મેરાન્યૂઝ નેટવર્ક.જામનગર: જામનગરમાં મોડી રાત્રે રણજીત સાગર રોડ પર એક પરપ્રાંતીય યુવાન પર ફાયરિગ કરી એક એક્સ આર્મીમેને યુવાનની હત્યા નીપજાવવાનો પ્રયાસ કરતા સનસનાટી મચી જવા પામી છે. અહી કોઈએ બેસવું નહિ એમ કહી બીભત્સ વાણી વિલાસ આચરી આરોપીએ યુવાનને આંતરી લઇ ગોળીબાર કર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. પોલીસે આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવના પગલે જીલ્લા પોલીસ વડા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડો ગયો હતો. આરોપીએ છાતીના ભાગે ફાયરિગ કરતા યુવાન પડી ગયો હતો અને આંખમાં પણ ઈજા પહોહી હોવાનું સામે આવ્યું છે.

જામનગરમાં સનસનાટી ફેલાવનાર બનાવની વિગત મુજબ, શહેરના રણજીત સાગર રોડ પર આવેલ નવાનગર સોસાયટીમાં કારાભાઈ રાઠોડના મકાનમાં રહેતા અને કડિયાકામ કરતા દિવાનસિંહ ટેટીયાભાઈ માવી ઉવ ૩૫ નામનો યુવાને ગત રાત્રે સવા નવેક વાગ્યે રણજીત સાગર રોડ પરના ભોળા પંજાબી ધાબા પાસેથી પસાર થતો હતો ત્યારે હિંગળાજ પાનની બાજુમાં પુલિયા પાસે ઉભેલા વલ્લભ મનજીભાઈ બગડા નામના એક્સ આર્મીમેને આ યુવાનને આંતરી લઇ વાણી વિલાસ આચર્યો હતો. અહીં કોઈએ બેસવું નહી તેમ કહી ભૂંડી ગાળો બોલી યુવાનને પડકાર્યો હતો. તું અહી શું કામ આવેલ છો ? એમ કહી આરોપીએ દિવાનસિંહ કઈ સમજે તે પૂર્વે મારી નાખવાના ઈરાદે પોતાની પાસે રહેલ હથિયાર વડે ફાયરીંગ કર્યું હતું. જેમાં યુવાનને છાતીના ભાગે ઈજા પહોચતા તે નીચે પડી ગયો હતો અને સિમેન્ટની ફૂટપાથ પર પડતા આંખના ભાગે પણ ઈજા પહોચી હતી. આ ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ જતા આરોપી નાશી ગયો હતો. ઘટના સ્થળે હાજર લોકોએ યુવાનને તત્કાલીક જીજી હોસ્પિટલ ખસેડ્યો હતો. આ બનાવ વાયુ વેગે શહેરમાં પ્રસરી જતા જીલ્લા પોલીસ વડા શરદ સિંઘલ સહિતના ઘટના સ્થળે પહોચ્યા હતા. આ બનાવ અંગે ઘવાયેલા દિવાનસિંહ માવીએ સારવાર લઇ સીટી એ ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી સામે આઈપીસી કલમ ૩૦૭, ૫૦૪, તથા આર્મસ એક્ટ ૨૫(૧), (૧-બી) તથા જીપી એક્ટ મુજબ ફરિયાદ  નોંધી નાશી ગયેલ આરોપીની શોધખોળ હાથ ધરી છે.