મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાનું ‘જાલિયાના મઠ’ ગામ તેની શાળાઓ અને સરપંચ દ્વારા ગામના વિકાસના કામોના કારણે અસામાજિક તત્વો અને ગંદકીથી દુર રહી, વિકસિત બન્યું છે. આ ગામના સરપંચ શાળાઓની મુલાકાત કરે છે અને ગામના બાળકોના શિક્ષણ  પર વધુ ધ્યાન આપે છે.

૩૦૦૦ ની વસ્તી ધરાવતું ‘જાલિયાના મઠ’ ગામ, અમદાવાદ- મોડાસા રેલ્વે લાઈન અને અમદાવાદ-મોડાસા રોડ ઉપર આવેલું છે અને આ ગામમાં રસ્તા- શાળાઓ અને શૌચાલયની બાબતે સમગ્ર તાલુકામાં મોખરે છે. આ ગામમાં સતત ૪થી વખત ચૂંટાયેલા સરપંચ દ્વારા ગામમાંથી સામાજિક બદીઓ દુર કરીને શિક્ષણ વ્યવસ્થા પર ભાર મુકીને ગામને શિક્ષિત અને સ્વસ્થ બનાવવાના પગલે આજે ગામમાં તમામ બાળકો સ્કૂલે જાય છે અને ખાનગી શાળાઓ જેવી સવલત સાથે સરકારી સ્કૂલમાં અભ્યાસ કરે છે.

આ ગામમાં અમદાવાદ-મોડાસા રેલ્વે લાઈન છે જેમાંથી ગામનું સીધું જોડાણ અમદાવાદ સાથે હોઈ લોકોનો સીધો વ્યવહાર અમદાવાદ સાથે છે.

ગામના સરપંચ વિજયગીરી ગોસ્વામીએ જણાવ્યું કે ગામમાં ન્યૂસન્સ વેલ્યુ ૨ % કરતાં –પણ ઓછી છે અને ગામમાં દારૂડિયા પણ જોવા ન મળે એ રીતે ગામમાં તંત્ર ઊભું કર્યું છે. પંચાયતના વહીવટ પારદર્શક બને એ માટે સરપંચે ગામમાં લારીઓ-ગલ્લાઓમાં મળતી અમુક વસ્તુઓના વેચાણ પર પણ પ્રતિબંધ મુક્યો છે અને ગામમાં લોકોનું આરોગ્ય અન્ય ગામો કરતાં સારું રહે છે અને ગામ કોઈ બીમારીની લપેટમાં ન આવે તેની તકેદારી રાખી છે.

ગામમાં ત્રણ સ્કૂલ આવેલી છે જેમાં બે સરકારી પ્રાથમિક શાળાઓ અને એક માધ્યમિક શાળા. સરપંચે જણાવ્યું કે તે જાતે જ દર અઠવાડિયે દરેક સ્કુલ અને ક્લાસરૂમની મુલાકાત લે છે અને ગામના બાળકોના શિક્ષણ પર પણ ધ્યાન આપે છે. બાળકો માટે સ્કૂલના કેમ્પસને સુંદર બનાવાયું છે અને બાળકોના સ્વાસ્થ માટે દરેક સ્કુલમાં RO પાણીના પ્લાન્ટ પણ આપવામાં આવ્યા છે, સ્થિતિ એ છે કે દરેક બાળક સરપંચને ઓળખે છે અને તેમણે લગતા વિષયો પણ વાતચીતો કરે છે અને જેના પરિણામે ગામનું શિક્ષણ- સંસ્કાર સત્ર ઊંચું આવ્યું છે.

આ ઉપરાંત ગામમાં બગીચો, ઐતિહાસિક પંચાયતનું મકાન, તમામ આરસીસી રોડ, બેંક જેવી તમામ જરૂરી સુવિધાઓ વિકસાવવામાં આવી છે.