મેરાન્યૂઝ નેટવર્ક.તિરુવનંતપુરમઃ

ભારતીય ક્રિકેટ ટીમે આજે પાંચમી અને છેલ્લી વન ડે ક્રિકેટ મેચમાં પ્રવાસી વેસ્ટ ઇન્ડીઝને ૯ વિકેટથી હરાવી શ્રેણી ૩-૧થી જીતી લીધી છે. વેસ્ટ ઇન્ડીઝની ટીમ માત્ર ૧૦૪ રન બનાવીને જ તંબુ ભેગી થઇ જતા ભારતીય ટીમે માત્ર ૧૪.૫ ઓવરમાં જ એક વિકેટ ગુમાવી ૧૦૫ રન કરી લીધા હતા. વેસ્ટ ઇન્ડીઝની ૪ વિકેટ ઝડપનાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે ત્રણ સદી સાથે સૌથી વધારે ૪૫૩ રન કરનાર ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને મેન ઓફ ધ સીરીઝ જાહેર કરવામાં આવ્યો છે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની વન ડે સીરીઝની છેલ્લી વનડે આજે તિરુવનંતપુરમના ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર વેસ્ટ ઇન્ડીઝની ટીમ માત્ર ૩૨ ઓવરમાં ૧૦૪ રન બનાવી ઓલઆઉટ થઇ ગઈ હતી. ભારતીય ટીમે માત્ર ૧૪.૫ ઓવરમાં જ આ લક્ષ્યાંક ૧ વિકેટ ગુમાવી પૂરો કરતા ૯ વિકેટે મેચ જીતી લીધી છે. આ સાથે જ ભારતે ઘર આંગણે આ વર્ષે પ્રથમ વનડે શ્રેણી જીતવાની સાથે છેલ્લા ત્રણ વર્ષથી ભારતમાં વન ડે શ્રેણી નહીં હારવાનો રેકોર્ડ જાળવી રાખ્યો છે.

આ મેચમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ ૧૦૪ રનમાં જ આઉટ થઇ ગઈ હતી. વેસ્ટ ઇન્ડીઝ તરફથી કેપ્ટન જેસન હોલ્ડરે ૨૫ અને સેમ્યુલે ૨૪ રનનું યોગદાન આપ્યું હતું. ટીમ ઈન્ડિયા તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ ૪ વિકેટ લીધી હતી. જયારે બુમરાહ અને અહેમદના ફાળે ૨-૨ તેમજ ભુવનેશ્વર કુમાર અને કુલદીપ યાદવે ૧-૧ વિકેટ ઝડપી હતી. જયારે માત્ર ૬ રનમાં જ શિખર ધવનને થોમસે બોલ્ડ કરતા ભારતે પ્રથમ વિકેટ ગુમાવી હતી. આ પછી ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવતા રોહિત શર્મા ૬૩ તેમજ કેપ્ટન વિરાટ કોહલી ૩૩ રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.