મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ ઈન્ડિયન કોસ્ચ્યૂમ ડિઝાઈનર ભાનુ અથૈયાનું ગુરુવારે નિધન થઈ ગયું છે. ભાનુ અથૈયા પ્રથમ એવી ભારતીય રહી ચુકી છે જેણે પહેલો એકેડેમી અને ઓસ્કાર એવોર્ડ જીત્યો હતો. 91 વર્ષની ઉંમરે ભાનુંએ મુંબઈ સ્થિત પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા છે. ભાનુંના નિધનની જાણકારી તેની દીકરીએ આપી છે. ભાનુ છેલ્લા ઘણા સમયથી બિમારી સામે ઝઝૂમી રહી હતી. ભાનુંનું નિધન થતાં બોલિવુડ સ્ટાર્સ સહીત ઘણા ફેન્સ પણ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી ચુક્યા છે.

આપને જણાવી દઈએ કે, ભાનુએ ઘણી ફિલ્મોમાં કોસ્ચ્યુમ ડિઝાઇન કરીને પોતાને માટે એક મોટું સ્થાન બનાવ્યું હતું. ભાનુએ તેની કારકીર્દિની શરૂઆત વર્ષ 1956 માં સીઆઈડી ફિલ્મથી કરી હતી. ભાનુને તેની વાસ્તવિક ઓળખ ફિલ્મ ગાંધીથી મળી. 1983 માં, ભાનુ આથૈયાને ઓસ્કરમાં દિગ્દર્શક રિચાર્ડ એટનબરોના 'ગાંધી' માટે શ્રેષ્ઠ પોશાક ડિઝાઇનરનો એવોર્ડ મળ્યો હતો. ભાનુએ તેની કારકિર્દીમાં ગુરુ દત્ત, રાજ કપૂર, યશ ચોપડા અને આશુતોષ ગોવારિકર સહિતના દિગ્ગજ દિગ્દર્શકો સાથે કામ કર્યું છે.

ભાનુએ ફક્ત બોલિવૂડમાં જ નહીં પરંતુ હોલીવુડમાં પણ તેમની કલાનું પ્રદર્શન કર્યું અને વિદેશી દિગ્દર્શકો સાથે પણ કામ કર્યું. કોસ્ચ્યૂમ ડિઝાઇનર તરીકે ભાનુએ 100 થી વધુ બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે છેલ્લે આમિર ખાનની ફિલ્મ લગાન અને શાહરૂખ ખાનની ફિલ્મ સ્વદેશ માટે કામ કર્યું હતું.