મેરાન્યૂઝ નેટવર્ક.સુરત: સુરત મહાનગરપાલિકાના ઇલેક્શનના પરિણામ આવી ગયા બાદ હવે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો વિરોધ પક્ષ કક્ષમાં બેસ્યા ત્યાં તો વિરોધ પક્ષની કામગીરી શરૂ થઈ નથી તે પહેલાં જ હાસ્ય પ્રતિઆક્ષેપ નો દોર શરૂ થઇ ગયો છે. આમ આદમી પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ દ્વારા અમારા કોર્પોરેટરોને પૈસા આપીને ખરીદવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. અમારા કોર્પોરેટરે આ બાબતની જાણ અમને કરી છે. આનંદની વાત એ છે કે, અમારા કોઈપણ કોર્પોરેટરે ભાજપના નેતાઓએ જે ઓફર કરી છે એમાં જરા પણ રસ દાખવ્યો નથી. અને ભાજપે કરેલા કૃત્ય ને લઈને અમારે પાર્ટીના સિનિયર નેતાઓ સાથે ચર્ચા કરી છે.

સુરત મહાનગરપાલિકામાં 27 સીટ પર વિજય મેળવી પોતાનો દબદબો કાયમ કરનાર આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજક અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે આવવાના છે. આમ આદમી પાર્ટીના ગુજરાત સંયોજક મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે ભાજપ હંમેશા સત્તા પર બની રહેવા માટે આ પ્રકારના પ્રયાસો કરતી હોય છે. દેશભરમાં ભારતીય જનતા પાર્ટીએ એવા ઘણા ધારાસભ્યો સાંસદોને પોતાના પક્ષમાં લાવવા માટે કરોડો રૂપિયાની લાલચ આપી છે. ગુજરાત માં અત્યાર સુધીમાં કોંગ્રેસ સાથે આ જ પ્રકારનો ખેલ ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા કરવામાં આવ્યો છે તેના કારણે આજે કોંગ્રેસનું અસ્તિત્વ ગુજરાતમાંથી મટી ગયું છે.

અમે આ પ્રકારની ગંદી રાજનીતિ કરવા આવ્યા નથી. અમે પ્રામાણિક રીતે પ્રજાની સેવા કરવા માટે અહીં આવ્યા છે. અમને વિશ્વાસ છે કે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ગમે તેટલા રૂપિયાની લાલચ આપીને અમારા નેતાઓને ખરીદવાનો પ્રયાસ કરશે. પરંતુ અમારો એક પણ કોર્પોરેટર ભાજપની આ ટ્રેપ ની અંદર ફસાવવાનો નથી. અમારા પક્ષના કાર્યકર્તાઓ અને કોર્પોરેટરોને પહેલાથી જ માનસિક રીતે તૈયારી છે કે, ભાજપની સાથે કેવી રીતે લડવાનું છે. ભાજપ આજે રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો સૌથી ધનિક પાર્ટી છે અને BJP એ ભ્રષ્ટાચાર કરીને રૂપિયા એકત્રિત કર્યા છે. આજે અમે સુરતની જનતા માટે આવા ભ્રષ્ટાચારની પોલિટિક્સ માંથી શહેરને બહાર લાવીને સાચા અર્થમાં શહેરને તમામ સુવિધાઓ આપવાનો પ્રામાણિક પ્રયાસ કરવાના છે.

ભાજપના નેતાએ આક્ષેપને વખોડી કાઢયા

સુરતના ભૂતપૂર્વ મેયર જગદીશ પટેલ આમ આદમી પાર્ટીના આક્ષેપ ઉપર વળતો પ્રહાર કરી કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી પહેલાથી જુઠાણું ચલાવતી આવી છે અને દિલ્હી પછી હવે સુરતમાં પણ જૂઠાણું ચલાવવાની શરૂઆત કરી છે ભાજપનો કોઈ પણ પણ કાર્યકર્તા આમ આદમી પાર્ટીના સંપર્ક માં નથી અને સુરતની જનતા એ અમને જે પ્રેમ આપી અમારા 93 કોર્પોરેટર અને જંગી મતોથી જીતાડી સાબિત કરી દીધું છે અને આમ આદમી પાર્ટીના કોઈપણ કોર્પોરેટરોની અમને જરૂરત નથી.

આ રીતે સુરત મહાનગરપાલિકામાં પદ સંભાળતા પહેલા જ ભારતીય જાણતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે આરોપ પ્રત્યારોપમાં સામ સામે આવી ગઈ છે.જો કે જોવાનું એ રહ્યું કે, આવનારા દિવસોમાં પ્રજાલક્ષી કામો કોણ કરી રહ્યું છે.