મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: અમારા ગામમાં છેલ્લા એક વર્ષથી કુદરતી કે કોરોનાથી એક પણ મરણ થયું નથી. અરે કોઈ બીમાર પણ નથી પડ્યું તો  કોરોનાનો કેસ પણ કયાંથી આવે તેમ ૫૦ ખોરડાં અને ૩૦૦ લોકોની વસ્તી ધરાવતા લોધિકાના જસવંતપુર ગામના ઉપસરપંચ બાબુભાઇ હિરાણી સગૌરવ જણાવે છે. અમે છેલ્લા એક વર્ષમાં કોઈ જ ઉત્સવ સામુહિક ઉજવ્યો નથી, એ તો ઠીક ગામમાં કોઈ ફેરિયાને પણ પ્રવેશવા દીધો નથી અને દુકાનો પણ બંધ. એટલું જ નહીં ગામની વહુ દીકરીઓને ગામ બહાર જવાની એટલે કે તેમના પિયર જવા આવવા પર પ્રતિબંધ લાધ્યો છે. રિક્ષા દ્વારા શાકભાજી શાળામાં લાવી તમામ લોકો અહીંથી ખરીદી કરી જાય એ પ્રકારે વ્યવસ્થા કરી છે, એટલું જ નહી ગામ સમસ્તે ૧૦૦ ટકા વેકસીનેશન કરાવ્યું છે, આવી સઘન કિલ્લેબંધીને કારણે અમારા ગામમાં અત્યાર સુધી કોરોના પણ પ્રવેશી શક્યો નથી, તેમ બાબુભાઇ વધુમાં જણાવે છે.

જસવંતપુરને કોરોના મૂકત રાખવામાં ગામના આશાવર્કર બહેન લક્ષ્મીબેન સોજીત્રાનું યોગદાન પણ બહુમૂલ્ય રહ્યું છે. કોરોના તો હમણાં આવ્યો પણ અમે તો એ પહેલા પણ દરેક માતા અને બાળકોને તમામ રસી અપાવીએ છીએ. ખેત મજુર આદિવાસી બહેનોને પણ જાગૃતિ પુરી પાડી હાલના સમયમાં સાવચેતી રાખવા જણાવીએ છીએ. ઘરે તેમજ ખેતરમાં ટાકા સાફ રાખવા, બાળકોને સ્નાન કરાવવા, ઘરમાં સઘન સફાઈ સહિતની જાગૃતિ પુરી પાડીયે છીએ, ગામમાં દરેક ઘરમાં માસ્ક અને સૅનેટાઇઝરની બોટલ ઉપલબ્ધ કરાવાઈ છે.


 

 

 

 

 

કોરોનાની આ કપરી પરિસ્થિતિમાં ગ્રામજનોની પડખે આરોગ્ય વિભાગ પણ સતત ખડે પગે રહ્યો છે, તેમ જણાવે છે લોધીકાના પારડી પી.એચ.સી. ના સુપરવાઈઝર રમેશભાઈ બારસીયા. તેઓ કહે છે, અમારા પી.એચ.સી. સેન્ટર હેઠળના દસ ગામોમાં છેલ્લા એક વર્ષથી આઈ.ઈ.સી. (ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન) પ્રોગ્રામ દ્વારા સઘન જનજાગૃતિ ચલાવી. લોકડાઉન દરમ્યાન ગામે-ગામ જઈને માઈક દ્વારા લોકોને કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવા સમજાવ્યા અને વેક્સિનેશન માટે સતત જનજાગૃતિ અર્થે બેનર્સ અને ગ્રુપ મિટિંગ કરી માહિતી પુરી પાડી.

સેન્ટરના ડો. ઠાકર જણાવે છે કે, અમારા સેન્ટરમાં ૪૦ થી વધુનો સ્ટાફ અને પેટા આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા ટેસ્ટિંગ, માર્ગદર્શન અને દવા સબંધી સઘન કામગીરી કરવામાં આવી. સેન્ટર હેઠળના દસ ગામોમાં મોડી રાત્રે પણ કોઈ દર્દીને તકલીફ પડે તો સેન્ટર પર બોલાવી જરૂરી દવા પુરી પાડીએ છીએ. અનેક દર્દીઓને મોડી રાત્રે રાજકોટ ખાતે રીફર કર્યાના પણ દાખલા બન્યા છે.

કાંગશીયાળી ગામના સરપંચ દ્વારા રોગી કલ્યાણ સમિતિમાં રૂ. ૪૯ હજારનું દાન અમને મળ્યું. અમે આ દાનમાંથી દવાની ખરીદી કરી, તેની કીટ બનાવી આશા વર્કર દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને ઘરે ઘરે વહેંચી. રોગને શરૂઆતમાં જ ઓળખી ત્વરિત નિદાન દ્વારા અમે કોરોનાના કેસમાં અને મૃત્યુ દરમાં ઘટાડો કરી શક્યા છીએ તેમ પણ રમેશભાઈ જણાવે છે.

સમગ્ર વિશ્વ આજે જ્યારે કોરોનાના આ કપરા કાળમાં સુખની નિંદ્રા પણ માણી નથી શકતું તેવા સમયે રાજકોટની ભાગોળે આવેલા આ ગામોના ગ્રામાજનો નિશ્વિંત બની સુખની નિંદ્રા માણી રહ્યા છે. મુખ્યમંત્રીના ‘‘મારૂં ગામ, કોરોના મૂક્ત ગામ’’ ની વિભાવનાને ચરિતાર્થ કરતા આ ગામોમાં આરોગ્ય વિભાગની સફળ કામગીરી અને ગ્રામજનોના સમર્પિત ભાવના સહયોગની સાથે અનુશાસન અને જનજાગૃતિના પરિણામે આ અસંભવ ગણાતું કાર્ય આજે સંભવ બની અન્યોને પ્રેરણા આપી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.