મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ ચીને લદ્દાખમાં ભારત વિરૂદ્ધ અને દક્ષિણી ચીની સાગરમાં અન્ય પાડોશી દેશો સાથે આક્રમક વલણ અપનાવેલું છે અને સાથે જ અમેરિકા સાથે ઉગ્ર રાજદ્વારી યુદ્ધ છેડ્યું છે. ત્યારે આ સંજોગોમાં આધુનિક ઉદ્યોગોની દુર્લભ લાઈફ-લાઈન પર ચીનની મોનોપોલી કે એકાધિકાર આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય બની શકે છે. 


ચીનના 'રેર' મસલ્સ

કોરોના વાયરસ મહામારીનો સામનો કરવા માટેની પદ્ધતિને લઈ વોશિંગ્ટને હાલ દિગ્ગજ એશિયન દેશ ચીન સામે લાલ આંખો કરેલી છે. ચીન પૃથ્વી પરના રેર એટલે કે દુર્લભ મિનરલ્સ (ખનીજો)નો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. તે અંતર્ગત 17 તત્વોનું ગ્રુપ ઉપભોક્તા વસ્તુઓ, એવિએશન, ક્લીન-ટેક, હેલ્થકેર, ડિફેન્સ અને અન્ય સેક્ટર્સ માટે ખૂબ મહત્વનું છે. 

પોતાના ચુંબકીય અને વિદ્યુત રાસાયણિક ગુણો માટે પ્રખ્યાત આ ધાતુઓ પૃથ્વીની સપાટી પર સામાન્ય છે. પરંતુ ઈન્ડસ્ટ્રીયલ ડેટાના અભ્યાસ પ્રમાણે ચીન પોતાના ઓછા લેબર કોસ્ટ અને પર્યાવરણ નિયમોમાં ઢીલ દ્વારા આ ધાતુઓના ગ્લોબલ આઉટપુટના 90 ટકા હિસ્સા પર નિયંત્રણ રાખે છે. 

આ ધાતુઓનો ઉપયોગ સેલફોન, લેપટોપ, સ્માર્ટ ટીવી, સ્માર્ટ સ્પીકર, સર્જિકલ ઉપકરણો, પેસમેકર, એરક્રાફ્ટનું એન્જિન, ટેલિસ્કોપ લેન્સ, લેઝર, રડાર, સોનાર, નાઈટ વિઝન સિસ્ટમ, મિસાઈલ ગાઈડેન્સ, આર્મ્ડ વાહનો જેવા તમામ ઈન્ડસ્ટ્રી સેક્ટરમાં થાય છે. 

ચીનના રેર-અર્થ પ્રતિબંધો

ગત વર્ષે જ બેઈજિંગે અમેરિકાને બંને અર્થતંત્રો વચ્ચે ટ્રેડ વોર વધવા પર તે રેર અર્થ મિનરલ્સની નિકાસને વિક્ષેપિત કરશે તેવી ધમકી આપી હતી. ચીનના રાષ્ટ્રીય વિકાસ અને સુધાર આયોગે 2019માં 'જો કોઈ ચીન દ્વારા નિકાસ કરવામાં આવેલા રેર અર્થથી બનેલા ઉત્પાદનોનો ઉપયોગ ચીનને કાબૂમાં કરવા અને તેનો વિકાસ દબાવવા કરવા ઈચ્છશે તો અમને લાગે છે કે ચીનના લોકો ખુશ નહીં થાય' તે અર્થનું નિવેદન આપ્યું હતું. 

2010માં ચીને એક દ્વીપ વિવાદને લઈ જાપાનમાં રેર અર્થની નિકાસ પર પ્રતિબંધો મુકી દીધા હતા. 

સ્ટ્રેટેજિક, ટેક મોર્ચે આગળ

વ્યૂહાત્મક નિષ્ણાંતો ઉપરાંત અમેરિકા પણ સ્વીકારે છે કે ચીન દ્વારા ધાતુઓની નિકાસ પર પ્રતિબંધની અસર ગ્રાહકો, હેલ્થ કેર અને એવિએશન ઈન્ડસ્ટ્રી ઉપરાંત રાષ્ટ્રીય સંરક્ષણ મામલે પણ વર્તાશે. 

રેર અર્થ માર્કેટ મામલે ઓથોરિટી ગણાતા પ્રોફેસર ડડલે કિંગ્સનોર્થના કહેવા પ્રમાણે ધાતુઓના ઉત્પાદન મામલે ચીને ઘણો દીર્ઘકાલીન દૃષ્ટિકોણ અપનાવેલો છે. ચીને 1970માં પોતાની રેર અર્થ યાત્રાની શરૂઆત કરી હતી. તેણે તળિયા સુધી જઈને તેનું મૂલ્યવર્ધન કર્યું અને રોજગાર સર્જ્યો. ચીને બહુ પહેલેથી જ રેર અર્થ ભવિષ્યમાં હાઈટેક મેન્યુફેક્ચરિંગનો આધાર બનશે તેમ જાણી લીધું હતું. 

રેર અર્થ્સ મામલે ભારત સામે ચીન

2019માં ચીને 1,32,0000 મેટ્રિક ટન રેર અર્થનું ઉત્પાદન કર્યું અને તેના સામે ભારતમાં તેનું ઉત્પાદન 3,000 મેટ્રિક ટન રહ્યું. નિષ્ણાંતોના મતે ભારત આ મહત્વપૂર્ણ ક્ષેત્રે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા ભારે મોટા પડકારનો સામનો કરી રહ્યું છે. ચીન પાસે ધનનો જથ્થો છે જે આ દુર્લભ સામગ્રીઓના સ્ત્રોતને શોધવા અને ખરીદવામાં ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. ભારતે આ પ્રકારની સંપત્તિ હાંસલ કરવા આગામી દસકામાં 9-10 ટકાના વિકાસ દરથી વધવું પડશે. 

ભારત હાલ જાપાન સાથે મળીને વિશાખાપટ્ટનમ ખાતે એક રેર અર્થ જોઈન્ટ વેન્ચર પર કામ કરી રહ્યું છે. સરકાર એક નવી રાષ્ટ્રીય ખનીજ નીતિ પણ બનાવી રહી છે પરંતુ ભારતે હજુ ઘણું લાંબુ અંતર કાપવાનું છે.