટ ઓફર કરી રહ્યા છે. ગત સપ્તાહે આ ડિસ્કાઉન્ટ પાંચ ડોલર હતું.

Advertisement


 

 

 

 

 

અમેરિકન ફેડરલ રિજર્વ બુધવારે તેનો નીતિવિષયક નિર્ણય ના લે ત્યાં સુધી ભાવ ૧૮૦૦ ડોલર આસપાસ અથડાયા કરશે. એવું અનુમાન છે કે યુરોપિયન સેન્ટ્રલ બેંક થોડો વધુ સમય માટે વ્યાજદર શૂન્ય નજીક રાખશે. મંગળવારે નાયમેક્સ ઓગસ્ટ વાયદો ઘટીને ૧૭૯૪.૨૫ ડોલર થયો હતો. અમેરિકન બેન્ચમાર્ક ૧૦ વર્ષના બોન્ડનું યીલ્ડ ૦.૩૦ પોઈન્ટ વધીને ૧.૨૮૮ ટકા રહ્યું હતું. ૩૦ વર્ષીય બોન્ડ યીલ્ડ પણ ૦.૨૦ પોઈન્ટ વધીને ૧.૯૨૭ ટકા થયું હતું.

ટૂંકાગાળાના ફંડામેન્ટલ્સ બુલિયનબજારને રાસ નહીં આવતા હોવાથી, ટેકનિકલ ટ્રેડરોએ બજાર પર કબજો કર્યો છે. જે નકારાત્મક ટ્રેન્ડ દાખવે છે. આથી કેટલાંક ટ્રેડરો મંદીનો વેપાર ગોઠવવા આકર્ષાયા છે. ઘટયા મથાળે ફિજિકલ બાયરોનો સોનાને સારો સપોર્ટ મળી રહ્યો છે, પણ સટ્ટાકીય પોજીશન ટાઈટ થઈ ગઈ હોવાથી, બજારની મોમેન્ટમ સંઘર્ષ કરતી થઈ ગઈ છે.         

બજારનો સર્વાંગી આંતરપ્રવાહ મજબૂત છે, રોકાણકારો માટે ઘટયા ભાવનો લાભ લેવાની આ તક છે. અમેરિકા, યુરોપ, ભારત, સાઉથઇસ્ટ એશિયા અને દક્ષિણ આફ્રિકામાં કોરોનાની તાજી લહેર વકરી રહી છે, અને જાગતિક ફુગાવો ચિંતાનો વિષય બન્યો છે, ત્યારે સોનું ફરીથી રોકાણકારો માટે સલામત મૂડીરોકાણનું સ્વર્ગ બની જવાનું. બુલિયન એનાલિસ્ટઓ પણ હવે તો રોકાણકારોને સલાહ આપવા લાગ્યા છે “ઘટાડે ખરીદો” નો વ્યુહ અપનાવો. 

Advertisement


 

 

 

 

 

ભારતમાં મોટાપાયે સોનાની આયાત થવા લાગી છે, તેથી વેપારખાધમાં જડપી વધારો થયો છે. આ વર્ષના એપ્રિલથી જૂન દરમિયાન આયાત અને નિકાસ વેપારમાં ૩૧ અબજ ડોલરનો તફાવત રહી ગયો છે. ભારત વર્ષે ૮૦૦થી ૯૦૦ ટન સોનાની આયાત કરે છે.   

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)