મેરાન્યૂઝ નેટવર્ક.દિલ્હી: સમગ્ર દેશમાં કોરોનાએ કહેર મચાવ્યો છે અને લોકડાઉને પણ અનેક પ્રતિકૂળ પરિસ્થિતી ઊભી કરી છે. ખાસ કરીને એવા શ્રમિકો માટે જેઓ ધંધા-રોજગાર અર્થે પોતાના પરિવારથી અને વતનથી હજારો કિલોમીટર દૂર છે. મનોવિજ્ઞાન પણ એવું કહે છે કે, વિષમ પરિસ્થિતીમાં જો પોતાનાં નજીકના લોકો અથવા પ્રિય લોકો સાથે હોય તો પરિસ્થિતી સામે લડવાનું મનોબળ પ્રાપ્ત થાય છે અને એકબીજાને હૂંફ રહે છે. અને આવી જ લોકડાઉનની વિષમ પરિસ્થિતિએ જાણે અજાણે પ્રમાણમાં અલ્પશિક્ષિત મજૂરોને પણ આ નિયમે તેમનાં પરિવાર, પ્રિયજન પાસે પોતાનાં વતનમાં જવા મજબૂર કર્યા.

અન્ય રાજ્યમાં મજૂરી કરતાં શ્રમિકોને તેમનાં વતને પહોંચાડવાની યોજના બનાવવામાં લગભગ દરેક રાજ્યની સરકાર કાં તો મોડી પડી છે. કાં તો નિષ્ફળ રહી છે. ત્યારે ના છૂટકે, મજબૂર થઈને શ્રમિકોએ ચાલતાં અથવા અન્ય કોઈ રીતે વતનની વાટ પકડી છે. અને પોતાના ઘરે, પરિવાર, પ્રિયજન પાસે પહોંચવા અનેક મુશ્કેલીનો સામનો કર્યો છે. અને ઘણા લોકોએ તો જીવ પણ ગુમાવ્યો છે.

એક અહેવાલ મુજબ છેલ્લા આઠ દિવસમાં ૭૦થી વધુ મજૂરોએ પોતાનાં વતન જતી વખતે માત્ર “રોડ એક્સિડન્ટમાં” જીવ ગુમાવ્યા છે. જેમાં આજના બે મોટા અકસ્માત પણ શામેલ છે. ઉત્તરપ્રદેશના ઔરૈયામાં અને મધ્યપ્રદેશના સાગરમાં બે ગમખ્વાર અકસ્માત સર્જાયા છે.

શનિવાર (૧૬/૦૫)

યુપીના ઔરૈયા જિલ્લામાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માત થયો. દિલ્હી-કોલકાતા હાઇવે પર આવેલાં  એક ઢાબા પર મજૂરોથી ભરેલા ડીસીએમને એક ટ્રોલીએ ટક્કર મારી હતી. જેમાં અત્યાર સુધી ૨૪ લોકોનાં મોત નીપજ્યાં છે. અને ૨૨ લોકોની હાલત નાજુક જણાતાં જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર હાલતને કારણે 15 લોકોને સૈફઇ રિફર કરવામાં આવ્યા છે.

શનિવાર (૧૬/૦૫)

મધ્યપ્રદેશના સાગર જિલ્લાના બાંડા નજીક પણ આજે એક દર્દનાક માર્ગ અકસ્માતમાં પાંચ મજૂરોનું મોત નીપજ્યું છે. મજૂરોને લઈને ભરેલી ટ્રક રસ્તામાં પલટી ખાઈ ગઈ હતી, જેના કારણે પાંચ મજૂરોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રવીણ ભુરિયાએ જણાવ્યા મુજબ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે આ કામદારો મહારાષ્ટ્રથી ઉત્તર પ્રદેશ જઈ રહ્યા હતા.

શુક્રવાર(૧૫/૦૫)

શુક્રવારે મધ્યપ્રદેશના એબી રોડ બાયપાસ ઉપર મુંબઇથી આવતું શ્રમિકોનું એક વાહન અકસ્માતનો ભોગ બન્યું હતું. જેને પાછળથી આવી રહેલી એક ટ્રકે ટક્કર મારી હતી. આ ઘટનામાં ત્રણ શ્રમિકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે ૧૪ શ્રમિકો ઘાયલ થયા હતા. આ બધા જ શ્રમિકો યુપીના ગાઝીપુર જિલ્લાનાં જોનીપુર ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.

ગુરુવાર(૧૪/૦૫)

ગુરુવારે વહેલી સવારે મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં ટ્રક અને બસ વચ્ચેના ગંભીર અકસ્માતમાં આઠ શ્રમિકોના મોત નીપજ્યા હતા અને આશરે ૫૦ શ્રમિકો ઘાયલ થયાં હતાં. ઇજાગ્રસ્ત શ્રમિકોને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. તમામ મૃતક શ્રમિકો મહારાષ્ટ્રથી તેમના વતન બિહાર અને ઉત્તરપ્રદેશ જઈ રહ્યા હતા.

બિહારના સમસ્તીપુરના શંકર ચોકમાં ગુરુવારે સવારે એક બસ ટ્રક અને ટ્રકનો અકસ્માત થયો હતો. જેમાં બે શ્રમિકોના મોત થયા હતા અને ૧૨ શ્રમિકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શ્રમિકોની બસ મુઝફ્ફરપુરથી કતિહાર તરફ જઇ રહી હતી અને તેમાં ૩૨ શ્રમિકો વતન જઈ રહ્યા હતા.

બુધવાર(૧૩/૦૫)

બુધવારે મોડી રાત્રે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ખાલૌલી ચેકપોસ્ટ અને રોહના ટોલ પ્લાઝા નજીક એક રોડવે બસે શ્રમિકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં છ મજૂરોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ હતુ અને ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી બે ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે મેરઠ લઈ જવાયા હતા. ઇજાગ્રસ્તો પાસેથી જાણવા મળ્યું હતું કે, બધા શ્રમિકો પંજાબથી પોતાનાં વતન ગોપાલગંજ (બિહાર) પગપાળા પરત ફરતાં હતાં.

મંગળવાર(૧૨/૦૫)

મંગળવારે તેલંગાણાના રંગરેડ્ડી જિલ્લાથી ઝારખંડના ગઢવા મુકામે પરત ફરતાં ૨૧ શ્રમિકો એક રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા હતા. જેમાંથી ચાર શ્રમિકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને ૧૭  શ્રમિકો ઘાયલ થયા હતા. મૃતકોમાંથી ત્રણ ગઢવા જિલ્લાના અને એક ઉત્તરપ્રદેશના રહેવાસી હતા.

ઘાયલ શ્રમિકોના જણાવ્યા મુજબ ૨૧ શ્રમિકો સોમવારે પગપાળા ગઢવા જવા નીકળ્યા હતા. અને અલગ અલગ વાહનોથી નાગપુર પહોંચ્યા હતા. ત્યાંથી કોઈ વાહન ન મળતાં તેઓ પગપાળા વતનની વાટ પકડી હતી. ત્યાંથી લગભગ ૧૫ કિલોમીટર આગળ જતાં એક ખાનગી વાહન મળ્યું. જેમાં તો બેઠા અને આગળ જતાં વાહનનું ટાયર ફાટી જતાં વાહન પલટી ખાઈ ગયું હતું.

મંગળવાર(૧૨/૦૫)

મંગળવારે મધ્યપ્રદેશના નરસિંહપુર જીલ્લામાં એક રોડ એક્સિડન્ટમાં ૫ શ્રમિકોનું કરૂણ મોત નિપજ્યુ હતુ અને ૧૩ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. નેશનલ હા. નં-૪૪ પર પાઠાં પાસે કેરીની એક ટ્રક પલટી ગઈ હતી. જેમાં ૨૦ શ્રમિકો સવાર હતા.

સોમવાર

મહારાષ્ટ્રનાં ઔરંગાબાદમાં સોમવારે એક માલગાડીની અડફેટે ૧૬ શ્રમિકોનું કરૂણ મોત નીપજયુ હતુ. જેઓ જલનાથી ભૂસવાલ તરફ પગપાળા જઈ રહ્યા હતા. તેઓ રેલમાર્ગ પર પાટાની બાજુએ ચાલી રહ્યા હતા અને થાકને કારણે ત્યાં જ સૂઈ ગયા હતા. અને સવારે લગભગ સવાપાંચ વાગે ટ્રેન તેઓની ઉપરથી પસાર થઈ ગઈ હતી.

આ તો થઈ વાત માત્ર છેલ્લા આઠ દિવસની, અને તે પણ માત્ર રોડ એક્સિડન્ટની પણ ખરેખર સમગ્ર લોકડાઉન દરમિયાન ભારતભરમાં કેટલાં શ્રમિકોએ જીવ ગુમાવ્યાં તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. જ્યારે સત્તાપક્ષ અને વિરોધપક્ષ કહેવાતાં “પરપ્રાંતિય” (જે ખરેખર પરપ્રાંતિય છે જ નહીં. ભારતીય જ છે.) લોકોને તેમનાં વતન પરત મોકલવા માટે, ભાડું કોણ ચૂકવશે? કોણે ચૂકવવું જોઈએ? કોણે ચૂકવ્યું? આવા મુદ્દાઓ પર રાજનીતિના રોટલા શેકતા હતા. આવામાં આ લોકોના મોત માટે જવાબદાર કોણ?