મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: આગામી તારીખ 4 થી 8 દરમિયાન ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે ટેસ્ટ મેચ રમવામાં આવનાર છે. ખંઢેરી ક્રિકેટ સ્ટેડીયમમાં રમાનાર આ મેચ અંતર્ગત આજરોજ ભારત-વેસ્ટઇન્ડિઝની ક્રિકેટ ટીમો રાજકોટ આવનાર છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા બંને ટીમોને ગાંધી મ્યુઝિયમની મુલાકાત લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. ત્યારે બંને ટીમો આ મ્યુઝિયમની મુલાકાત લે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

રાજકોટ શહેરમાં ગાંધીજી જ્યાં ભણ્યા હતા તે શાળામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. ગઈકાલે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે ભારત અને વેસ્ટઇન્ડિઝની ટીમ મેચ પહેલા કે મેચ પૂર્ણ થયા બાદ મ્યુઝિયમની મુલાકાત કરે તેવી સંભાવના જોવા મળી રહી છે. જો કે આ મુલાકાત અંગેનો આખરી નિર્ણય ટીમ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવનાર છે.