મેરાન્યૂઝ નેટવર્ક ગાંધીનગર: રાજ્યના પાટનગર સહિત મહેસાણા તેમજ કડીમાં અડધો ડઝન જેટલી કંપનીઓ પર આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. બે ડઝન જેટલા અધિકારીઓના કાફલાએ પાડેલ આ દરોડામાં કરોડો રૂપિયાનાં ટેક્સની વસુલાત બાકી નીકળતાં ટેક્ષચોરોમાં ફફડાટ ફેલાયો છે. જેમા નાણાકિય વર્ષના અંતિમ મહિના પહેલા ટેક્ષ વસૂલાત માટેના આ દરોડાથી અન્ય વેપારી-ઉદ્યોગપતિઓ પણ ચિંતામાં મુકાઈ ગયા છે. 
ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતનાં મુખ્ય મથક અને રાજયના નાણાં મંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની કાર્યભૂમિ એવા મહેસાણા અને કડીમાં આયકર વિભાગ દ્વારા મોડી રાત સુધી દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મહેસાણામાં લીંચ રોડ તેમજ ગાંધીનગર ખાતે આવેલ ટોપસન એનર્જી લી તેમજ એલીસીડ ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત કડીમાં સરદાર ઇન્ડસ્ટ્રીઝ અને અમર જીનિંગ ફેક્ટરીમાં આયકરની ટીમે સર્ચ ક્યું હતું. જેમાં નાણાંકીય હિસાબો અને સ્ટોક ચકાસતા કરોડો રૂપિયાના ટેક્ષની વસુલાત બાકી નીકળતી હોવાનું બહાર આવ્યું છે. 

મહેસાણા આયકર તંત્રના ઓફિસરોની ટીમે નાણાંકીય આવક જાવકના હિસાબોમાં કરોડોના વ્યવહારો ફંફોસ્યા હતા. જેમાં મોટાપાયે ટેક્ષ જનરેટ થયા હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં એક સાથે અલગ અલગ ચાર સ્થળે દરોડા પાડવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે. જેમાં કડીના થોળ રોડ પર આવેલી સરદાર ઇન્ડસ્ટ્રીઝ અને અમર જીનિંગ ફેક્ટરીમાં પણ રાત સુધી તપાસ ચાલી હતી. આ દરોડામાં વધારાની આવક નીકળતા ૭૫ ટકા જેટલી ટેક્ષ વસુલાતની તજવીજ કરાઇ હતી. એક જ દિવસે ચારેય સ્થળે કુલ મળીને દરોડામાં ટેક્ષનો આંકડો કરોડોમાં આંબી ગયાનું જાણવા મળ્યુ છે.