મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : છેલ્લા ઘણા સમયથી શહેરમાં રાજમાર્ગો પર આઇવે પ્રોજેકટ હેઠળ સી.સી.ટી.વી. કેમેરા લગાડવામાં આવ્યા છે. જેનો ઉદેશ લોકોના જાન-માલના રક્ષણ કરવા માટે અને ગેરકાયદેસર પ્રવૃતિઓ, દબાણો થતા અટકાવવા માટે હતો પરંતુ હાલ કેમેરાઓનો ઉપયોગ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હેરાન પરેશાન કરી અને ખૂબ જ મોટો દંડ ફટકારવા માટે થતો હોય તેવું લાગી રહ્યું છે. જેને લઈને પ્રજાના ખર્ચે શરૂ થયેલી આ વ્યવસ્થા થકી પ્રજાને જ દંડનો ડામ આપનાર પોલીસ તંત્ર સામે યુવા લોયર એસોસિએશન મેદાને આવ્યું છે. અને કાનૂની લડત આપવાનો નીર્ધાર વ્યકત કર્યો છે.

આઈવે પ્રોજેક્ટના ઉપયોગની માર્ગદર્શિકા મુજબ માત્ર ટ્રાફીક નિયમોના ભંગ બદલ દંડ વસુલ કરવાની કોઇ યોજના ન હોવા છતાં પોલીસ દ્વારા રાજકોટ શહેરનાં પ્રજાજનોને ઈ-મેમો આપવામાં આવે છે. અને લોકોને જેની આવકના સાધનો ન હોવા છતાં મોટી રકમનાં દંડ ભરવા કાયદાથી વિરૂધ્ધ દબાણ કરવામાં આવે છે. જે હકીકત ધ્યાન ઉપર આવતા લોકોને મદદ મળી રહે તે માટે યુવા લોયર્સ એસોસીએશનના એડવોકેટોની ટીમ દ્વારા લડત ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે

પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા  કાયદા વિરૂદ્ધની વાતો ફેલાવી લોકોને ડરાવીને કાર્યવાહી થતી હોય તેની સામે યુવા. લોયર એસો.ના એડવોકેટોની ટીમે લડત આપવાનું નકકી કરેલ છે, અને આ અંગે ગુજરાત હાઇકોર્ટમાં કાર્યવાહી કરવાનું વિચારણા હેઠળ છે. આ કામગીરી માટે યુવા લોયર્સની સીનીયર જુનીયર એડવોકેટની વિશાળ ટીમ સતત કાર્યશીલ થઈ હોવાનું કન્વીનર હેમાશું પારેખે જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા લોકોને ઇ-મેમોના દંડની રકમ નહીં ભરવામાં આવે તો ફરીયાદ દાખલ કરવાની અને લાયસન્સ રદ કરવાની, વાહન જપ્ત કરવાની અને વાહન વેચાણ કરવા માટે ટ્રાન્સફર અટકાવીશું. આ પ્રકારની કાયદા વિરૂધ્ધની વાતો થઇ રહેલ છે. હકીકતમાં ઇ-મેમોના દંડની રકમનો કેસ જો 6 માસમાં કોર્ટમાં દાખલ કરવામાં ન આવે તો આપો આપ તે લેણુ કાયદા મુજબ વસુલ કરી શકાતું નહીં હોવાથી પોલીસ દ્વારા અપાતી ધમકીઓથી ન ડરવાની સલાહ પણ યુવા લોયરો દ્વારા આપવામાં આવી છે.