પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ ): આપણે એવુ માની છીએ કે આપણે વારસામાં સંપત્તી મળે છે, પણ તે સાચુ નથી આપણે વારસામાં સાચી ખોટી માન્યતાઓ અને વિચારો પણ મળે છે, જાણે અજાણે પેઢીઓ સુધી કેરીફોર્વડ થતાં હોય છે. આપણા દેશમાં જે માહોલ ઉભો થયો છુ તેનું સૌથી મોટી કારણ આપણી મેન્ટલ એબેસીટી છે. આપણા વિચારો અને માન્યતાઓ ઉપર વર્ષોથી જે થર ચઢી ગયા છે તે દુર થતાં નથી જેના કારણે આપણા વડિલો જે માનતા હતા, આપણો સમાજ, આપણા મિત્રો અને આપણી આસપાસના લોકો જે માને છે જે બોલે છે તે આપણે માનવા લાગ્યા છીએ કારણ વર્ષોથી બધા જ માને છે એટલે આપણે માનવામાં કયાં વાંધો છે તેવુ આપણી સ્વીકારી લીધુ છે., આપણે જે માની છીએ તે માટે આપણી પાસે શુ તર્ક છે તેવુ આપણે પોતાને પણ પુછતા નથી જેના કારણે કેટલાંક લોકોનું ટોળુ આપણને જ દિશામાં આપણને દોરી જાય છે તે દિશામાં આપણે બધા જ કઈ પણ પુછયા વગર વર્ષોથી ચાલ્યા કરીએ છીએ.

શિક્ષણનો સરળ અર્થ કરીએ તો માણસને વિચારતો કરવાનો છે. પણ શિક્ષણ માણસને વિચારતો કરવામાં નિષ્ફળ જઈ રહ્યુ હોય તેવુ લાગે છે, અમે અમદાવાદમાં ગાંધીજી સ્થાપિત નવજીવન ટ્રસ્ટમાં પત્રકારત્વની કોલેજ ચલાવીએ છીએ, અમે એક પ્રયોગ કરી રહ્યા છીએ અમે અમારા પત્રકારત્વના અભ્યાસક્રમમાં એક પણ પુસ્તક રાખ્યુ નથી, કારણ મારી પેઢીના મિત્રો તો પુસ્તક વાંચીને જ  ડીગ્રી લઈ બહાર આવ્યા છે પણ મને સમજાય છે કે તે ડીગ્રીએ મને કામ શોધવામાં અને માણસ થવામાં કયાંય મદદ કરી નહીં અને આટલા વર્ષો  ડીગ્રી માટે કાઢયા પછી આજ સુધી મારી 10-12 અને કોલેજની કોઈએ ડીગ્રી જ માંગી નહીં, મારી સ્કુલ કોલેજમાં પુસ્તક ભણ્યો પણ મારે મારા પડોશી સાથે કેવો વ્યવહાર કરવો મારા શિક્ષકે તો કોઈ દિવસ વાત જ કરી નહીં, મારી કોલેજના પ્રોફેસરોએ કયારેય મને દેશના વંચિતોની વાત જ કરી નહીં, અમે નક્કી કર્યુ કે અમે અમારા વિધ્યાર્થીઓ જાતે વિચારતા થાય તેવી સ્થિતિ નિર્માણ કરીશુ, અમારી કોલેજમાં અમે જે મતને માનતા નથી તેવા વિરોધી વિચાર ધરાવતી ફેકલ્ટીને પણ કહીએ છીએ તમે આવો અમારા વિધ્યાર્થીઓને ભણાવો.

2002માં ગુજરાતમાં કોમી તોફાન થયા ત્યારે મારો દિકરો માત્ર પાંચ વર્ષનો હતો તેણે મને સ્કુલમાંથી આવી કહ્યુ કે આજે મુસ્લિમો આપણને મારી નાખશે, મને આધાત લાગ્યો કારણ મારો દિકરો કોઈ મુસ્લિમને મળ્યો જ ન્હોતો. છતાં તેણે પોતાના સમવયસ્ક મિત્રો પાસેથી મુસ્લિમો અંગે જે સાંભળ્યુ તેના કારણે તે પાંચ વર્ષનની ઉમંરે માનતો થયો કે મુસ્લિમો આપણને મારી નાખશે, મને ખબર હતી કદાચ આવનાર 10-15 વર્ષ સુધી મારા દિકરાને કોઈ મુસ્લિમ મિત્ર મળવાનો નથી પણ ત્યાં સુધી તેના મનમાં મુસ્લિમો અંગે દોરાયેલી લીટી ઘાટી થઈ જશે, હું તેને તોફાનગ્રસ્ત વિસ્તારમાં લઈ ગયો તેને મે મુસ્લિમો બતાડયા, મેં કોઈ સલાહ આપી નહીં, બસ મારી ઈચ્છા હતી કે મુસ્લીમ સારો કે ખરાબ તે મત મારા દિકરાનો પોતાનો હોવો જોઈએ, કોઈની પાસેથી સાંભળી તે પોતાનો મત બાંધે નહીં. એટલે અમારા પત્રકારત્વના વિધ્યાર્થીઓ અમે બે વિચારો મુકીએ છીએ અને કહીએ તમે જે માનો છે તેના કરતા જુદો મત પણ છે તમે તે પણ જુઓ પછી નક્કી કરો તમારે કઈ દિશામાં જવુ છે.

આપણે માનીએ છીએ કે આપણી  માનીએ તે જ પુર્વ દિશા છે પણ દરેક વખતે તે સાચુ હોતુ નથી બાળપણથી આપણે ઘરમાં સાંભળતા આવ્યા છીએ ફલાણી જાતી આપણી કરતા ઉતરતી છે, ફલાણી કોમના લોકો ભરોસા લાયક નથી, માંસ ખાનાર અપવિત્ર હોય છે, આવુ મેં મારા માતા-પિતા પાસેથી સાંભળ્યુ હશે મારા પિતાએ તેમના પિતા પાસેથી અને મારા દાદાએ તેમના માતા પિતા પાસેથી સાંભળ્યુ હશે જેના કારણે પેઢી દર પેઢી ઘરમાં થતી વાતો મારા ડીએનએમાં આવી ગઈ છે આ વૈચારિક ડીએનએ છે, જે અંગે હું કયારેય વિચાર કરતો જ નથી, આપણા મનમાં વિચારોના ઢગલાં થઈ જાય છે જેમાં સારા અને નરસા વિચારો બંન્ને છે દિવાળીના દિવસોમાં આપણે ઘર સાફ કરીએ છીએ પણ આપણા મનમાં પડેલા કચરાને પણ આપણે રોજે રોજ જાટકવો પડશે કારણ કોઈ માણસ કોઈ કોમ કોઈ જ્ઞાતિ માટે મારા મનમાં પડેલી કડવાશ મને જીવવા દેતી નથી. કોઈ ઉત્તમ પત્રકાર હોઉ, કોઈ ઉત્તમ ડૉકટર હોય કોઈ ઉત્તમ શિક્ષક હોય કોઈ, ઉત્તમ કલાકાર હોય પણ જો આપણે ઉત્તમ માણસ થવા માટેનો પ્રયાસ રોજ કરીશુ નહીં તો સ્થિતિ વધારે ખરાબ થવાની છે.

આપણને વારસમાં મળેલી સંપત્તીની વ્યવસ્થા તો આપણે કરીએ છીએ પણ વારસમાં મળેલી ખોટી માન્યતાઓ અને વિચારોની આપણે હરાજી કરતા  નથી, આપણુ લક્ષ તો માણસ થવાની દિશામાં સતત દોડવુ છે. કોણ કઈ જાતનો છે, કોની અટક શુ છે, કોણ શુ ખાય છે , કોણ કયાં પ્રદેશનો છે આ માન્યતાઓને કારણે આપણે આપણુ જીવન નર્ક બનાવવાનું નથી. કારણ જેમ આપણે સંપુર્ણ નથી તેમ સામેની વ્યકિત-જુથ-કોમ- સમાજ અને પંથ પણ સંપુર્ણ નથી ત્યારે આપણે જજ બની આપણી માન્યતાઓને આધારે કોઈનો  ન્યાય કરવાની જરૂર નથી, રાત્રે સુઈ જઈ ત્યારે કોઈના પણ માટે મનમાં દ્વેષ સાથે નહીં જયારે સવારે ઉઠીએ ત્યારે કોઈ બદલાનની ભાવના સાથે નહીં, કારણ દુનિયાાને જીતનાર સીંકદર પણ ખાલી હાથે ગયો તેમ આપણે પણ જઈશ.