જયેશ શાહ (મેરાન્યૂઝ.કચ્છ): ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને કારણે ભૂતકાળમાં વિવાદમાં સપડાઈ ચૂકેલો કચ્છનાં ધારાસભ્યનો પુત્ર ફરી એકવાર વિવાદમાં સપડાયો છે. આ વખતે આ ધારાસભ્ય પુત્રએ જુદા જુદા ત્રણ પ્રકારનાં હથિયારથી હવામાં ફાયરિંગ કરતા વિડિઓ બનાવીને ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કર્યા છે. જેને પગલે પશ્ચિમ કચ્છ પોલીસે આ અંગે તરત જ તપાસના આદેશ પણ કરી દીધા છે.

બુધવારે કચ્છમાં અબડાસા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાનાં દીકરા જયદીપસિંહે રાતના અંધારામાં બંદૂકથી ફાયરિંગ કરતો વિડિઓ ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરતા વિવાદની શરૂઆત થયી હતી. જેમાં અગાઉ બે વિડિઓ પણ જોવા મળ્યા હતા. તેમાં પીસ્ટલ જેવા લાગતા હથિયાર વડે ફાયર કરતો નજરે પડે છે. અગાઉ એક કંપની સાથેનાં ઝગડાને કારણે પોલીસ લોકઅપમાં રહી ચૂકેલા ધારાસભ્યના પુત્રની હરકત હાલ તો સમગ્ર કચ્છમાં ચર્ચાનો વિષય બની ચુકી છે.

કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાનાં દીકરા જયદીપસિંહનાં આ પ્રકારના વિડીઓને કારણે પશ્ચિમ કચ્છ પોલીસ પણ હરકતમાં આવી ગયી હતી. એસપી સૌરભ તોલંબિયા દ્વારા સમગ્ર મામલી તપાસ માટે નખત્રણા ડિવિજનના ડેપ્યુટી એસપી વી.એન.યાદવને હુકમ કરવામાં આવ્યો હતો. ડીવાયએસપી યાદવે આ મામલે એમ જણાવ્યું હતું કે, તેઓ વિડીઓનો અભ્યાસ કરી રહ્યા છે.  આ ઉપરાંત હથિયાર માટે લાયસન્સ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે તેમ ઉમેર્યું હતું. જરૂર જણાય પોલીસ આર્મ્સ એકટ પ્રમાણે કાર્યવાહી કરી શકે છે તેમ અંતમાં ડીવાયએસપી યાદવે ઉમેર્યું હતું.