મેરાન્યૂઝ નેટવર્ક.સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયાના વચ્ચે ચાલતા ચોથા અને અંતિમ ટેસ્ટ મેચના પાંચમા દિવસે સોમવારે મેચ વરસાદને કારણ રોકાઈ ગઈ અને અધિકારીઓએ બાદમાં તેને રદ્દ કરવાની જાહેરાત કરી હતી. એવામાં ભારતે ઓસ્ટ્રેલિયાના સામે ચાર ટેસ્ટ મેચની સીરીઝમાં 2-1થી પોતાના નામે કરી છે.

આ સીરીઝ જીત્યા સાથે જ ભારતીય ટીમે 70 વર્ષ બાદ નવો ઈતિહાસ રચી દીધો છે. ભારતીય ટીમે 70 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયામાં તેની સામે સીરીઝમાં જીત હાંસલ કરી છે. વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરીઝ જીતનાર ભારતના પહેલો કેપ્ટન બન્યો છે.

ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સોમવારે સિડનીમાં ટેસ્ટના પાંચમા આખરી દિવસે મેચ વરસાદને કારણે રોકાઈ ગઈ હતી. જેને કારમે પુરા દિવસમાં એક પણ બોલ ફેંકાયો ન હતો. અંપાયર્સે દિવસની આ મેચને રદ્દ કરી દેવાનો નિર્ણય કર્યો જે સાથે જ ટીમ ઈન્ડિયાના નામે એક ઈતિહાસ નોંધાઈ ગયો. વિરાટના નેતૃત્વની ટીમ ઈન્ડિયાએ ચાર મેચોની સીરીઝ 2-1થી પોતાના નામે કરી છે. સિડની ટેસ્ટમાં 193 રન બનાવનાર ચેતેશ્વર પુજારાને મેન ઓફ ધ મેચ, જ્યારે મેન ઓફ ધ સીરીઝનો એવોર્ડ પણ તેને મળ્યો છે. પુજારાએ ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં કુલ 521 રન બનાવ્યા છે.

ભારતે પહેલી ઈનિંગ્સમાં ચેતેશ્વર પુજારા અને ઋષભ પંતની સદીઓની મદદથી 7 વિકેટ પર 622 રન બનાવ્યા હતા. જે પછી કુલદીપ યાદવની પાંચ વિકેટોને કારણે ભારતે ઓસ્ટ્રેલિયાને પહેલી ઈનિંગમાં જ 300 પર સમેટી નાંખ્યું હતું. પુજારાને આ મેચ માટે મેન ઓફ ધ મેચ અને સીરીઝ બંને ખિતાબ અપાયા હતા. ભારતે 322 રનની લીડ સાથે ઓસ્ટ્રેલિયાને ફોલોઓન કરી દીધું, પરંતુ હવામાનની અચોક્કસ સ્થિતિને કારણે ઓસ્ટ્રેલિયાને રાહત મળી હતી. ભારતનો આ 12મો પ્રવાસ હતો. ભારતે વિદેશી પ્રવાસો પર હવે ફક્ત સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સીરીઝ જીતી નથી.