મેરાન્યૂઝ નેટવર્ક.ગુવાહાટીઃ ભલે ઓસામા બિન લાદેનને અમેરિકાએ આઠ વર્ષ પહેલા ઠાર કર્યો હોય પણ આજ પણ તેનું નામ આસામમાં ભય ઊભો કરી દે છે. છેલ્લા કેટલાક સમયથી ગોલપરા જિલ્લામાં તમામ લોકોની જીભ પર એક જ સવાલ હતો, 'લાદેન પકડાયો કે નહીં?' આ લાદેન એક જંગલી હાથી છે જે ગોલપરામાં એક રાત્રીમાં 5 લોકોના જીવ લઈ ચુક્યો છે.

લાદેનની શોધમાં 8 વન્ય અધિકારીઓ લાગ્યા છે જે ડ્રોનની મદદથી સતબારી રિઝર્વ ફોરેસ્ટમાં તપાસ કરી રહ્યા છે. તેનો હેતુ એવો છે કે હવે હાથી કોઈ માણસનો જીવ લે તે પહેલા તેને ઈંજેક્શન લગાવીને પકડી લેવામાં આવે. પરંતુ આ દરમિયાન આસામના નાગરિકો ભયમાં જ છે.

વન વિભાગ મુજબ આ વર્ષે અત્યાર સુધી જંગલી હાથીના હુમલામાં 57 લોકો માર્યા ગયા છે. આ વર્ષે જ જુલાઈ મહિનામાં પર્યાવરણ તથા વન મંત્રાલયમાં લોકસભામાં આંકડા રજુ કરતાં વખતે જણાવાયું હતું કે બીજા રાજ્યોની સરખામણીએ આસામમાં હાથિના હુમલાથી મરનારાઓની સંખ્યામાં વધારો થયો છે.

આસામના ગામોમાં જંગલી હાથીઓનો આતંક એટલો છે કે, ખેતરો, પાક, અને ગામો પર હુમલા કરનાર દરેક હાથીને અહીં લાદેનના નામે બોલાવાય છે. ઓનરેરી વાઈલ્ડ લાઈફ વોર્ડન કૌશિક બરુઆ કહે છે કે, ખુની જંગલી હાથીને લાદેન પહેલી વાર ત્યારે કહેવાયો જ્યારે વર્ષ 2006માં સોનિતપુર જિલ્લામાં એક હાથીએ ડઝનો લોકોને મારી નાખ્યા હતા, તે સમયે આતંકવાદી બિન લાદેન પણ ચર્ચામાં આવ્યો હતો. તે વર્ષના અંતમાં લાદેન નામનો આ હાથી પણ માર્યો ગયો હતો અને આતંકી બિન લાદેન 2011માં.