મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ આઠ દિવસ પેહલા અડાજણની તલાટી ઓફીસમાં એ.સી.બી.ની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું હતું અને મહિલા તલાટી હિરલ ધોળકિયા અને વચેટીયો કાંતિ પટેલને રૂ.૧૦૦૦ ની લાંચ લેતા ઝડપી લીધા હતા. જેતે સમયે બન્ને પાસેથી કુલ.૯૫ હજાર જેટલી રકમ મળી આવી હતી અને અ બન્ને એ બીજા લોકો પાસેથી પણ લાંચ લીધી હોવાની માહિતી ને પગલે એ.સી.બી.ની ટીમે ગાંધીનગર એફ.એસ.એલ.ની ટીમ દ્વારા તલાટી ઓફીસમાં સાયકોલોજીકલ પ્રોફાઈલિંગ કરીને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. વિડીઓ ગ્રાફી અને ફોટોગ્રાફી પણ કરવામાં આવી હતી. ગાંધીનગરની એફ.એસ.એલ.ની ટીમ તપાસ કરીને જે અભિપ્રાય આપશે તે પછી સુરત એ.સી.બી.ની ટીમ આગળની કાર્યવાહી કરશે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈ તા. ૧૨ ના રોજ એ.સી.બી.ની ટીમે અડાજણની તલાટી ઓફીસમાં લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં મહિલા તલાટી હિરલ ધોળકિયા અને વચેટીયો કાંતિ પટેલ એક અરજદાર પાસેથી  પેઢીનામું બનાવી આપવાના બદલામાં રૂ.૧ હજારની લાંચ લેતા ઝડપી ગયા હતા.


 

 

 

 

 

જોકે તે સમયે એ.સી.બી.ની ટીમે જે તપાસ કરી હતી. તેમાં હિરલ ધોળકિયા પાસેથી રોકડા રૂ.૫૦ હજાર અને કાંતિની ખુરશી નીચે અને સામેના તબલ પાસેથી રૂ.૪૦ હજાર અને ખિસ્સામાંથી ૫૫૦૦ મળીને કુલ રૂ.૯૫ હજાર જેટલી રકમ મળી આવી હતી. એ.સી.બી.ની ટીમ ને એવી શંકા હતી કે આ રાક્મ પણ લાંચની જ હોવી જોઈએ જેથી આજે ગાંધીનગર એફ.એસ.એલ.ની ટીમ સુરત આવી હતી અને સુરત એ.સી.બી.ની ટીમને સાથે રાખીને અડાજણની તલાટી ઓફીસમાં ગઈ હતી અને ત્યાં ફોરેન્સિક સાયકોલોજીકલ પ્રોફાઈલિંગ કર્યું હતું. જેમાં ઓફીસની ફોટો અને વીડિઓ ગ્રાફી કરવામાં આવી હતી.

બીજા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી અને ટ્રેપિંગ અધિકારીને પણ તરાપ કઈ રીતે કરી તે અંગેની માહિતી મેળવવામાં આવી હતી.અને એફ.એસ.એલ.ની ટીમએ સાયન્ટીફીક પુરાવાઓ મેળવ્યા હતા. જેનો અભ્યાસ કર્યા બાદ એ.સી.બી.ને અભિપ્રાય આપવામાં આવશે અને તે પછી સુરત એ.સી.બી.ની ટીમ હિરલ ધોળકિયા અને કાંતિ પટેલની સામે આગળની કાર્યવાહી કરશે. એ.સી.બી.ની આ કામગીરીમાં કદાચ પહેલી વાર આ રીતે ફોરેન્સિક સાયકોલોજીકલ પ્રોફાઈલિંગ કરવામાં આવ્યું હોય તેવું કહી શકાય.